પ્રણવ ધનાવડે યાદ છે? હાલ ક્યાં છે, શું કરે છે?

વર્ષ 2016માં નોટઆઉટ 1009 રન ફટકારનાર પ્રણવ ધનાવડે સાથે મોટો ખેલ ખેલાઈ ગયો છે, જાણો હાલ તે ક્યાં છે, શું કરી રહ્યો છે, કેવી પરિસ્થિતિમાં છે?

પ્રણવ ધનાવડે યાદ છે? હાલ ક્યાં છે, શું કરે છે?
image credit - Google images

where is pranav dhanawade now: હમણાં અમદાવાદના 18 વર્ષના દ્રોણ દેસાઈએ દીવાન બલ્લુભાઈ કપ અંડર 19 મલ્ટીડે ટુર્નામેન્ટ દરમિયાન 498 રન બનાવીને રેકોર્ડ કર્યાની ચોતરફ ચર્ચા થઈ રહી છે. તેની સાથે જ વર્ષ 2016માં પ્રણવ ધનાવડે નામના એક દલિત કિશોરને પણ ફરી યાદ કરવામાં આવ્યો. પ્રણવ ધનાવડે યાદ છે? હાલ તે શું કરે છે, કેવી પરિસ્થિતિમાં છે તેની વાત કરવી છે. 

ભારત એક જાતિવાદી દેશ છે - આ એ કડવું સત્ય છે, જેનો કથિત સવર્ણો કદી સ્વીકાર કરવાના નથી. ડો. આંબેડકરે કહ્યું હતું કે, ભારતમાં જાતિ એક એવું બહુમાળી મકાન છે જેમાં વ્યક્તિ જ્યાં જન્મ્યો છે ત્યાં જ રહે છે, અહીં ઉપરના માળે જવા માટેની કોઈ સીડી નથી. આવા સીડી વિનાના મકાનના કારણે અમુક જાતિઓ કાયમ માટે ટોચ પર જ રહે છે અને નીચે રહેનારા નીચે જ રહે છે. આ સમસ્યા દરેક ફિલ્ડમાં જોવા મળે છે અને તેમાં ક્રિકેટની રમત પણ બાકાત નથી.

કરોડો રૂપિયાનો દલ્લો ગણાતી ક્રિકેટની રમતમાં સ્વાભાવિક રીતે જ સવર્ણનો કબ્જો છે. આંગણીના વેઢા પણ વધી પડે એટલા દલિત, આદિવાસી કે ઓબીસી ખેલાડીઓ તમને ભારતની પુરૂષ કે મહિલા ટીમમાં જોવા મળશે. સવર્ણ ખેલાડીઓમાં પણ ચોક્કસ જાતિના ખેલાડીઓ તો એટલા બધાં છે કે, તમે મહાન ક્રિકેટરની યાદી પર નજર નાખશો તો પણ તમને એ ચોક્કસ જાતિના જ ખેલાડીઓ જોવા મળશે. હવે આવા જ કેટલાક મહાન ખેલાડીઓની લાગવગના કારણે તેમના છોકરાઓ પણ ક્રિકેટમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે, પણ તેની સામે દલિત સમાજનો એક પ્રતિભાશાળી ક્રિકેટર, જેણે એક જ દિવસમાં 1000 રન ફટકાર્યા હતા, તેની કરિયર ખતમ થવાના આરે પહોંચી ગઈ છે. તે દલિત ક્રિકેટરની વાત કરતા પહેલા કેટલાક મહાન ખેલાડીઓના છોકરાઓ વિશે જાણી લો. 

અર્જુન તેંદુલકર - પિતા ભારતરત્ન હોય પછી પ્રતિભા પાણી ભરે?

