મોદી સવર્ણોના તરફદાર હોવાથી જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવતા
લાલુ પ્રસાદ યાદવે મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે દેશની 89 ટકા સંપત્તિ કથિત સવર્ણો પાસે છે, તેમને રાજી રાખવા મોદી જાતિઆધારિત વસ્તી ગણતરી નથી કરાવતા.
આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે ફરી એકવાર કેન્દ્રની એનડીએ સરકાર પર નિશાન સાધ્યું છે. વર્લ્ડ ઈનઈક્વાલિટી લેબના આંકડાઓને લઈને તેમણે મોદી સરકારને ટોણો મારતા કહ્યું હતું કે, કથિત ઉંચી જાતિઓની સમૃદ્ધિ જોઈને મોદી સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવતી નથી. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ઈનઈક્વાલિટી લેબના આંકડાઓનો રિપોર્ટ હાલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે, જે મુજબ દેશની કુલ સંપત્તિ પૈકી 89 ટકા હિસ્સો કથિત સવર્ણો પાસે છે જ્યારે દલિતો પાસે દેશની કુલ સંપત્તિનો 3 ટકા જેટલો હિસ્સો પણ નથી.
આ ડેટા દ્વારા લાલુપ્રસાદે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. લાલુએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઉચ્ચ જાતિઓની સમૃદ્ધિ જોઈને મોદી સરકાર જાતિ ગણતરી કરાવવા માંગતી નથી. વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબના સંશોધનમાં પછાત લોકો, દલિતો અને આદિવાસીઓ માટે ડરામણા આંકડા બહાર આવ્યા છે. આ સંશોધન દેશમાં વધી રહેલી સામાજિક-આર્થિક અસમાનતાને દર્શાવે છે. દેશની કુલ સંપત્તિનો સૌથી મોટો હિસ્સો, લગભગ ૮૯ ટકા હિસ્સો કથિત સવર્ણો પાસે છે, આશ્ચર્યની વાત એ છે કે તેમની વસ્તી દેશના દલિત, આદિવાસીઓ અને ઓબીસી વર્ગ કરતા ક્યાંય ઓછી છે. જે બતાવે છે કે આપણા દેશમાં સામાજિક-આર્થિક અસમાનતાના મૂળ કેટલા ઊંડા છે. મોદી સરકાર સતત ૧૦ વર્ષથી એસસી-એસટી અને ઓબીસી કેટેગરીના નાના ઉદ્યોગોને નિશાન બનાવીને નષ્ટ કરી રહી છે.
આ પણ વાંચો: દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા
આરજેડી સુપ્રીમોએ કહ્યું કે આ રિપોર્ટ અનુસાર, ઉચ્ચ જાતિઓ પાસે દેશની કુલ સંપત્તિના ૮૮.૪ ટકા છે જ્યારે ઓબીસી પાસે માત્ર ૯.૦ ટકા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ પાસે માત્ર ૨.૬ ટકા છે. ૨૦૧૩માં ઓબીસીનો દેશની સંપત્તિમાં ૧૭.૩ ટકા હિસ્સો હતો, જે ૨૦૨૨માં ઘટીને માત્ર ૯ ટકા થયો છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સતત ઘટી રહ્યાં છે. કૃષિ નુકસાન વધી રહ્યું છે. સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.
લાલુ પ્રસાદે કહ્યું કે દેશમાં એસસી એસટી અને ઓબીસીની વસ્તી લગભગ ૮૫ ટકા છે. આ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી જાતિ ગણતરી કરાવવા માંગતી નથી. કારણ કે તે દરેક ક્ષેત્રમાં બેઠેલા સમૃદ્ધ લોકોના વર્ચસ્વને છતી કરશે. જ્યાં સુધી એસસી-એસટી, ઓબીસી અને ઉચ્ચ જાતિના ગરીબ લોકો ભારતીય જનતા પાર્ટીની ભક્તિ, કટ્ટરતા અને નફરતનું વાવેતર કરનારા તોફાનીઓને તેમના નેતા તરીકે સ્વીકારવાનું ચાલું રાખશે, ત્યાં સુધી આ આંકડા વધુ ખરાબ થશે. છેલ્લા ૧૦ વર્ષોમાં તેમણે એસસી-એસટી અને ઓબીસીને કૃત્રિમ મુદ્દાઓ, ધર્મ અને સ્યુડો રાષ્ટ્રવાદની ચર્ચાઓમાં ભોળવી રાખીને પોતાની સામાજિક, રાજકીય અને આર્થિક શક્તિને વધુ મજબૂત કરી છે. આ લોકો ચાલાકીપૂર્વક એસસી-એસટી અને ઓબીસીનું પ્રતિનિધિત્વ ખતમ કરી રહ્યાં છે. તેઓ દલિતો, આદિવાસીઓ અને ઓબીસી તેમના કાયદેસરના અધિકારોની માંગ ન કરી શકે તેવી સ્થિતિમાં તેમને લાવી દેવા માંગે છે.
આ પણ વાંચો: સંસ્કૃતના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીમાં જાતિવાદઃ 27માંથી 15 પ્રોફેસરો બ્રાહ્મણ, ધરમશી ધાપાએ લડત આરંભી