ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!

ગુજરાતમાં OBC કમિશનની કામગીરી પર ગુજરાત હાઈકોર્ટે અનેક સવાલો ઉઠાવ્યા છે. વાંચો કોર્ટે ઓબીસી કમિશનને લઈને શું નિર્દેશો આપ્યા.

ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!
Photo By Google Images

ઓબીસી સમાજના મતો દરેક રાજકીય પક્ષોને જોઈ છે પણ વાત જ્યારે તેમને હક આપવાની આવે ત્યારે સત્તાધારીઓનું અસલ સ્વરૂપ જોવા મળતું હોય છે. આવું જ કંઈક ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં કાયમી ઓબીસી કમિશન જ નથી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ મામલે ખુલાસો માંગ્યો હતો. હાઈકોર્ટે ફક્ત 1 સભ્ય પર ચાલતા કમિશન પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકાર કમિશન પાછળ કેટલો ખર્ચ કરે છે તે મહત્વનું નથી, પણ તે કઈ રીતે કામ કરે છે તે મહત્વનું છે. ઓબીસી કમિશન માત્ર ફરિયાદો સ્વીકારવા નથી બન્યું. હાલ તો લાગી રહ્યું છે કે સરકારી વ્યવસ્થામાં તે શોભાના ગાંઠીયા જેવું બની ગયું છે.


કોર્ટે આર્થિક પછાત વર્ગો બાબતની ચકાસણી, સમાવેશ કે દૂર કરવા અંગેની કામગીરી નહીં થઈ રહી હોવાનું પ્રાથમિક અવલોકન કર્યું છે. સાથે જ કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા નિર્દેશ આપ્યા છે. ઓબીસી જ્ઞાતિઓનો સમયાંતરે સર્વે નહીં થયો હોવાની બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે અને રાજ્ય સરકારે રજૂ કરેલું સોગંદનામું ઘણી બધી બાબતોની સ્પષ્ટતા નહીં કરતું હોવાનું પણ નોંધ્યું હતું.


હાઈકોર્ટે NCBC કમિશનમાં 5 સભ્યો હોય છે, જ્યારે ગુજરાતમાં માત્ર 1 સભ્યની રચના મામલે પણ ખુલાસો માંગ્યો છે. સાથે જ બંધારણીય જોગવાઈઓ અને નેશનલ કમિશનની કાર્ય વ્યવસ્થા તેમજ રાજ્યમાં હાલ ચાલતા કમિશનના મુદ્દે અરજદારને પણ સંવિધાનિક જોગવાઈઓ તેમજ હાલની પરિસ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ મામલે હવે વધુ સુનાવણી 20મી ડિસેમ્બર 2023ના રોજ યોજાશે.


ઉલ્લેખનીય છે કે, એકબાજુ દેશભરમાં ઓબીસી વોટબેંકનું રાજકારણ જોર પકડી રહ્યું છે, બિહારની નીતિશકુમાર સરકારે કરાવેલી જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ મોટાભાગના રાજકીય પક્ષો ઓબીસી સમાજને પોતાની તરફ ખેંચવા જાતિ આધારિત વસ્તી ગણતરી સહિતના વાયદાઓ કરી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં ઓબીસી કમિશન જેવી મહત્વની સંસ્થા ફક્ત 1 સભ્ય પર ચાલી રહી છે. જેને લઈને હાઈકોર્ટની સાથે ઓબીસી સમાજના પ્રબુદ્ધ વર્ગમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.

આગળ વાંચોઃ OBC Politics: પછાત ક્વોટા માટેની લડાઈ હવે ચૂંટણીનો મુદ્દો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.