શંભુ કુમાર સિંહની નેશનલ દસ્તક યુટ્યૂબ ચેનલને બંધ કરવાની નોટિસ મળી
બહુજન સમાજની સૌથી મોટી યુટ્યૂબ ચેનલો પૈકીની એક એવી નેશનલ દસ્તકને બંધ કરવાની નોટિસ મળી છે. શું છે તેની પાછળનું કારણ, વાંચો આ રિપોર્ટમાં.

ડિજિટલ મીડિયા જગતમાં બહુજન સમાજની સૌથી મોટી યુટ્યૂબ ચેનલો પૈકીની એક એવી નેશનલ દસ્તકને બંધ કરવાની નોટિસ મળી છે. નોટિસમાં કેન્દ્ર સરકારનો હુકમ હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે, આઈટીના નિયમો અંતર્ગત તમારી ચેનલને બંધ કરવી પડશે. જો કે તેની પાછળ શું કારણ છે તે નોટિસમાં સ્પષ્ટ રીતે કહેવામાં નથી આવ્યું. નોટિસમાં આગળ લખવામાં આવ્યું છે કે આ સૂચના ગુપ્ત છે અને તેના માટે ચેનલે સરકારનો સંપર્ક કરવાનો રહેશે. નેશનલ દસ્તકનો ચહેરો રહેલા તેના સિનિયર એડિટર શંભુ કુમાર સિંહ સહિતના લોકોએ નોટિસને સરકાર દ્વારા ચૂંટણીમાં સ્વતંત્ર અવાજને દબાવવાનો આરોપ લગાવ્યો છે.
નેશનલ દસ્તકની માલિકી અને સંચાલન પત્રકાર શંભુ કુમાર સિંહ પાસે છે. ઓબીસી સમાજમાંથી આવતા શંભુ કુમારે વર્ષ 2014માં અશોક દાસ સાથે મળીને આ યુટ્યૂબ ચેનલ શરૂ કરી હતી. એ પછી તે જોતજોતામાં જ ભારતમાં બહુજન સમાજનું સૌથી મોટું યુટ્યૂબ પ્લેટફોર્મ બની ગયું હતું. આજે તેના લાખો ફોલોઅર્સ છે અને દેશના અંતરિયાળ ગામડાઓ સુધી ગરીબ, આદિવાસી, દલિત, ઓબીસી સમાજના લોકો તેના વ્યૂઅર્સ છે. શંભુ કુમાર સિંહ હવે લોકસભા ચૂંટણીમાં બિહારની વૈશાલી લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે.
નોટિસ વિશે જાણકારી આપતા નેશનલ દસ્તકે તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “સરકાર નેશનલ દસ્તકને બંધ કરાવવા માંગે છે. 3 એપ્રિલે યુટ્યૂબે નોટિસ મોકલી હતી. આર્ટિકલ 19ને પણ નોટિસ મળી છે. આચારસંહિતામાં આ બધું થઈ રહ્યું છે. લાખો સમાચારપત્રો, ટીવી ન્યૂઝ ચેનલો ચાલી રહી છે. બહુજનોની નેશનલ દસ્તકથી આટલો બધો ડર?”
https://twitter.com/NationalDastak/status/1777359817356796309
ઉલ્લેખનીય છે કે નેશનલ દસ્તક એક ઓનલાઈન મીડિયા અને દલિત, આદિવાસી, ઓબીસી, મહિલાઓ, ખેડૂતો, લઘુમતીઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો મજબૂત અવાજ ગણાય છે. તેનું એક્સ એકાઉન્ટ શંભુ કુમાર સિંહને ટેકો કરવા અને તેમના રાજકીય અભિયાનમાં આર્થિક મદદ કરવા માટે અપીલ કરે છે.
શંભુ કુમાર સિંહે એક ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “મને આ કાર્યવાહીને લઈને કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. જો મને જણાવવામાં આવ્યું હોત કે આવી કાર્યવાહી શા માટે કરવામાં આવી રહી છે તો કદાચ હું એમાં સુધારો પણ કરી દેત. આ એ પત્રકારોનો અવાજ દબાવવાનો પ્રયાસ છે જે સરકારને સવાલ કરે છે અને તેની જવાબદેહી સુનિશ્ચિત કરે છે. ખાસ કરીને નેશનલ દસ્તક જેવા સમાચાર પોર્ટલ, જે સાવ હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો અવાજ છે. આ એ લોકોનો અવાજ છે જેમને મુખ્યધારાના મીડિયામાં જગ્યા નથી મળતી.”
