11 લાખ ખર્ચીને દલિતોએ બૌદ્ધ વિહાર બનાવ્યું, જાતિવાદીઓએ તોડી પાડ્યું
ગાંધીનગરના નાંદોલમાં દલિતોએ રૂ. 11 લાખના ખર્ચે બનેલું બૌદ્ધ વિહાર ગ્રામ પંચાયતના જાતિવાદી હોદ્દેદારોએ મળીને એક જ મહિનામાં તોડી પાડ્યું છે.
"સાહેબ, મારું કાળજું કપાઈ રહ્યું છે. આ બૌદ્ધ વિહાર તૈયાર કરવામાં અમે લોહી-પાણી એક કરી નાખ્યા છે. મહિનાઓથી અમે મહેનત કરતા હતા. ઢોર ચીરવાની પડતર જમીન સમતળ કરાવી, લાખ રૂપિયા એમાં ખર્ચ કર્યો. પંચાયતે પહેલા કહ્યું હતું કે, ધાર્મિક કામમાં અમે કોઈ વાંધો નથી લેતા, તમે બૌદ્ધ વિહાર બનાવો. પણ જેવું અમારું બૌદ્ધ વિહાર બનીને તૈયાર થઈ ગયું, કે તરત ગામના જાતિવાદી સરપંચે દબાણના નામે તેને તોડી પાડ્યું. તમે જ કહો, આવું કેવી રીતે સહન થાય? અમારા ગામમાં ગૌચરથી લઈને અનેક ઠેકાણે ગેરકાયદે બાંધકામો ઉભા છે, પંચાયતની જમીનો ખુદ પંચાયતના જ માથાભારે લોકો દબાણ કરીને ગપચાવી ગયા છે. તેના માટે અમે લેખિતમાં અરજીઓ આપી છે, પણ સરપંચ તેને ધ્યાનમાં લેતા નથી અને જેવું દલિતોનું બૌદ્ધ વિહાર બનીને તૈયાર થયું કે તરત ત્રણ-ચાર જેસીબી લઈને તોડી પાડ્યું. મારું હૈયું વલોવાઈ રહ્યું છે. રડી રડીને મારી આંખો સોજાઈ ગઈ છે, આ દુઃખ કોને કહું? ગુસ્સો પણ આવે છે કે, આટલી બધી બૌદ્ધ સંસ્થાઓ છે, બુદ્ધના અનુયાયીઓ છે, પણ કોઈ આવીને અમારી પડખે ઉભું ન રહ્યું, જાતિવાદીઓની જીત થઈ અને અમારું વર્ષો જૂનું સપનું આ બૌદ્ધ વિહાર તૂટતા જ તૂટી ગયું છે...."
પીડાદાયક આ શબ્દો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ ગામના બુદ્ધિષ્ટ રમણભાઈ સોનારાના છે. રમણભાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી પોતાના ગામમાં બૌદ્ધ વિહાર બનાવવાનું સપનું સેવતા હતા. તેને પુરું કરવા માટે તેમણે લોહી પાણી એક કરી નાખ્યા હતા. તેમની મહેનત રંગ લાવતી દેખાતી હતી. ગામમાં ઢોર ફાડવાની પડતર જમીન પર બૌદ્ધ વિહાર આકાર લઈ રહ્યું હતું. તેની પાછળ તેમણે રૂ. 11 લાખ જેવી માતબર રકમ ખર્ચી હતી. પણ જેવું બૌદ્ધ વિહાર બનીને તૈયાર થયું કે તરત ગ્રામ પંચાયતના જાતિવાદી અને દલિતો-બૌદ્ધધર્મીઓને નફરત કરતા સરપંચે બે દિવસની નોટિસ આપીને ત્રીજા જ દિવસે જેસીબીથી બૌદ્ધવિહાર તોડી પાડ્યું હતું.
પીએમ મોદી દુનિયાના કોઈપણ દેશમાં જાય ત્યારે "મેં બુદ્ધ કી ધરતી સે આયા હું.."કહે છે, પણ તેમના જ ગૃહ રાજ્યમાં પાટનગરથી સાવ નજીકના ગામમાં બૌદ્ધ વિહાર તોડી પડાયું અને કોઈએ નોંધ સુદ્ધાં લીધી નથી.
આ પણ વાંચો: પરિવર્તનની શરૂઆતઃ મૂળીના શેખપર ગામે પહેલીવાર બૌદ્ધવિધિથી મૃતકની પુણ્યતિથિ ઉજવાઈ
બુદ્ધ વિહાર તોડી પાડવા પોલીસ સહિતનો કાફલો પહોંચ્યો ત્યારે સુશીલાબેન સોનારાએ આ રીતે રસ્તો રોક્યો હતો.
