તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?

'મહારાજ' ફિલ્મ પર હાલ હાઈકોર્ટે વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. પણ વૈષ્ણવો શા માટે આ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે તેનું અસલી કારણ તમને ખબર હોવું જોઈએ. વાંચો આ લેખ.

તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?
all image credit - Google images

ગુજરાતભરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા 'મહારાજ' ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. જૂનાગઢ બાદ અમદાવાદમાં દોશીવાડાની પોળમાં આવેલી હવેલીમાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ આ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો હતો. ફિલ્મના વિરોધમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આ ફિલ્મ પર હાલ હાઈકોર્ટ દ્વારા પણ વચગાળાનો સ્ટે મૂકી દેવાયો છે. ફિલ્મના પોસ્ટરથી લઈને અમુક સીન બાબતે વિરોધનો મધપૂડો છેડાયો છે. વૈષ્ણવ સમાજનો આક્ષેપ છે કે ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણની છબીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. હાલ ગોપીનાથજી ગાદીના વૈષ્ણવો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વૈષ્ણવ આચાર્ય આભરણાચાર્ય ગોસ્વામીના જણાવ્યા મુજબ દરેક વખતે આ પ્રમાણે ફિલ્મના માધ્યમથી સનાતન ધર્મ પર અને હિંદુ દેવી દેવતાની છબીને કલંક લગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દરેક વખતે આવા પ્રયાસો દ્વારા સનાતન ધર્મ પર કુઠારાઘાત કરવામાં આવે છે. વલ્લભ સંપ્રદાય સાથે મળીને વૈષ્ણવ સંપ્રદાય અને સમગ્ર સનાતન ધર્મના લોકો ફિલ્મને રિલીઝ નહીં થવા દે અને તેનો વિરોધ કરશે.

હાલ રાજ્યભરમાં વૈષ્ણવો દ્વારા આ ફિલ્મ સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને આમીર ખાન તેના દીકરા જુનૈદ ખાન, યશરાજ ફિલ્મ્સ અને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે સવાલ પણ કરવામાં આવી રહ્યા છે. વૈષ્ણવ સંપ્રદાયના એક સમર્થકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "શું આ લોકો મદરેસામાં થતા છોકરા-છોકરીના યૌન શોષણના મામલે ફિલ્મ બનાવવાનું વિચારશે ખરા? શું તેઓ ચર્ચમાં થતા ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ દ્વારા બાળકો અને સ્ત્રીઓના દુર્વ્યવહાર વિશે કોઈ ફિલ્મ બનાવશે? હંમેશા હિંદુ સંતો, હિંદુ ધાર્મિક રીતરિવાજોને જ નિશાન બનાવવામાં આવે છે. જે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. આ અગાઉ પણ આમીર ખાનની પીકે ફિલ્મમાં ભગવાન શિવ વિશે ખોટી રીતે અપમાનજનક દૃશ્યો બતાવવામાં આવ્યા હતા. શું તેઓ આવી હિંમત અન્ય ધર્મની આસ્થા સામે કરી શકશે? માત્ર ૧૮૬૨ની સત્ય ઘટના આધારીત આ ફિલ્મનો ખાસ તો વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ૧૫૦ વર્ષ પહેલા બ્રિટીશ શાસનમાં બનેલી માત્ર એકાદ ઘટનાને આધાર બનાવી હાલના સમયમાં વલ્લભ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય વિશે ખોટી છબી ઉભી કરાઈ રહી છે. આ ફિલ્મ દ્વારા દેશભરના સાધુ સંતો અને વલ્લભ સંપ્રદાયને બદનામ કરવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે."

આ પણ વાંચો: દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?

