ભીમા કોરેગાંવ મામલોઃ પત્રકાર ગૌતમ નવલખાને 4 વર્ષ બાદ જામીન મળ્યાં
વર્ષ 2018ના ભીમા કોરેગાંવ કેસમાં માનવાધિકાર કાર્યકર અને પત્રકાર ગૌતમ નવલખાને 4 વર્ષ બાદ જામીન મળ્યાં છે.
માનવાધિકાર કાર્યકર, પત્રકાર ગૌતમ નવલખાને વર્ષ 2018ના ભીમા કોરેગાવ મામલામાં આખરે 4 વર્ષ બાદ જામીન મળ્યા છે. ભીમા કોરેગાંવ દિવસની ઉજવણી દરમિયાન થયેલી હિંસા અને તેમાં એલ્ગાર પરિષદની કથિત સંડોવણી અને તેમની ભૂમિકાને લઈને UAPA જેવા ગંભીર કાયદા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટનો સ્ટે ઉઠાવી લીધા પછી મંગળવારે, 14 મેના રોજ તેમને જામીન આપવામાં આવ્યા હતા.
સર્વોચ્ચ અદાલત સિત્તેર વર્ષના કાર્યકર ગૌતમ નવલખાને જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટના ડિસેમ્બર 2023ના આદેશ સામે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની અપીલ પર સુનાવણી કરી રહી હતી. ગૌતમ નવલખા નવેમ્બર 2022થી નવી મુંબઈમાં નજરકેદ હતા. અગાઉ, એપ્રિલ 2020માં ધરપકડ બાદ તેમને તલોજા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
નવલખા માનવાધિકાર કાર્યકર્તા અને પિપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઈટ્સ (PUDR) ના પૂર્વ સચિવ છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને એસવીએન ભટ્ટીની બેન્ચે સ્ટે લંબાવવાનું ટાળ્યું હતું કારણ કે બોમ્બે હાઈકોર્ટનો આદેશ વિસ્તૃત હતો અને સુનાવણી પૂર્ણ થતાં વર્ષો લાગી જાય તેમ હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “અમે સ્ટેને વધુ લંબાવવા માંગતા નથી, કેમ કે હાઈકોર્ટનો આદેશ જામીન આપવા મુદ્દે બહુ વિસ્તૃત છે. હાલ જે રીતે આ કેસ ચાલી રહ્યો છે તે જોતા તેને પૂર્ણ થવામાં વર્ષોના વર્ષ લાગશે. એવામાં વિવાદોની વિગતવાર ચર્ચા કર્યા વિના અમે સ્ટેને આગળ વધારીશું નહીં."
કોર્ટે એમ પણ કહ્યું હતું કે, લાંબા સમયથી જેલમાં રહેલા નવલખા સામે હજુ પણ આરોપો ઘડવામાં આવ્યા નથી. કોર્ટે ગૌતમ નવલખાને તેમની અટકાયત દરમિયાન સુરક્ષા ખર્ચ પુરો પાડવા માટે NIAને 20 લાખ રૂપિયા ચૂકવવા નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો: Bhima Koregaon Battle - જ્યારે મુઠ્ઠીભર મહાર યોદ્ધાઓએ પેશ્વાની વિશાળ સેનાને પરાસ્ત કરેલી
2023માં બોમ્બે હાઈકોર્ટે અવલોકન કર્યા પછી નવલખાને જામીન આપ્યા હતા કે તેમણે UAPA હેઠળ કોઈ 'આતંકવાદી કૃત્ય' કર્યું હોવાના પુરાવા નથી.
અગાઉ નાગપુર યુનિવર્સિટીના 62 વરસના પૂર્વ પ્રોફેસર શોના સેન, જેમના પર કથિત માઓવાદીઓ સાથેના જોડાણના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી, તેમને છ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. તેમની સામે પણ હજુ ટ્રાયલ બાકી છે.
ભીમા કોરેગાવ કેસમાં 7 લોકોને જામીન
ભીમા કોરેગાંવ-એલ્ગાર પરિષદ કેસમાં જામીન મેળવનાર 16 આરોપીઓમાં ગૌતમ નવલખા સાતમા છે. અન્ય કાર્યકરો, વિદ્વાનો, વકીલો જેમને જામીન આપવામાં આવ્યા છે તેમાં શોમા સેન, સુધા ભારદ્વાજ, આનંદ તેલતુંબડે, વર્નોન ગોન્સાલ્વિસ, અરુણ ફેરેરિયા અને વરવરા રાવ સામેલ છે. 84 વર્ષના ફાધર સ્ટેન સ્વામી જેઓ જેલમાં હતા અને બિમાર હતા, તેમનું વર્ષ 2021માં જેલમાં જ મોત થઈ ગયું હતું.
કેસ શું છે?
આ કેસ 31 ડિસેમ્બર 2017ના રોજ પૂણેના શનિવારવાડામાં યોજાયેલા એલ્ગાર પરિષદ સંમેલનમાં આપવામાં આવેલા કથિત માઓવાદી કનેક્શન અને ભડકાઉ ભાષણો સાથે સંબંધિત છે. પૂણે પોલીસે દાવો કર્યો હતો કે ભાષણોના કારણે બીજા દિવસે ભીમા કોરેગાંવ યુદ્ધ સ્મારક અને તેની બહારના વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, આ સંમેલનને માઓવાદીઓનો ટેકો હતો. એ પછી કરવામાં આવેલી તપાસમાં એક ડઝનથી વધુ કાર્યકરો અને શિક્ષણવિદોને આરોપી બનાવી દેવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આટલા વર્ષો પછી પણ આ મામલે કોઈ નક્કર કહી શકાય તેવા પુરાવા કોર્ટમાં રજૂ થઈ શક્યા નથી. વર્ષ 2020માં આ કેસ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત આવતી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ભીમા કોરેગાંવ કેસમાં શોમા સેનને છ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
MULJIBHAI MEHARIYAVery trusted & complete news which spread awareness among the Dalit Samaj . Great job done.We R thankful to u sir.