પિતા ભારતરત્ન હોય, ક્રિકેટરના ભગવાન કહેવાતા હોય તેનો લાભ પુત્રને ન મળે તો જ નવાઈ. અર્જુન તેંદુલકરને આ લાભ સતત વત્તાઓછા અંશે મળતો રહ્યો છે. તેના પિતાની શાખને કારણે તેને બહુ ઓછી મહેનતે ક્રિકેટમાં એન્ટ્રી મળી ગઈ છે. અર્જુન તેંદુલકરને મુંબઈ ઈન્ડિયને આઈપીએલમાં તેની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે મુંબઈ ઈન્ડિયન્સની માલિકી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સની છે અને તેમાં અર્જુનના પિતા સચિન તેંદુલકર આઈકોન ખેલાડી છે. અર્જુનના ખરાબ ક્રિકેટને કારણે તેને ટીમમાં ભાગ્યે જ જગ્યા મળે છે. મોટાભાગે આઈપીએલમાં તે બેંચ પર બેઠેલો જોવા મળે છે.

આવું જ અર્જુન સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં જોવા મળે છે. મુંબઈની રણજી ટીમમાં તેનો ગજ વાગે તેમ ન હોવાથી તેણે ગોવાની ટીમ તરફથી રમવાનું ચાલું કર્યું છે અને હમણાં અનેક તકો મળવાને કારણે તે એક મેચમાં સારું રમી પણ ગયો હતો.

અર્જુન તેંદુલકરે અત્યાર સુધીમાં 13 ફર્સ્ટ ક્લાસ મેચો રમી છે, જેની 20 ઈનિંગમાં તેણે માંડ 21 વિકેટ લીધી છે અને 481 રન બનાવ્યા છે. છતાં તેને આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં ખરીદવામાં આવે છે, તે કોની શરમને કારણે તે સમજી શકાય છે.

આ પણ વાંચો: વિનોદ કાંબલીના રેકોર્ડ સામે 'ક્રિકેટના ભગવાન' ક્યાંય પાછળ છે!

આઈપીએલમાં તેનું ડેબ્યુ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થયું હતું પરંતુ તે મેચમાં તે કંઈ કમાલ કરી શક્યો નહોતો. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ભુવનેશ્વર કુમારના રૂપમાં પ્રથમ વિકેટ મેળવી હતી. તેના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેણે 5 મેચ રમી છે જેમાં તે માત્ર 3 વિકેટ અને માત્ર 13 રન જ બનાવી શક્યો છે.

રાહુલ દ્રવિડનો છોકરો સમિત દ્રવિડ અન્ડર 19 ટીમમાં

ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડના છોકરા સમિત દ્રવિડની BCCIની જુનિયર પસંદગી સમિતિએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી દ્વિપક્ષીય શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમમાં પસંદગી કરી છે. જો કે, પહેલી બે મેચમાં તેને બહાર બેસાડવામાં આવ્યો હતો. અગાઉ મહારાજા ટી20 ટુર્નામેન્ટમાં પણ તે ખાસ કશું ઉકાળી શક્યો નહોતો. ICCના વય પાત્રતાના માપદંડોને કારણે તે 2026માં યોજાનાર ICC અંડર-19 વર્લ્ડ કપની આગામી આવૃત્તિમાં રમી શકશે નહીં.

જો કે દ્રવિડની લાગવગના કારણે તેને આગળ પણ તકો મળતી રહેશે, જે રીતે રોહિત શર્મા, કે.એલ. રાહુલ અને રિષભ પંતને મળી રહી છે. સમિતને પણ આ રીતે આગળ ધપાવાશે અને પછી મોકો મળ્યે ટીમ ઈન્ડિયાની મુખ્ય ટીમમાં પણ સમાવાય તો નવાઈ નહીં.

વિરેન્દ્ર સેહવાગનો છોકરો આર્યવીર સેહવાગ પણ અન્ડર 19માં

અર્જુન તેંદુલકર અને સમિત દ્રવિડ બાદ વિરેન્દ્ર સેહવાગના છોકરા આર્યવીરે પણ પિતાના પગલે આસાનીથી ક્રિકેટમાં પ્રવેશ મળી ગયો છે. વીરેન્દ્ર સેહવાગના પુત્રને દિલ્હીની અંડર-19 ટીમમાં જગ્યા મળી છે. આર્યવીર સેહવાગ 2024-25ની ડોમેસ્ટિક સીઝન માટે વિનુ માંકડ ટ્રોફી ODI ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળશે. વિનુ માંકડ ટૂર્નામેન્ટ 4 ઓક્ટોબરથી પોંડિચેરીમાં રમાશે. આર્યવીર સેહવાગ આ પહેલા દિલ્હીની અંડર-16 ટીમ માટે રમી ચૂક્યો છે. હવે તેને દિલ્હી અને ડ્રિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા દિલ્હીની અંડર-19 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ જ રીતે ભવિષ્યમાં તે ટીમ ઈન્ડિયામાં પણ જોવા મળશે તેમ લાગી રહ્યું છે.