સવાલ એ છે કે, આ ફિલ્મમાં એવું તે શું છે કે વૈષ્ણવો તેની રિલીઝ સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. તે સમજવા માટે આપણે 160 વર્ષ પાછળ જવું પડશે. વર્ષ 1861ની વાત છે. ત્યારે મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત સમાચારપત્ર 'સત્યપ્રકાશ'માં એક લેખ છપાયો હતો. લેખનું શીર્ષક ગુજરાતીમાં હતું અને તેનો અર્થ થતો હતો 'હિંદુઓનો અસલી ધર્મ અને વર્તમાન પાખંડી દ્રષ્ટિકોણ' આ લેખ સમાજ સુધારક અને પત્રકાર કરસનદાસ મુળજીએ લખ્યો હતો. જેમાં તેમણે પુષ્ટિમાર્ગી કહેવાતા વલ્લભ સંપ્રદાય પર સવાલો ઉઠાવ્યા હતા. પોતાના લેખમાં કરસનદાસે આરોપ લગાવ્યા હતા કે વલ્લભ સંપ્રદાયના તત્કાલિન સંત જદુનાથજી બ્રિજરત્નજી મહારાજ પોતાની મહિલા શ્રદ્ધાળુઓ સાથે જાતીય સંબંધો બાંધે છે. તેમણે એક બીજો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, આ સંપ્રદાયમાં એવું કહેવાતું હતું કે, જે પણ પુરૂષ શ્રદ્ધાળુ પોતાની પત્નીને 'મહારાજ' સાથે સહશયન કરાવવા માટે રાજી થશે, તેનાથી જ તેની મહારાજ પ્રત્યેની સાચી શ્રદ્ધા સાબિત થશે. આ મામલો એટલો ઉછળ્યો હતો કે લંડનમાં બેઠેલી બ્રિટિશ સરકાર પણ હલબલી ગઈ હતી.

આ મામલે બહુ લાંબો કેસ ચાલેલો, જે "મહારાજ લાયબલ કેસ" તરીકે જાણીતો થયો હતો. મૂળે તે વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો બદનક્ષીનો મુકદ્દમો હતો, જે ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ થી ૨૨ એપ્રિલ ૧૮૬૨ સુધી કોર્ટમાં લડાયો હતો. વલ્લભ સંપ્રદાયના ગુરુઓ તેમના અનુયાયીયોના વહેમ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા. આ પ્રથા છેક સત્તરમી સદીથી ચાલી આવતી હતી અને ઓગણીસમી સદીમાં પણ ચાલુ રહી હતી.

આ પણ વાંચો:  ટુ કિલ અ ટાઈગર- એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ

.

કરસનદાસ મૂળજી (૧૮૩૨-૧૮૭૧) પોતે વલ્લભ સંપ્રદાય પાળતા કુટુંબમાં જન્મેલા હતા અને સમાજ સુધારક તથા મુંબઈની બુદ્ધિવર્ધક હિંદુ સભાના સક્રિય કાર્યકર હતા. તેઓ ધર્માચાર્યોની અનીતિના ભારે વિરોધી હતા અને 'સત્યપ્રકાશ' નામનું સામયિક ચલાવતા હતા. તેમાં તેમણે વલ્લભ સંપ્રદાયના ધર્મગુરૂઓને ઉઘાડા પાડવા માંડ્યાં. તેમણે 'ગુલામી ખત', 'મહારાજોનો જુલમ', 'મહારાજોના મંદિરમાં ઝાપટનો માર', 'મહારાજોના મંદિરમાં અનીતિ', 'મહારાજોનો લોભ', 'વાણિયા મહાજનની હાલત', 'મહારાજોના લાગા' વગેરે શીર્ષકો સાથે લેખો પ્રકાશિત કર્યા હતા.

