કથિત રાણીબાની દાદાગીરી નીકળી ગઈ! મોરબી કોર્ટે જામીન ફગાવ્યા, તમામ આરોપીઓ જેલમાં

મોરબીમાં દલિત યુવક પર અત્યાચાર કરનાર કહેવાતી લેડી ડોન વિભૂતિ પટેલની દાદાગીરી નીકળી ગઈ છે. મોરબી કોર્ટે જામીન ફગાવી તમામ આરોપીઓને જેલમાં ધકેલી દીધાં છે.

કથિત રાણીબાની દાદાગીરી નીકળી ગઈ! મોરબી કોર્ટે જામીન ફગાવ્યા, તમામ આરોપીઓ જેલમાં
File photos

મોરબીની કહેવાતી લેડી ડોન રાણીબાની બધી દાદાગીરી નીકળી ગઈ છે. મોરબી કોર્ટે દલિત યુવાનને માર મારવા, જૂતું મોમાં રખાવવા જેવા ગંભીર ગુનામાં આરોપી વિભૂતિ પટેલ અને તેના સાગરિતોના જામીન ફગાવીને જેલમાં ધકેલી દીધાં છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં વૈભવી લાઈફસ્ટાઈલનું પ્રદર્શન કરી રોફ જમાવવા પ્રયત્ન કરતી કથિત લેડી ડોન રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલની તમામ દાદાગીરી નીકળી ગઈ છે. 


અગાઉ મુખ્ય આરોપી વિભૂતિ પટેલની સાથે તેના ભાઈ સહિતના પાંચ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જો કો મોરબી કોર્ટે ગુનાની ગંભીરતા જોતા તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને તમામ આરોપીઓને જેલમાં મોકલી દીધા હતા. કોર્ટે તમામ 6 આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા તેમને ફરી વાર જેલમાં જવાનો વારો આવ્યો છે. ગુનાની ગંભીરતા જોતા કોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 27 નવેમ્બરે વિભૂતિ પટેલે તેના ભાઈ ઓમ પટેલ સાથે અન્ય એક સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ કેસમાં પોલીસે એક દિવસ પહેલા જ અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી. સ્પેશિયલ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતાં વિભૂતિ પટેલની મુશ્કેલીઓ વધી ગઈ હતી.

કોણ છે વિભૂતિ પટેલ?
પોતાને રાણીબા તરીકે ઓળખાવતી અને મોરબીમાં રાણીબા ઈન્ડસ્ટ્રીના નામે ટાઈલ્સનો બિઝનેસ કરતી વિભૂતિ પટેલ પર 22મી નવેમ્બરે તેની ઓફિસમાં કામ કરતા એક દલિત યુવકને માર મારવાનો આરોપ છે. વિભૂતિએ બાકી પગારની માગણી કરતા દલિત યુવકને બેલ્ટથી માર્યો હતો અને તેને જૂતાં મોમાં રાખી માફી માગવા દબાણ કર્યું હતું. વિભૂતિ પોતાને મોરબીની ટાઈલ્સ ઈન્ડસ્ટ્રીમાં એકમાત્ર મહિલા આંત્રપ્રિન્યોર તરીકે ઓળખાવી રહી છે. ભવિષ્યમાં રાજકીય ક્ષેત્રે પ્રવેશ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે તૈયારીના ભાગરૂપે સત્તાપક્ષના વખાણ કરતી પ્રવૃત્તિ કરે છે અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. તે પોતાને મોરબીની લેડી ડોન તરીકે રજૂ કરી રહી છે. અગાઉ જન્મદિવસ વખતે તે તલવારથી એકસાથે અનેક કેક કાપતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.


તેની ઓફિસમાં કામ કરતા યુવકને માર મારવાના કેસમાં મોરબી શહેર પોલીસે SC/ST એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ફરિયાદી પીડિત યુવક નિલેશ દલસાણિયાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી વિભૂતિ પટેલ અને તેના સાગરિતો ફરાર થઈ ગયા હતા, પરંતુ કોર્ટમાંથી રાહત ન મળતાં તેમણે સરેન્ડર કરવું પડ્યું હતું. હવે કોર્ટે તેમના જામીન પણ ફગાવી દેતા કથિત લેડી ડોનની બધી દાદાગીરીની હવા નીકળી ગઈ છે.

આગળ વાંચોઃ “તમારા જેવા લોકોને કામે કોણ રાખે?” મોરબીમાં જાતિવાદીઓએ દલિત યુવકને ઢોર માર મારી પગરખું મોઢામાં લેવડાવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Gautam meriya
    Gautam meriya
    Very good work is saulte continue this type work in future.. our community ????
    7 months ago