અમિત શાહના એડિટેડ વીડિયો મામલે મેવાણીના PA સહિત 2 ની ધરપકડ

એસસી, એસટી, ઓબીસીની અનામતના મુદ્દે અમિત શાહના એડિટેડ વાયરલ વીડિયો મામલે જિગ્નેશ મેવાણીના પીએ સહિત બેની ધરપકડ કરાઈ છે. શું છે આખો મામલો વાંચો અહીં.

અમિત શાહના એડિટેડ વીડિયો મામલે મેવાણીના PA સહિત 2 ની ધરપકડ
image credit - Google images

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અનામત પરના એક વીડિયોને એડિટ કરીને તેને વાયરલ કરવાના મામલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પીએ સહિત બે લોકોની ધરપકડ કરી છે. બીજો વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે અમિત શાહની બે અલગ અલગ સભાના વીડિયો કાપીને આ વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. વીડિયો એવી રીતે એડિટ કરાયો હતો જેમાં અમિત શાહ દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની અનામત ખતમ કરી દેવાની વાત કરતા હોય. આ કેસમાં આજે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓના નામ સતીષ વણસોલા અને આર.બી.બારિયા છે. સતીશ વણસોલા કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું પ્રાદેશિક કાર્યાલય સંભાળે છે જ્યારે આર.બી. બારિયા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ છે. બંનેએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ

આ મામલે હવે દિલ્હી પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઘણાં રાજ્યોમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાનુસાર પોલીસ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં ફેલાયો છે અને વીડિયોની તપાસ માટે દિલ્હી પોલીસની અલગ-અલગ ટીમોને ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં મોકલવામાં આવી છે. પોલીસે નકલી વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ સમન્સ પાઠવ્યું છે. નકલી વીડિયો શેર કરવાના સંબંધમાં યુપીમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભા ઉમેદવારને નોટિસ આપવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ઝારખંડમાં કોંગ્રેસના એક નેતાને પણ નોટિસ મળી હતી. પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ નાગાલેન્ડના કોંગ્રેસ નેતાને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ તમામ નેતાઓને પોતાના મોબાઈલ તપાસ દરમિયાન સાથે લાવવા માટે કહેવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ તેલંગાણાના સીએમ રેડ્ડી સહિત છ લોકોને દિલ્હી પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. 

અમિત શાહના એડિટ કરાયેલા વીડિયોમાં શું હતું

અમિત શાહનો નકલી વીડિયો જે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો હતો તે અનામત સાથે સંબંધિત હતો. એડિટ કરવામાં આવેલા આ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એમ કહેતા બતાવવામાં આવ્યા છે કે, જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો આ ગેરબંધારણીય એસસી, એસટી અને ઓબીસીની અનામત સમાપ્ત કરી દઈશું. આ વીડિયો આસામના ગુવાહાટીની સભાનો હતો, જેને એડિટ કરીને સોશિયલ મીડિયામાં ફરતો કરી દેવાયો હતો.

અમિત શાહે શું કહ્યું

આ મામલે અમિત શાહે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણાં ફેલાવીને જનતાને ભ્રમિત કરવા માંગે છે. ભાજપ SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા ભૂમિકા ભજવશે. નરેન્દ્ર મોદીએ પણ આ વાત ઘણી વખત કહી છે. એસસી, એસટી અને ઓબીસીની અનામતમાં જો કોઈ પાર્ટીએ લૂંટ ચલાવી હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે.

આ પણ વાંચો:મરાઠાને OBC અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં છગન ભુજબળે શિંદે સરકારમાંથી રાજીનામું આપ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.