છેલ્લા 5 વર્ષમાં 13,626 SC, ST, OBC વિદ્યાર્થીઓએ IIT, IIM અને કેન્દ્રીય યુનિ.ઓ છોડી

છેલ્લાં કેટલાક વર્ષોથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં દલિત, આદિવાસી અને ઓબીસી વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટનો રેશિયો સતત વધી રહ્યો હોવાની વાતો આપણે સાંભળી છે, હવે લોકસભામાં સરકારે રજૂ કરેલા આંકડાઓ તેનો પુરાવો પુરો પાડે છે.

છેલ્લા 5 વર્ષમાં 13,626 SC, ST, OBC વિદ્યાર્થીઓએ IIT, IIM અને કેન્દ્રીય યુનિ.ઓ છોડી
પ્રતિકાત્મક તસવીર

જાતિવાદનો ડંખ માત્ર સામાજિક સ્તરે જ જોવા મળે છે એવું નથી દરેક ફિલ્ડમાં ફેલાયેલો છે, જેનું તાજું ઉદાહરણ ગઈકાલે લોકસભામાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા કેટલાક આંકડાઓ પરથી ફલિત થાય છે. મળતી વિગતો પ્રમાણે છેલ્લાં 5 વર્ષમાં કુલ 13,626 દલિત(SC), આદિવાસી(ST) અને ઓબીસી(OBC) વિદ્યાર્થીઓએ IIT, IIM અને કેન્દ્રીય યુનિવર્સિટી છોડી છે. ગઈકાલે તા. 4 ડિસેમ્બર 2023ના રોજ કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુભાષ સરકારે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.


લોકસભામાં એ સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકારે આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓના ઊંચા ડ્રોપ આઉટ રેટના કારણોને સમજવા માટે કોઈ અધ્યયન કર્યું છે? સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, “ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ પાસે અનેક વિકલ્પો હોય છે. તેઓ સમયાંતરે અલગ અલગ સંસ્થાઓ વચ્ચે કે એક જ સંસ્થાના અલગ અલગ કોર્ષ વચ્ચે ટ્રાન્સફર થતા રહે છે.”


ક્યા સમાજના કેટલા વિદ્યાર્થીઓનો કેટલો ડ્રોપઆઉટ રેશિયો?
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટા પરથી ખ્યાલ આવે છે કે છેલ્લાં 5 વર્ષોમાં 4596 ઓબીસી, 2424 દલિત અને 2622 આદિવાસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાંથી બહાર થઈ ગયા છે. આ સમયગાળામાં 2066 ઓબીસી, 1068 દલિત અને 408 આદિવાસી વિદ્યાર્થીઓ IIT માંથી બહાર થઈ ગયા છે. 163 ઓબીસી, 188 દલિત અને 91 આદિવાસી વિદ્યાર્થીઓએ IIM છોડી દીધી છે.


સરકાર ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવા શું કરી રહી છે?
આ સવાલના જવાબમાં જણાવવામાં આવ્યું કે સરકાર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે આર્થિક રીતે નબળાં વર્ગના વિદ્યાર્થીઓને ભણવા માટે અનેક રીતે મદદ કરી રહી છે. જેમાં ફીમાં ઘટાડો કરવો, વધુ સંસ્થાઓની સ્થાપના કરવી, શિષ્યવૃત્ત વગેરે સામેલ છે.


સરકારે એ પણ કહ્યું કે, દલિત, આદિવાસી વિદ્યાર્થીઓના કલ્યાણ માટે આઈઆઈટીમાં ટ્યુશન ફીમાં છુટ, કેન્દ્રીય સેક્ટર સ્કીમ હેઠળ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિનું ફંડ, સંસ્થાઓમાં શિષ્યવૃતિ જેવી યોજનાઓ પણ છે.


મંત્રીએ વધુમાં કહ્યું કે, દલિત, આદિવાસી વિદ્યાર્થીઓને કોઈપણ સમસ્યાની સુનાવણી માટે સંસ્થાઓમાં એસસી-એસટી સેલ, સમાન તક સેલ, વિદ્યાર્થી ફરિયાદ સેલ, વિદ્યાર્થી ફરિયાદ સમિતિ, વિદ્યાર્થી સામાજિક ક્લબ, સંપર્ક અધિકારી, સંપર્ક સમિતિ જેવું માળખું ઉભું કરવામાં આવ્યું છે. આ સિવાય UGC એ સમયાંતરે વિદ્યાર્થીઓ વચ્ચે સમાનતા, ભાઈચારોને પ્રોત્સાહન આપવા માટે નિર્દેશો આપેલા છે.

આગળ વાંચોઃ IIT Campus Placement માં ભેદભાવનો ભય, કંપનીઓ માંગી રહી છે SC/ST/OBC વિદ્યાર્થીઓની જાતિની માહિતી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.