'મહારાજોનો જુલમ' નામના લેખમાં કરસનદાસે લખ્યું હતું કે, "છેલબટાઉ જુવાન ચીમનજી મહારાજે જુલમનો એક નવો રસ્તો થોડાક દિવસ પહેલા શોધી કાઢ્યો છે. એ મહારાજ એક મહેલ બંધાવવા ધારે છે. એ બંધાવવાનો ખર્ચ પેદા કરવાનો તેમણે એક સહેલો ઉપાય શોધી કાઢ્યો છે. ગયા રવિવારે તેમણે પોતાને ત્યાં આવેલા વૈષ્ણવોને બંદીવાનની પેઠે બેસાડી રાખ્યા હતા. આમ બેસાડવાનો સબબ એટલો જ કે પેલા ગરીબ વૈષ્ણવોને ડૂબાડીને પોતાને વાસ્તે મહેલ બંધાવવા સારુ ઊભી કરેલી ટીપમાં નાણું ભરાવવું. વૈષ્ણવોએ મહારાજોને મનગમતી રકમ ભરવાને આનાકાની કરી તેથી મહારાજે આખો દહાડો તેઓને ભૂખ્યા-તરસ્યા બેસાડી રાખ્યા અને જ્યાં સુધી માગેલી રકમ ન ભરી ત્યાં સુધી તેઓને ઊઠવા દીધા નહિ' શું જુલમની વાત વાંચનાર ભાઈઓ, તમારી દોલત આવી રીતે લૂંટી લેવામાં આવે તો તેથી તમને ક્રોધ નહિ ચડે? અફસોસ! અફસોસ!"

આ પણ વાંચો: વિસરાનાઈ – એક રિક્ષાચાલકે લખેલી નવલકથા પરથી બનેલી અદ્દભૂત ફિલ્મ

.

કરસનદાસે લખેલા ઉગ્ર લખાણો વૈષ્ણવ મહારાજો જીરવી ન શક્યા. તેથી તેમણે કરસનદાસની કપોળ જ્ઞાતિના પંચ સાથે મસલતો કરીને તેમને નાત બહાર કરાવી દીધાં. આવા સંજોગોમાં સુરતની ગાદીના મહારાજ જદુનાથજી બ્રિજરત્નજી ૧૮૬૦માં મુંબઈ ગયા. તેમણે કવિ નર્મદ અને કરસનદાસ સહિત બધા સમાજ-સુધારકોને નાસ્તિક જાહેર કર્યા. કરસનદાસે આ સમયે તેમનો ઇતિહાસપ્રસિદ્ધ લેખ 'હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો' લખ્યો. 

આ લેખમાં તેમણે મહારાજોના કુકર્મો જાહેર કર્યા. તેથી જદુનાથજીએ એ જમાનામાં કરસનદાસ મુળજી સામે પચાસ હજાર રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડેલો. આ કેસ 'મહારાજ લાયબલ કેસ' તરીકે જાણીતો થયો. મહારાજોએ તેમના ભાટિયા અનુયાયીઓ ઉપર એવું દબાણ કર્યું કે જે કોઈ ભાટિયા સ્ત્રી કે પુરુષ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તો તેને નાત બહાર કરવામાં આવશે. આથી કરસનદાસે મહારાજો સામે અદાલતમાં ફરિયાદ કરી કે તેમણે જ્ઞાતિપંચ દ્વારા પુરાવાઓ દબાવવાની અને ન્યાયમાં રૂકાવટ લાવવાની સાજિશ કરી હતી. આ કેસ 'ભાટિયા કૉંસ્પિરસી કેસ' તરીકે જાણીતો થયો. ભાટિયા કૉંસ્પિરસી કેસનો ચુકાદો ૧૨ ડિસેમ્બર ૧૮૬૧ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો હતો. તેમાં મહારાજો અને તેમના ભાટિયા અનુયાયીઓને ગુનેગાર ઠરાવીને દંડ કરવામાં આવ્યો હતો.