નેશનલ દસ્તકને યુટ્યૂબ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ચેનલને બંધ કરી દેવાનો આદેશ નવા આઈટી નિયમ 2021ના નિયમ 15(2) અને આઈટી અધિનિયમ 2000ની કલમ 69 એ અંતર્ગત સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા મોકલવામાં આવી છે.
અગાઉ ‘બોલતા હિંદુસ્તાન’ને પણ નોટિસ મળી હતી
એપ્રિલની શરૂઆતમાં દેશમાં વૈકલ્પિક મીડિયા જૂથોની યુટ્યુબ ચેનલો બ્લોક કરી દેવામાં આવી હતી. આ તમામ એવી ચેનલો છે જેના વીડિયો અથવા સ્ટોરી દલિતો, પછાતો, આદિવાસીઓ અને વંચિત સમુદાયો દ્વારા સૌથી વધુ જોવામાં અને સાંભળવામાં આવી રહી હતી. આ ચેનલોને મળેલી નોટિસની કાર્યવાહી હેઠળ એક યુટ્યુબ ચેનલ પણ બંધ કરી દેવામાં આવી છે, જ્યારે બીજી ચેનલ ગમે ત્યારે બંધ કરી શકાશે.
3 અને 4 એપ્રિલની રાત્રે "બોલતા હિન્દુસ્તાન" યુટ્યુબ ચેનલના ઇમેઇલ પર મળેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલય (એમઆઇબી) ની માર્ગદર્શિકા અનુસાર તમારી ચેનલને દૂર કરવામાં આવી છે. બોલતા હિન્દુસ્તાનની યુટ્યુબ ચેનલ પર 2,97,891 સબ્સક્રાઈબર હતા.
બોલતા હિંદુસ્તાન તેના બેબાક પત્રકારત્વ માટે જાણીતું છે જે સતત સરકાર પર જનહિતના મુદ્દે સવાલ ઉઠાવી રહ્યું છે. તેના તંત્રી સમર રાજે એક મીડિયા પ્લેટફોર્મને જણાવ્યું હતું કે, "જો અમારી પાસે કોઈ ટેકનિકલ ખામી હોત, અથવા અમે યુટ્યુબની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હોત, તો અમે યુટ્યુબ સાથે વાત કરી હોત. પરંતુ અહીં સરકારના નિર્દેશનો મુખ્ય ધ્યેય ચેનલને ડિલીટ કરવાનો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ત્રણ મોટા ચુકાદા આપ્યા છે. તેમણે તે ચેનલોના નામ લીધા છે અને કહ્યું છે કે તેમની ડિબેટ નફરત ફેલાવે છે અને દેશમાં રમખાણોનું વાતાવરણ ઉભું કરી રહી છે, તેને તાત્કાલિક બંધ કરવામાં આવે. તેમ છતાં આવી કોઈ પણ ચેનલ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જ્યારે બોલતા હિન્દુસ્તાન વિરુદ્ધ એફઆઈઆર પણ થઈ નથી અને તેમ છતાં તેના પર કાર્યવાહી કરવામાં આવી છે."
દલિતો, પછાતો અને હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે અવાજ ઉઠાવતી યુટ્યુબ ચેનલોના રસ્તામાં અડચણો પેદા કરવાના કિસ્સાઓ વચ્ચે ઓનલાઇન મીડિયા જૂથ "આર્ટિકલ 19 ઇન્ડિયા" ની યુટ્યુબ ચેનલ, જે લોકશાહી મૂલ્યો, ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા માટે સમર્પિત પ્લેટફોર્મ હોવાનો દાવો કરે છે, તેને પણ નોટિસ મળી હોવાના અહેવાલ છે. તેની યૂટ્યૂબ ચેનલ પર 2.8M સબસ્ક્રાઇબર્સ છે.
આ પણ વાંચોઃ ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી પ્રાઈમ મિનિસ્ટર નહીં હો સકતા હૈ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Jignesh solankiBjp hatao desh bachao
-
નટુભાઈ પરમારNDTV પર ૯ એપ્રિલ ૨૦૨૪ એ BBCનું પણ છેલ્લું બુલેટિન હતું.
-
Karsan RThis is not good