2013 પછીથી દલિત, આદિવાસીઓ સામેના ગુનાઓમાં 46% અને 48%નો વધારો થયો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના જે આંકડાઓ ટાંક્યા છે તે ચોંકાવનારા છે, કેમ કે 2013 પછીથી સતત તેમાં વધારો થયો રહ્યો છે.

2013 પછીથી દલિત, આદિવાસીઓ સામેના ગુનાઓમાં 46% અને 48%નો વધારો થયો
Photo By Google Images

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો(NCRB)ના આંકડાઓ અનુસાર વર્ષ 2013થી દલિતો વિરુદ્ધના ગુનાઓમાં 46.11 ટકા અને આદિવાસીઓ વિરુદ્ધના ગુનાઓમાં 48.15 ટકાનો વધારો થયો છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં આ વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દલિતો, આદિવાસીઓ પર સતત વધી રહેલા અત્યાચારના આ આંકડાઓ ભાજપ-સંઘના સબકા સાથ, સબ કા વિકાસના દંભને ખુલ્લો પાડે છે. NCRBનો આ રિપોર્ટ SC-ST સમાજની જિંદગીને અસુરક્ષિત બનાવતો ભાજપનો કાળો દસ્તાવેજ છે. ખડગેએ એમ પણ કહ્યું કે દલિત-આદિવાસીઓને અન્યાય, અત્યાચાર અને દમન એ સમાજને વિભાજિત કરવાના ભાજપના દાયકાઓના એજન્ડાનો એક ભાગ છે.

NCRBનો ડેટા જણાવે છે કે અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ(ST)ની વ્યક્તિઓ વિરુદ્ધ અપરાધો અને અત્યાચારોમાં એકંદરે વધારો થયો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં 2022માં SC-ST વિરુદ્ધના કેસમાં વધારો જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશ અને રાજસ્થાન છેલ્લા કેટલાક વર્ષોમાં SC અને ST સમાજ વિરુદ્ધ સૌથી વધુ ગુનાઓ અને અત્યાચારની ઘટનાઓ સાથે ટોચના પાંચ રાજ્યોમાં સતત સ્થાન મેળવે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ડેટામાં કહેવામાં આવ્યું છે કે આવા ગુનાઓનો ઊંચો ગ્રાફ ધરાવતા અન્ય રાજ્યોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને પંજાબનો સમાવેશ થાય છે.

એનસીઆરબીના વાર્ષિક ક્રાઈમ રિપોર્ટ અનુસાર, 2022માં SC જાતિ સામેના ગુનાઓના કુલ 57,582 અને ST સમુદાય વિરુદ્ધના ગુનાઓના 10,064 કેસ નોંધાયા હતા, જે 2021ની સરખામણીમાં અનુક્રમે 13.1% અને 14.3% વધુ છે.

આ પણ વાંચો : છેલ્લા 5 વર્ષમાં 13,626 SC, ST, OBC વિદ્યાર્થીઓએ IIT, IIM અને કેન્દ્રીય યુનિ.ઓ છોડી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.