OBCની 6 જ્ઞાતિઓ માટે વપરાતા અપમાનજનક શબ્દ પર પ્રતિબંધ મૂકાયો

ગુજરાતમાં ઓબીસી સમાજની 6 જેટલી જ્ઞાતિઓ માટે વપરાતા એક અપમાનજનક શબ્દ પર ગુજરાત સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. વાંચો શું છે આખો મામલો.

OBCની 6 જ્ઞાતિઓ માટે વપરાતા અપમાનજનક શબ્દ પર પ્રતિબંધ મૂકાયો
image credit - Google images

ગુજરાત સરકારે ઓબીસી વર્ગમાં સમાવિષ્ટ ઠાકોર સમાજ માટે વપરાતા અપમાનજનક અને તિરસ્કારની લાગણી પેદા કરતા 'ઠાકરડા' શબ્દ પર પ્રતિબંધ મૂક્યો છે. એ રીત 'ઠાકરડા' શબ્દ ગુજરાતમાં પ્રતિબંધિત બની ગયો છે  

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આ શબ્દ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેના શબ્દપ્રયોગથી રાજ્યની ૬ જ્ઞાતિઓ પર સીધી અસર પડતી હતી. તેથી મહેસુલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાંથી આ શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના અપાઈ છે. 

રાજ્ય સરકારે પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના તા.૦૧/૦૪/૧૯૭૮ના ઠરાવ ક્રમાંક: બીસીઆર-૧૦૭૮/૧૩૭૩૪/હ તથા ત્યારબાદ સરકારના વખતોવખતના ઠરાવોથી કુલ-૧૪૬ જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરેલો છે. આ યાદીમાં ક્રમાંક: ૭૨ પર "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" જાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમાજના લોકો "ઠાકરડા" શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારશ્રીને મળેલ છે. આથી, આ સમાજના લોકોનું માન જળવાય તે માટે "ઠાકરડા” શબ્દ પર પ્રતિબંધ મૂકી, તેને સ્થાને “ઠાકોર” શબ્દ પ્રયોજવામાં આવે તે અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

આ પણ વાંચો: OBC Politics: પછાત ક્વોટા માટેની લડાઈ હવે ચૂંટણીનો મુદ્દો

આમુખમાં નિર્દિષ્ટ પૂર્વભૂમિકા અન્વયે સક્ષમ કક્ષાએ થયેલ પુખ્ત વિચારણાના અંતે, ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક: ૭૨ પર સમાવિષ્ટ "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" પૈકી "ઠાકરડા" શબ્દનો પ્રયોગ બંધ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. હવે, જ્યાં જાતિ તરીકે "ઠાકરડા" શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે જ "ઠાકોર” સમજવું તેવી સ્પષ્ટતા આથી કરવામાં આવે છે. આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે "ઠાકરડા" લખાવ્યું હોય ત્યાં તથા મહેસૂલી રેકર્ડમાં પણ જ્યાં "ઠાકરડા" તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને "ઠાકોર" સમજવાનું રહેશે. અર્થાત "ઠાકરડા" જાતિના નાગરિકોના શાળા છોડ્યાના પ્રમાણપત્ર (School Leaving Certificate)માં અથવા મહેસૂલી રેકર્ડમાં, પંચાયતી રેકર્ડમાં તથા અન્ય સરકારી રેકર્ડમાં ઠાકરડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પણ સંબંધિત ઈસમોને "ઠાકરડા" ના સ્થાને “ઠાકોર” તરીકેનું સંબોધન કરવા તથા આ સમુદાયના લોકોને મળવાપાત્ર જાતિના પ્રમાણપત્રમાં “ઠાકોર” શબ્દનો ઉલ્લેખ કરવાનું આથી ઠરાવવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.