ભાજપની આતંકવાદીઓ સાથે સરખામણી કરીને મેં કશું ખોટું નથી કહ્યું...
આકાશ આનંદ પહેલીવાર લોકસભા ચૂંટણીમાં પક્ષની કમાન સંભાળી રહ્યાં છે અને તેમના પર આ પહેલી ફરિયાદ નોંધાઈ છે.

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાયા બાદ તેમની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ઉત્તરપ્રદેશના સીતાપુરમાં તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે ભાજપના કાર્યકરો જો મત માંગવા માટે આવો તો તેમને જૂતા અને ચપ્પલથી ફટકારવાની વાત કરી હતી. આ મામલે તેમના સહિત 35 લોકો સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. આકાશ આનંદ પહેલીવાર લોકસભા ચૂંટણીમાં પક્ષની કમાન સંભાળી રહ્યાં છે અને તેમના પર આ ફરિયાદ નોંધાઈ છે.
આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે ભાજપ સરકાર બુલડોઝરની સરકાર નથી પરંતુ આતંકવાદીઓની સરકાર છે. આ સરકારે દેશની જનતાને ગુલામ બનાવી છે. હવે સમય આવી ગયો છે કે આ સરકારને હટાવીને માયાવતીને વડાપ્રધાન બનાવવા માટે વોટ કરો. આ નિવેદન આપતાં તેમણે વધુમાં કહ્યું હતું કે, "જો ચૂંટણી પંચને લાગે છે કે આ સરકારની આતંકવાદીઓ સાથે સરખામણી કરીને મેં ખોટું કહ્યું છે, તો તેણે જમીન પર ઉતરીને જોવું જોઈએ. ગામેગામ જઈને તપાસ કરવી જોઈએ કે અમારી બહેન, દીકરીઓ, યુવાનો અને લોકો કેવી રીતે જીવી રહ્યાં છે. તે જાતે જ સમજી જશે કે મેં જે કહ્યું છે તેમાં કશું ખોટું નથી પરંતુ એકદમ સાચું છે.
બીજેપી સરકારને આતંકવાદી ગણાવવા બદલ સીતાપુરમાં આકાશ આનંદ વિરુદ્ધ બીજેપીએ FIR નોંધાવી છે. આકાશ આનંદ વિરુદ્ધ હિંસા ભડકાવવા અને ભાષણમાં ભડકાઉ ભાષાનો ઉપયોગ કરવા બદલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આકાશ આનંદને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, જેને ડર લાગી રહ્યો છે તે એફઆઈઆર કરી રહ્યાં છે.
સીતાપુરના પોલીસ અધિક્ષક ચક્રેશ મિશ્રાએ જણાવ્યું કે કોતવાલી નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની ચૂંટણી રેલીમાં આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ આકાશ આનંદ સહિત BSPના પાંચ નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આઈપીસીની કલમ 171સી, 153બી, 188, 502(2) અને આરપી એક્ટની કલમ 125 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આકાશ આનંદ સામે નોંધાયેલો આ પહેલો ગુનાહિત કેસ છે.
આ પણ વાંચો:દાદરા નગર હવેલીમાં BSP ના ઉમેદવાર સાથે પક્ષના જ લોકો ખેલ કરી ગયા