મહારાજ લાયબલ કેસ ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ના રોજ શરૂ થયો હતો. એ દરમિયાન કરસનદાસ મુળજી પર તેમના દુશ્મનોએ અનેક હુમલાઓ કર્યા હતા. કેસ ચાલે ત્યારે અદાલતમાં ખૂબ ભીડ જામતી. મુંબઈ ઈલાકાનાં લગભગ બધાં ન્યૂઝપેપરો આ કેસ વિશેના સમાચાર પ્રગટ કરતાં હતા. મહારાજો કેવી રીતે વ્યભિચાર કરતા હતા તેની વિગતો આ કેસ દરમિયાન અદાલતમાં જાહેર થઈ. ભાટિયા અને વાણિયા જ્ઞાતિના મહારાજોના સેવકો તેમના પગની રજકણ ચાટતા, પાણીથી ખરડાયેલા તેમના ધોતિયાને નિચોવીને પાણી પી જતા, તેમનું છાંડેલું અન્ન આરોગતા, તેમનાં ચાવેલાં પાનસોપારી ખાતા, આતુરતાપૂર્વક તેમના કુટુંબની કન્યાઓ અને સ્ત્રીઓ સંભોગ માટે મહારાજોને સોંપતા - આ તમામ વિગતો પૂરાવા સાથે અદાલતમાં પ્રકાશમાં આવી હતી. એક સાક્ષીની જુબાની અનુસાર, 'રાસમંડળી' તરીકે જાણીતી બનેલી મહારાજો અને સ્ત્રીઓ વચ્ચેની રતિક્રીડાનાં દર્શન કરવા માટે ભાવિકોએ મોટી રકમ આપવી પડતી હતી, જે અંગે કરસનદાસે 'સત્યપ્રકાશ'માં જબરજસ્ત લેખો કર્યા હતા.

આ પણ વાંચો: વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ

મહારાજો તેમની અનુયાયી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા તેનો પૂરાવો અદાલતમાં રજૂ થયો હતો. મુંબઈના બે જાણીતા ડૉક્ટરો ભાઉ દાજી અને ધીરજરામ દલપતરામે એવી જુબાની આપી હતી કે જદુનાથજી મહારાજ પરમિયા (સિફિલિસ)ના રોગથી પીડાતા હતા. વ્યભિચાર ઉપરાંત તેઓ તેમના અનુયાયીઓ પાસેથી 'લાગા'ના સ્વરૂપમાં ધન પડાવી લેતા અને મંદિરોને તેમની અંગત મિલકત ગણતા હતા.

આ કેસનો ચુકાદો ૨૨ એપ્રિલ ૧૮૬૨ના રોજ આપવામાં આવ્યો હતો. તેમાં કરસનદાસ નિર્દોષ સાબિત થયા હતા. આ કેસ લડવામાં તેમને ૧૩,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો આથી અદાલતે જદુનાથજી પાસેથી તેમને રૂ. ૧૧,૫૦૦ અપાવ્યા હતા. આ કેસે મુંબઈ વિસ્તારના લોકોમાં નવજાગૃતિ આણવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કેસ ચાલતો હતો તે દરમિયાન જદુનાથજી મહારાજે કૉર્ટને એવી અરજી કરી હતી કે તેઓ લાખો લોકોના ધાર્મિક અને આધ્યાત્મિક વડા હોઈ તેમને અદાલતમાં જુબાની આપવા માટે ફરજ પાડવામાં ન આવે. પરંતુ ન્યાયાધીશે તેમની આ માગણી સ્વીકારી ન હતી. આ ઘટનાએ એવું પ્રતિપાદિત કર્યું કે જે નીતિમત્તાની વિરુદ્ધ હોય તે ધાર્મિક રીતે સ્વીકારી શકાય નહિ. આ કેસે નવાં બૌદ્ધિક મૂલ્યોનું સર્જન કરીને સમાજ-સુધારકોમાં પરિવર્તન માટેની નૂતન આશા જાગ્રત કરી હતી. અંગ્રેજી છાપાઓમાં કરસનદાસ મુળજીને 'ઇન્ડિયન લ્યુથર' (૧૬મી સદીના ખ્રિસ્તી સમાજસુધારક માર્ટિન લ્યુથરના નામ પરથી) તરીકે ટાંકવામાં આવ્યા હતા.

હાલ રજૂ થઈ રહેલી આમિર ખાન અને તેના દીકરા જુનૈદની પહેલી ફિલ્મ 'મહારાજ' આ જ આખા મામલા પર આધારિત હોવાનું કહેવાય છે. હવે સમજાયું શા માટે વૈષ્ણવ સંપ્રદાય તેનો વિરોધ કરી રહ્યો છે?

આ પણ વાંચો: Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.