બહુજન ચળવળનો એક સિતારો ખરી પડ્યો, એક્ટિવિસ્ટ મનુભાઈ રોહિતનું આકસ્મિક નિધન

બહુજન સમાજે આજે તેનો ખરો સામાજિક કાર્યકર ગુમાવ્યો છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સૈયાત ગામના વતની અને વંચિત, પીડિત, શોષિત સમાજ માટે રાતદિવસ જોયા વિના કામ કરનાર એક્ટિવિસ્ટ મનુભાઈ રોહિતનું આજે એક માર્ગ અકસ્માતમાં આકસ્મિક નિધન થયું છે.

બહુજન ચળવળનો એક સિતારો ખરી પડ્યો, એક્ટિવિસ્ટ મનુભાઈ રોહિતનું આકસ્મિક નિધન

દલિત, પીડિત સમાજે આજે તેના એક ખરા યોદ્ધાને ગુમાવ્યો છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સૈયાત ગામના વતની અને વંચિત, પીડિત, શોષિત સમાજ માટે રાતદિવસ જોયા વિના કામ કરનાર એક્ટિવિસ્ટ મનુભાઈ રોહિતનું આજે એક માર્ગ અકસ્માતમાં આકસ્મિક નિધન થતા ચરોતર સહિત સમગ્ર મધ્ય ગુજરાતના દલિત, આદિવાસી, લઘુમતી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મનુભાઈ તેમની આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર તરીકેની કામગીરીને કારણે જાણીતા હતા. કોઈપણ પ્રકારની હો-હા કર્યા વિના જમીની સ્તરે પીડિતોને ન્યાય અપાવો એ તેમનો આજીવન મંત્ર હતો. એટલે જ બીજી કોઈ વ્યક્તિ તેમના કામની પ્રશંસા કરે, પણ મનુભાઈના મોંએથી કદી “આ મેં કર્યું” એવા શબ્દો ન નીકળે.

તેમનું વતન ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું સૈયાત ગામ. છેલ્લા 22 વર્ષથી તેઓ ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ઝાલોદ સુધીના દલિત, આદિવાસી, લઘુમતી સમાજના લોકોના માનવાધિકારો માટે કામ કરતા હતા. આ વિસ્તારોમાં જ્યાં પણ દલિતો, મજૂરો, આદિવાસીઓના માનવ અધિકારોનો ભંગ થતો હોય ત્યાં મનુભાઈ હાજર જ હોય. ગોધરાકાંડ વખતે તેમણે રાહતકાર્યોમાં પણ ઘણું કામ કરેલું. જ્ઞાતિ નિર્મૂલન સમિતિના નેજા હેઠળ દલિતો માટે તમામ પ્રકારની આવકમર્યાદા દૂર કરવા માટે પિટિશન ફાઈલ કરેલી. છેલ્લાં 22 વર્ષમાં એટ્રોસિટીના અનેક કેસોમાં તેમણે પીડિતોની પડખે ઉભા રહીને મદદ કરી હતી. સવા બે દાયકાની તેમની સામાજિક કાર્યકર તરીકેની કામગીરીમાં તેઓ એટ્રોસિટીના 20થી વધુ કેસોમાં પીડિતોને ન્યાય અપાવવામાં સફળ રહ્યા હતા. તેમણે ખેતમજૂરો માટે પણ ઘણું કામ કર્યું હતું. કાયદા અને બંધારણના નિષ્ણાત હોવા છતાં તેનો ઘમંડ નહોતો અને અત્યંત બહુ મૃદુભાષી હતા, કદી કોઈ પ્રચારમાં નહોતા આવતા.

અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને મનુભાઈના જીગરી દોસ્ત સંજયભાઈ પરમાર કહે છે, “છેલ્લે મનુભાઈ એટ્રોસિટીના કેસોમાં કોર્ટો દ્વારા અપાતા જામીન મુદ્દે લડત આપી રહ્યા હતા અને હું EWS સામે લડી રહ્યો હતો. અમે બે દાયકા કરતા વધુ સમયથી સાથે કામ કરતા હતા. હું સાબરકાંઠા, અરવલ્લી અને દહેગામમાં કામ કરતો હતો અને મનુભાઈ મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટામાં કામ કરતા હતા. એમાંથી અમારી દોસ્તી વધુ પાક્કી થઈ. એ પછી વર્ષ 2008માં અમે સાથે મળીને જ્ઞાતિ નિર્મૂલન સમિતિ બનાવી. જેની હેઠળ અનેક કેસો માટે લડત આપી.”

કોરોનાકાળના લૉકડાઉન વખતનો એક પ્રસંગ યાદ કરતા સંજયભાઈ કહે છે, “એ વખતે દેશ આખાની જેમ અમે પણ નાણાંભીડનો સામનો કરી રહ્યા હતા. છતાં મનુભાઈએ પોતાના ઘરખર્ચમાંથી રૂપિયા કાઢીને મને મોકલેલા. તેઓ કાયમ કહેતા કે, બંધારણમાં જે જોગવાઈઓ છે, તેનો અમલ થાય તો પણ આ દેશના ગરીબ, દલિત, પછાત વર્ગનો ઉદ્ધાર થઈ જાય, એટલે જો આપણે કોઈને ન્યાય અપાવવો હોય તો બંધારણમાં થયેલી જોગવાઈઓ પાછળ પડી જવું પડે, તો જ તંત્ર સુધરે. એ પછી તેમણે નક્કી કરેલું કે ન્યાય માટે રસ્તા પર ન ઉતરવું, પણ બંધારણના ઘડવૈયાઓ જે જોગવાઈઓ કરીને ગયા છે તેને વળગી રહીને વંચિતો માટે ન્યાય માંગવો. આ રીતે તેમણે કશા કોઈ હાકલા-પડકારા વિના અનેક કેસોમાં ન્યાય અપાવેલો. પણ હવે આ વનમેન આર્મી આપણી વચ્ચે નથી. દલિત, પીડિત સમાજે તેમનો એક ખરો યોદ્ધો ગુમાવ્યો છે.”

મનુભાઈની કામગીરીની છેલ્લી સ્ટોરી ખબરઅંતર.કોમ પર રજૂ થઈ

મનુભાઈની સામાજિક કામગીરીની સફળતાની છેલ્લી કહાની ખબરઅંતર.કોમ પર હજુ ગયા અઠવાડિયે જ રજૂ થઈ હતી. જેમાં તેમણે પહેલીવાર એટ્રોસિટીના એક કેસમાં ફરિયાદીને માનસિક સતામણી બદલ રૂ. 10 હજારનું વળતર અપાવ્યું હતું. એ મનુભાઈની જ દલીલ હતી કે, પીડિતને માનસિક સતામણી થઈ છે, તેના માટે વળતર મળવું જોઈએ, અને કોર્ટે તેને માન્ય રાખી હતી. પણ હવે એ યોદ્ધાએ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે. દલિત સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. મનુભાઈ તર્કવાદી હતા, ઈશ્વરીશક્તિમાં તેમને વિશ્વાસ નહોતો, પણ તેમના કામની સુવાસ વર્ષો સુધી મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટાના લોકોના દિલોદિમાગમાં જીવીત રહેશે. અલવિદા મનુભાઈ.

આ પણ વાંચો :આદિવાસી સમાજે પોતાનું રતન ગુમાવ્યું, ‘આદિલોક’ના તંત્રી પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેનનું અવસાન

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.