એ સાથે જ રમણભાઈ સહિત સમગ્ર નાંદોલના બૌદ્ધધર્મી દલિતોનું વર્ષો જૂનું સપનું પણ ભાંગીને ભૂક્કો થઈ ગયું હતું. આજે રમણભાઈ દરરોજ આ તૂટેલા બૌદ્ધ વિહારની જગ્યાએ જઈને કોઈ સ્વજનનું અકાળે મોત થયા પર તેનો પરિવાર રડે તેમ હૈયાફાટ રૂદન કરે છે. પણ કોઈ માઈનો લાલ બુદ્ધિષ્ટ એમને આશ્વાસન આપવા માટે નથી આવ્યો. આ ઘટના પરથી રમણભાઈ અને નાંદોલ સહિત સમગ્ર દલિત-બહુજન સમાજને ફરીથી એ સંદેશો મળ્યો છે કે, જ્યાં સુધી તમે પોતે સત્તામાં નહીં હોય, સત્તામાં તમારો પોતાનો પક્ષ નહીં હોય, ત્યાં સુધી તમારા બૌદ્ધ વિહારો, તમારી આશા-અપેક્ષાઓ પર આ જ રીતે બુલડોઝર ફરતું રહેશે.
ગામમાં અનેક દબાણો છે, પણ તૂટ્યું માત્ર બૌદ્ધ વિહાર જ
રમણભાઈ સોનારાના જણાવ્યા પ્રમાણે, "નાંદોલ ગામમાં અનેક બાંધકામો ગેરકાયદે દબાણ કરીને ઉભા કરી દેવાયેલા છે. તેના માટે તેમણે પોતે જ ગ્રામ પંચાયતને લેખિતમાં અરજી કરીને જાણ કરી પગલાં લેવા કહ્યું છે. પરંતુ તેના પર કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. પણ જેવું બૌદ્ધવિહાર તૈયાર થયું કે તરત પંચાયતે નોટિસ આપી દીધી અને ત્રણ જ દિવસમાં તોડી પાડ્યું."
આ પણ વાંચો: બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ
બૌદ્ધ વિહાર તોડી પાડવા માટે જ્યારે જેસીબી, પોલીસ, સરપંચ સહિતનો કાફલો આવી પહોંચ્યો ત્યારની તસવીર.
રમણભાઈ કહે છે, "બૌદ્ધ વિહારની જમીનથી માત્ર 50 ફૂટ દૂર અમૂલનું એક પાર્લર છેલ્લાં 10 વર્ષથી ગેરકાયદે ઊભું કરાયેલું છે. એ પણ દલિતોના સ્મશાનની દિવાલને અડીને. જ્યારે બૌદ્ધ વિહારનું બાંધકામ માત્ર 7 મહિના જૂનું હતું, છતાં તેને તોડી પાડ્યું, પણ અમૂલ પાર્લર આજેય અડીખમ ઉભું છે. અમે તેને તોડી પાડવા અરજી આપી હતી, પણ કોઈ પગલાં લેવાયા નથી. અમૂલ પાર્લરના માલિક અને તલાટી બંને ઠાકોર સમાજના છે. ગ્રામ પંચાયતની બોડીમાં 4 સભ્યો ઠાકોર જાતિના છે એટલે પંચાયત તેમની સામે પગલાં લેવાથી ડરે છે."
ચૂંટણી જીતવા દલિત વિધવા દીકરીના હકની જમીન અન્યોને ફાળવી દીધી?
રમણભાઈ વધુમાં જણાવે છે કે, "નાંદોલના સરપંચ મંજુલાબેન પટેલ જાતિના છે. તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવાના આશયથી નવે-ડિસેમ્બર 2021માં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનો લેખિત ઓર્ડર હોવા છતાં ગામની એક દલિત વિધવા દીકરીને મળતી જમીન ભરવાડ સમાજના 8 લોકોને રાતોરાત મકાન બનાવવા માટે ફાળવી દીધી હતી. એટલું જ નહીં તેમને પૈસા પણ આપ્યા અને પંચાયતના ટેન્કરથી પાણીની સુવિધા પણ પુરી પાડી હતી. જેથી તેઓ ચૂંટણી જીતી શકે. અન્ય એક દબાણ નાંદોલ ગ્રામ પંચાયતના સભ્ય ભાવનાબેન અને જગદીશભાઈએ કર્યું છે. તેમણે ખૂલ્લા પ્લોટમાં દુકાન બનાવી દીધી છે. આ ગેરકાયદે દબાણ દૂર કરવા અરજી કરાઈ હોવા છતાં સરપંચે રૂબરૂ હાજર રહીને દુકાન બનાવવા દબાણકારોને નાણાંકીય સહાય પુરી પાડી હતી."