પ્રતિભાશાળી દલિત ક્રિકેટર પ્રણવ ધનાવડે ક્યાં?

વર્ષ 2016નું વર્ષ ક્રિકેટના ચાહકોને યાદ હશે. એ વર્ષે ક્રિકેટના ઈતિહાસમાં એક એવો રેકોર્ડ બન્યો હતો જેને હજુ સુધી તો કોઈ તોડી શક્યું નથી. મુંબઈના કલ્યાણ વિસ્તારમાં એક દલિત કિશોર પ્રણવ ધનાવડેએ સ્કૂલ ક્રિકેટના ભંડારી કપમાં રમતી વખતે કે.સી. ગાંધી સ્કૂલ તરફથી રમતી વખતે આર્ય ગુરૂકુળ(સીબીએસસી) વિરુદ્ધ 327 દડામાં 129 ચોગ્ગા અને 59 સિક્સરો સાથે 1009 રન ફટકારી દીધા હતા. આ રેકોર્ડનો કેટલો મોટો છે તેનો અંદાજ તમે એના પરથી પણ લગાવી શકો કે પ્રણવ અને તેની પછીના ખેલાડી વચ્ચે 463 રનનું અંતર છે. પ્રણવ બાદ પૃથ્વી શો(546), ડૉ. હવેવાલા(515), ચમનલાલ(506 નોટઆઉટ) અને અરમાન જાફર(498)નો નંબર આવે છે જેઓ એક ઈનિંગમાં 400થી વધુ રન બનાવી શક્યા છે.

આ એક સંયોગ જ છે કે, એક દલિત છોકરા સામે રમનારી ટીમ 'આર્ય ગુરુકુળ' નામની હતી. આર્ય ગુરુકુળની ટીમે પહેલા બેટિંગ લીધી હતી અને માત્ર 31 રનમાં ખખડી ગઈ હતી. એ પછી કે.સી.ગાંધી સ્કૂલ તરફથી ઓપનર આકાશ સિંઘ સાથે પ્રણવ ધનાવડે મેદાનમાં ઉતર્યો હતો. અને તેણે 327 દડામાં 308.56ની સ્ટ્રાઈક રેટની મદદથી અણનમ 1009 રન ફટકારી દીધા હતા. પ્રણવ ધનાવડે ટેસ્ટની એક ઈનિંગમાં 1000 રન બનાવનાર દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે અને આજે પણ તેના એ રેકોર્ડની આસપાસ પણ કોઈ ફરકી શક્યું નથી. પ્રણવની એ ધૂંઆધાર ફટકાબાજીના કારણે કે.સી. ગાંધી સ્કૂલની ટીમે 3 વિકેટ ગુમાવીને 1465 રન પર દાવ ડિક્લેર કર્યો હતો. આવું પણ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર થયું હતું જ્યારે કોઈ ટીમે ટેસ્ટમાં 1400થી વધુ રન બનાવ્યા હોય. આ સાથે જ પ્રણવે 116 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. જેમાં બ્રિટિશ સ્કૂલના વિદ્યાર્થી એ.ઈ.જે. કોલિન્સ દ્વારા 628 રન બનાવવામાં આવ્યા હતા.

પ્રણવ સાથે એ પછી શું થયું?

