SSDએ શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવા મુદ્દે 33 જિલ્લાઓમાં વિરોધ કર્યો

ગુજરાત સરકારે ધો. 6-7-8 ના પાઠ્યપુસ્તકમાં ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે. જેની સામે સ્વયં સૈનિક દળે રાજ્યના તમામ 33 જિલ્લામાં વિરોધ નોંધાવ્યો છે.

SSDએ શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવા મુદ્દે 33 જિલ્લાઓમાં વિરોધ કર્યો
image credit - khabarantar.com

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા હાલમાં જ ધોરણ 6-7 અને 8 ના પાઠ્યપુસ્તકમાં ભગવદ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં અમદાવાદની 600 જેટલી શાળાઓમાં સવારે ભગવદ ગીતાના શ્લોકનું પ્રાર્થનામાં પઠન કરાવાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે સ્વયં સૈનિક દળ ગુજરાત દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ માટે સ્વયં સૈનિક દળના વિવિધ જિલ્લાના સૈનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રાજ્ય સરકારની કોઈ એક ધર્મને પ્રાધાન્ય આપવાની બાબતનો આકરો વિરોધ નોંધાવ્યો છે.

હાલમાં જ સ્વયં સૈનિક દળ દ્વારા આ મામલે ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં સૈનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમાં દરેક ધર્મના સિદ્ધાંતોને સામેલ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ મામલે વિરોધ દર્શાવવા મુસ્લિમ સમાજ પણ આગળ આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટ કસ્ટોડિયલ ડેથ મામલે SSD દરેક જિલ્લામાં આવેદનપત્ર અપાશે

પાલનપુર સ્વયં સૈનિક દળના સૈનિક કિશન પ્રિયદર્શી આ મામલે ખબરઅંતર.કોમ સાથે વાતચીત કરતા જણાવે છે કે, "ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા હાલમાં જ ધોરણ 6-7-8ના પાઠ્યપુસ્તકમાં હિંદુ ધર્મની ભગવદ ગીતાને પ્રાધાન્ય આપવાનું નક્કી થયું છે તે યોગ્ય નથી. ભારત ધર્મનિરપેક્ષ દેશ છે માટે સરકાર કોઈ એક ધર્મને પ્રાધાન્ય ન આપી શકે, તેણે અન્ય ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતોને પણ પુસ્તકોમાં સામેલ કરીને વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ. આર્ટિકલ 25માં ધર્મ સ્વાતંત્ર્યનો ઉલ્લેખ છે. જેમાં અંતઃકરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા, પાલન અને પ્રચારની સ્વતંત્રતા છે. આર્ટિકલ 28માં સ્પષ્ટ જોગવાઈ છે કે, રાજ્યના નાણાંના સંપૂર્ણ ખર્ચે ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. આર્ટિકલ 29 અને 30માં પણ કંઈક અંશે આ સંદર્ભની જ વાત કરવામાં આવી છે. ત્યારે ધોરણ 6-7-8ના પાઠ્યપુસ્તકોમા ભગવદ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો છે, તો અન્ય ધર્મના લોકોને પણ યોગ્ય ન્યાય મળે તે જરૂરી છે. તેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યોની પણ ઉમેરણી થવી જોઈએ. સરકારે બૌદ્ધ ધર્મ અંગે પુસ્તકોમાં અનેક ખોટી માહિતી રજૂ કરીને તેને ખરાબ ચીતરવાની જે કુચેષ્ટા કરી છે તેને પણ અમે વખોડીએ છીએ. માત્ર ભગવદ ગીતાનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવાથી સમાજમાં વૈમનસ્ય વધશે અને ધર્મઝનૂની કટ્ટરપંથીઓમાં વધારો થશે અને તેઓ અન્ય ધર્મના લોકો પર દમન ગુજારશે. આવું ન થાય તે માટે શાળાઓના પાઠ્યપુસ્તકોમાં માત્ર ભગવદ ગીતા નહીં પણ અન્ય તમામ ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતોનો પણ સમાવેશ કરવો રહ્યો."

આ પણ વાંચોઃ સ્વયં સૈનિક દળ દ્વારા ગુજરાતમાં 14મી એપ્રિલની તૈયારીઓ કેવી છે?

ઉલ્લેખનીય છે કે, સ્વયં સૈનિક દળ બહુજન સમાજનું ગુજરાતનું સૌથી મોટું સંગઠન ગણાય છે. ગુજરાતના સાવ છેવાડાના ગામડાઓમાં પણ તેના સ્વયં સૈનિકો કાર્યરત છે. 14મી એપ્રિલના રોજ સંગઠન દ્વારા મોટી ઉજવણી કરવામાં આવે છે. જે એક રીતે તેમના સંગઠનના શક્તિપ્રદર્શનનો અવસર બની રહે છે. સ્વયં સૈનિક દળના કાર્યકરો સંગઠનના નામ પ્રમાણે જ કામ કરે છે. કાર્યકરો સ્વ ખર્ચે સમાજ માટે કામ કરવા જાય છે. સમાજને ઉપયોગી કાર્ય માટે તેઓ ગાંઠના રૂપિયા ખર્ચે છે. અહીં કોઈ અધ્યક્ષ કે પ્રમુખ નથી. સ્ટેજ જેવું કશું બનાવવામાં આવતું નથી. જેના કારણે સૌ સમાન છે નો સંદેશો જાય છે. સંગઠનની આ તાકાતને કારણે જ રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં આ મામલે આવેદનપત્ર આપી શકાયું છે.

આ પણ વાંચોઃ 'પંચાયત' વેબ સિરીઝના મોટાભાગના પાત્રો બ્રાહ્મણ જ કેમ છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Bagda chndkantbhai
    Bagda chndkantbhai
    Jai bhim
    5 months ago
  • Chauhan.kana.bhai.j
    Chauhan.kana.bhai.j
    Jay.bhim
    5 months ago
  • PARMAR RAMESHBHAI
    PARMAR RAMESHBHAI
    જીવ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભણાવો.. ધર્મ સૌ સૌ ના ઘરે ભણી લેશે...
    5 months ago