ગૌચરની જમીન રામદેવપીરનું મંદિર બનાવવા ફાળવી દીધી?
રમણભાઈના જણાવ્યા પ્રમાણે, "નાંદોલના બ્લોક નંબર 1 થી 10 પૈકીની સર્વે નંબર 9-10ની જમીન ગૌચરની છે. તેમ છતાં બે વીઘા જેવી આ જમીન ગ્રામ પંચાયતે ઠાકોર સમાજને રામદેવપીરનું મંદિર બનાવવા માટે ફાળવી દીધી હતી. આજે પણ અહીં પાકા રૂમ બનાવવાનું કામ ચાલું છે પણ પંચાયતે તેમને એક પણ નોટિસ આપી નથી કે નથી આ ગેરકાયદે બાંધકામને તોડવા માટે કોઈ કાર્યવાહી કરી. ઉલટાનું સરપંચ દ્વારા મંદિર બાંધવા માટે રૂ. 2.51 લાખનું દાન આપવામાં આવ્યું છે. આ રીતસરનો જાતિવાદ છે."
'બૌદ્ધ વિહાર બનાવો અમને કોઈ વાંધો નથી' કહ્યું, બન્યા પછી તોડી પાડ્યું?
નાંદોલ ગ્રામ પંચાયતના સરપંચે બૌદ્ધ વિહારને લઈને જબરી ચાલાકી કરી હતી. રમણભાઈ સોનારાના જણાવ્યા પ્રમાણે, "વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં પંચાયતની જનરલ બોડી મિટીંગમાં અમે રૂબરૂ ઉપસ્થિત થયા ત્યારે મૌખિક રીતે જણાવ્યું હતું કે, "મંદિર માટે અમે કોઈને પણ લેખિત મંજૂરી આપી નથી કે ભલામણ કરી નથી, રામાપીર મંદિરને પણ અમે કોઈ રોકટોક કે અડચણ કરી નથી. માટે તમે પણ બૌદ્ધ વિહાર બનાવશો તો તમને પણ ગ્રામ પંચાયત કોઈ અડચણ કરશે નહીં. ધાર્મિક હેતુ હોવાથી અમે કોઈ વિવાદ ઉભો કરીશું નહીં."
જો કે આ બાંહેધરી માત્ર કહેવા પુરતી સાબિત થઈ હતી અને જેવું દલિતોનું બૌદ્ધ વિહાર બનીને તૈયાર થયું કે તરત ગ્રામ પંચાયતે તેને તોડી પાડ્યું હતું.
ગૌચરોની રોડ ટચ જમીનો હેતુફેર કરી કોમર્શીયલ પ્રવૃત્તિઓ માટે ફાળવી દીધી?
રમણભાઈ કહે છે, "છેલ્લાં 40 વર્ષથી નાંદોલની સીમમાં રહેતા આદિવાસીઓને ગૌચરની જમીનનું બહાનું બતાવી ગ્રામ પંચાયત દ્વારા મકાન ફાળવવામાં આવતા નથી. પણ આ જ ગૌચરની રોડ ટચ જમીન પટેલ સમાજના લોકોને ફાળવવા માટે તેને સરકારી પડતરમાં ફેરવી, હેતુફેર કરીને ત્યાં કોમર્શીયલ પ્રવૃત્તિઓ માટે ફાળવી દેવાઈ છે. આવા અનેક પુરાવા મારી પાસે છે. નાંદોલની ભાગોળે 7 દુકાનો ગેરકાયદેસર રીતે આપખુદીથી ઠરાવ પસાર કરી 30 વર્ષથી પટેલ સમાજને નામે કરી દેવાઈ છે, પણ ત્યાં કોઈ જ કાર્યવાહી નથી કરાતી, પરંતુ બૌદ્ધ વિહાર રાતોરાત તોડી પાડ્યું છે."
આ પણ વાંચો: જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે?
રમણભાઈ કે. સોનારા - નાંદોલમાં બૌદ્ધ વિહારનું સપનું જોનાર ખરા અર્થમાં ભીમયોદ્ધા
રમણભાઈ વધુમાં જણાવે છે કે, નાંદોલમાં વણકર અને વાલ્મિકી સમાજના ઘરો ઉંચાણવાળા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા છે. જો ભારે વરસાદ કે ભૂકંપ આવે તો વણકરોના ઘરો વાલ્મિકી સમાજના ઘરો પર પડે તેમ છે. આથી તકેદારીના ભાગરૂપે આ ઘરો વચ્ચે સુરક્ષા વોલ બનાવવાની રજૂઆત કરી હતી. આ દિવાલ બનાવવા માટેનો ઠરાવ વર્ષોથી થયેલો છે પણ દિવાલ બનતી નથી. જ્યારે પૂછીએ ત્યારે બજેટ નથીનું કારણ આગળ ધરાય છે. પણ આ જ ગ્રામ પંયાચતે પંચાયતના મકાનનું લાખોનો ખર્ચે નવીનીકરણ કર્યું છે. તો એના પૈસા ક્યાંથી આવ્યા? આ સવાલનો તેમન પાસે કોઈ જવાબ નથી."