બીબીસીઆઈનું કામ છે પ્રણવ જેવા કોહીનૂર હીરાને પોલીશ કરીને તેને ભારતીય ટીમ માટે તૈયાર કરવો, આઈપીએલમાં તેને રમાડીને તેને આર્થિક રીતે સદ્ધર કરવો. પણ પ્રવણ સાથે એવું કશું થયું નહીં. તેને નાનામોટા ઈનામો આપીને આશ્વાસનો અપાતા રહ્યા, પણ અર્જુન તેંદુલકર, સમિત દ્રવિડ કે આર્યવીર સેહવાગ જેવી ક્રિકેટની તાલીમ ન મળી. જેની સીધી અસર તેની કરિયર પર પડી. તેના પિતા પ્રશાંત ધનાવડે એક ઓટોરિક્ષા ચાલક છે અને તેઓ અર્જુન, સમીત કે આર્યવીર જેવી ટ્રેનિંગ તેને અપાવી શકે તેવી સ્થિતિમાં નહોતા.

1009 રનની નોટઆઉટ ઈનિંગ બાદ પ્રણવ ધનાવડે રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. ક્રિકેટ જગતના દિગ્ગજોએ તેના ઉજળા ભવિષ્યની આગાહી કરી હતી. પણ આજે પ્રણવ ધનાવડે ક્યાં છે? 2024નું વર્ષ પણ પુરું થઈ રહ્યું છે પણ ધનાવડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યાંય જોવા મળતો નથી. એટલું જ નહીં આઈપીએલ જેવી ટોચની સ્થાનિક લીગમાં પણ તે હજુ સુધી જોવા નથી મળ્યો. તો ધનાવડેનું શું થયું?

પ્રણવ સાથે ખરેખર આ સમયગાળામાં શું બન્યું?

હકીકત કંઈક આવી છે. વર્ષ 2016ની તેની 1009 રનની ઈનિંગ બાદ મુંબઈ ક્રિકેટ એસોસિએશને તેને મહિને રૂ. 10,000 ની સ્કોલરશીપ આપવાનું નક્કી કર્યું હતું, પણ તે ટૂંક સમયમાં બંધ કરી દેવાઈ. એ પછી એર ઈન્ડિયા અને દાદર ક્રિકેટનું મેદાન, જ્યાં પ્રણવ પ્રેક્ટિસ કરતો હતો, ત્યાં તેની પ્રેક્ટિસ બંધ કરાવી દીધી. સ્થાનિક કોચ અને અન્ય લોકો સતત તેની ટીકા કરતા રહેતા હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેણે ક્રિકેટ છોડવાની જાહેરાત કરી દીધી હતી. જો કે પરિવારજનોની સમજાવટથી તેણે રમવાનું ચાલું રાખ્યું છે અને તેનો સંઘર્ષ જારી છે.

વચ્ચે થોડા સમય માટે તેને લંડનની ચેશાયર ક્રિકેટ લીગ 2022માં નોર્થવિક ક્રિકેટ ક્લબ તરફથી રમવાની તક મળી હતી. જેમાં તેણે 5 અડધી સદી ફટકારી હતી. સિઝનની છેલ્લી મેચમાં પ્રણવે વનડાઉન ઉતરીને 85 દડામાં 10 ચોગ્ગાની મદદથી 67 રન કર્યા હતા. આ ડેબ્યૂ સિઝનમાં પ્રણવે 715 રન કર્યા હતા, જેમાં એક સદી અને 4 અડધી સદી સામેલ હતી.

પ્રણવ વિકેટકીપર-બેટ્સમેન તરીકે ભારત તરફથી ઈન્ટરનેશનલ સ્તરે રમવા માંગે છે. તેની ઈચ્છા મુંબઈ તરફથી રણજી ટ્રોફીમાં રમવાની છે. પણ તેને ટીમમાં પણ તેને સ્થાન મળ્યું નથી. એટલું જ નહીં, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ન રમી શકવાને કારણે તે આઈપીએલ 2025ની હરાજી માટે પણ ક્વોલિફાઈ થઈ શક્યો નથી. પ્રણવે પોતે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવા માંગે છે તેવું અગાઉ કહ્યું હતું, પણ હજુ સુધી તેનું એ સપનું પૂરું થયું નથી. હા, તેનો મિત્ર અર્જુન તેંદુલકર ચોક્કસ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં છે. આવું શા કારણે થઈ રહ્યું છે તે તમે સમજી ગયા હશો.

આ પણ વાંચો: લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.