જસ્ટિસ સંજીવ ખન્ના સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે
સીજેઆઈ ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યાં છે. તેમના પછી જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ હશે.
Chief Justice of India: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (DY Chandrachud) 10 નવેમ્બર 2024 ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) માટે જસ્ટિસ સંજીવ ખન્ના (Sanjeev Khanna)નું નામ કેન્દ્ર સરકારને મોકલ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં CJI ઓફિસના સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતાના આધારે કરવામાં આવે છે.
CJI સુપ્રીમ કોર્ટ કોલેજિયમના વડા (Supreme Court Collegium) છે, જે સુપ્રીમ કોર્ટ અને દેશની વિવિધ હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂંકની ભલામણ કરે છે. CJI ડી. વાય. ચંદ્રચુડ 2 વર્ષ સુધી આ પદ સંભાળ્યા બાદ નિવૃત્ત થવાના છે. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા તેમણે તેમના અનુગામીના નામની ભલામણ કરી છે.
કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના?
જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બર, 2024ના રોજ 6 મહિનાના કાર્યકાળ માટે ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળશે. તેઓ 13 મે 2025 સુધી તેમના પદ પર રહેશે. એ પછી તેઓ નિવૃત્ત થઈ જશે. જાન્યુઆરી 2019 માં તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. તેઓ હાલમાં કંપની લો, આર્બિટ્રેશન, સર્વિસ લો, મેરીટાઇમ લો, સિવિલ લો અને કોમર્શિયલ લો માટેના રોસ્ટર પર છે.
તેમના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં જસ્ટિસ સંજીવ ખન્ના 358 બેન્ચનો ભાગ રહ્યા છે અને 90થી વધુ ચુકાદાઓ આપ્યા છે. 2023માં તેમણે શિલ્પા શૈલેષ મામલે બંધારણીય બેંચનો ચુકાદો સંભળાવ્યો હતો. UOI વિ. UCC માં તેઓ એ બેંચનો ભાગ હતા જેમણે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે વધારાના વળતરની માંગ કરતી અરજી પર ચુકાદો આપ્યો હતો.
ગયા વર્ષે તેઓ એસસી અને એસટી માટે પ્રમોશનમાં અનામતના મુદ્દાની સુનાવણી કરતી ત્રણ જજની બેન્ચનો ભાગ હતા. 2019માં તેમણે પ્રખ્યાત 'RTI જજમેન્ટ'માં બહુમતીથી ચુકાદો આપ્યો હતો. 2022 માં તેમણે કહ્યું હતું કે મધ્યસ્થ તેમની ફી એકતરફી રીતે નક્કી કરી શકતા નથી.
આ પણ વાંચો: અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના બંધ કરો, ફક્ત બંધારણ આગળ માથું નમાવોઃ જસ્ટિસ અભય ઓકા