રમણભાઈ કહે છે, "આ તમામ મુદ્દાઓને લઈને મેં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને પત્ર લખી જાણ કરી હતી. તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. પરંતુ ઢોર ચીરવાની જમીન પર તૈયાર થયેલા બૌદ્ધવિહારના બાંધકામને આ લોકોએ રાતોરાત તોડી પાડ્યું છે."
બુદ્ધિષ્ટો, બહુજનો આ ઘટનામાંથી કોઈ ધડો લેશે?
નાંદોલ ગામમાં બનેલી આ ઘટના ગુજરાતના બુદ્ધિષ્ટો, બહુજનો માટે એક મોટો બોધપાઠ લઈને આવી છે. ખાસ કરીને બુદ્ધિષ્ટો માટે. સાર એટલો છે કે, 'નમો બુદ્ધાયઃ જય ભીમ' કહેવા માત્રથી આપણાં પ્રશ્નો ઉકેલાઈ જવાના નથી. જરૂર પડ્યે સમાજ સાથે ઉભા રહેવું પણ જરૂરી છે. માત્ર ધમ્મ રેલીઓ કાઢવાથી, સંમેલનો કરવાથી કશું વળવાનું નથી. જમીની સ્તરે લડાઈ લડવી પડશે. આટલી બધી બૌદ્ધ સંસ્થાઓ ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે, તેમ છતાં કેમ નાંદોલના બૌદ્ધ વિહારને બચાવી ન શકાયું? કેમ કોઈ આ અન્યાય સામે આગળ ન આવ્યું? આ સવાલ આપણે આપણી જાતને પૂછવો પડશે.
આ પણ વાંચો: બેંગ્લુરૂમાં 500 દલિત પરિવારના 3000 લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે
બૌદ્ધ વિહાર તોડી પડાયા પછી પણ સુશીલાબેન અને રમણભાઈ ભારે હૃદયે અહીં પહોંચીને હૈયાફાટ રૂદન કરે છે.
બીજો બોધપાઠ એ મળે છે કે, જ્યાં સુધી બહુજનો સત્તામાં મજબૂત રીતે ભાગીદાર નહીં હોય, ત્યાં સુધી તેમના પર આવા અન્યાયો, અત્યાચારો થતા રહેશે. બાબાસાહેબ અને માન્યવર કાંશીરામ આ બાબત તરત સમજી ગયા હતા અને એટલે જ તેમણે બહુજનોને પોતાના રાજકીય પક્ષને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. સમય ક્યારનો પાકી ગયો છે કે, બહુજનો સત્તામાં પોતાની ભાગીદારીને વધુને વધુ મજબૂત કરે. બાકી તો આજે જેમ નાંદોલમાં રૂ. 11 લાખના ખર્ચે બનેલું બૌદ્ધ વિહાર એક જ મહિનામાં તૂટ્યું છે, તેમ કાલે બીજે પણ જાતિવાદીઓનું બુલડોઝર પહોંચી જશે અને તમે કશું નહીં કરી શકો. રમણભાઈ સોનારા હજુ પણ હિંમત હાર્યા વિના આ મામલે લડત આપી રહ્યાં છે, ચાલો તેમનો હાથ મજબૂત કરીએ. નમોઃ બુદ્ધાય, જય ભીમ, જય કાંશીરામ.
(જો તમે આ દુઃખમાં સહભાગી થવા માંગતા હો તો રમણભાઈ સોનારાનો 9825625662 નંબર પર સંપર્ક કરી શકો છો.)
આ પણ વાંચો: ...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Bharat Makwanaતારીખ અને સમય નક્કી કરી ને ,ચાલો ગાંધીનગર નો નારો આપવો જોઈએ
-
SUTARIA NITIN DIPAKKUMARજ્યારે નાંદોલના સરપંચ વિહાર માટે ભૂમિ પૂજન દરમિયાન 51,000/- દાન આપી ભૂમિ પૂજન માં બેસવા માટે તૈયાર હતા તો આ પરિસ્થિતિ શા માટે સર્જાઈ?