પાલનપુરના ગાદલવાડામાં દલિત યુવકે વરઘોડો કાઢવા પોલીસ રક્ષણ માંગ્યું

વકીલ યુવકના આગામી 6 ફેબ્રુઆરીએ લગ્ન છે. યુવકને ચિંતા છે કે જેમ બાજુના ગામમાં જાતિવાદી તત્વોએ દલિતના વરઘોડા પર હુમલો કર્યો તેવું તેના લગ્નમાં પણ થઈ શકે છે. આથી તેણે પોલીસ રક્ષણ માંગ્યું છે.

પાલનપુરના ગાદલવાડામાં દલિત યુવકે વરઘોડો કાઢવા પોલીસ રક્ષણ માંગ્યું
image credit - Google images

ગાંધી, સરદારની ભૂમિ તરીકે જેની દુનિયાભરમાં ઓળખ છે તે ગુજરાત જ્યારે દલિતો-આદિવાસીઓ સાથે સમાન વ્યવહારની વાત આવે ત્યારે યુપી, બિહાર સહિતના કટ્ટર જાતિવાદને પણ શરમાવે તે સ્તરે આવીને ઉભું રહી જાય છે. ગુજરાતના ગામડાઓ જાતિવાદથી ખદબદે છે અને તેના અનેક ઉદાહરણો આપણે જોયા છે. ગુજરાતની ભાજપ સરકાર એકબાજુ સમરસતાની વાતો કરે છે, પરંતુ ગામોગામ દલિતો સાથે થતા ભેદભાવને દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં લેતી નથી. અગાઉ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાત સરકારને 15મી ઓગસ્ટ દરમિયાન અમુક ગામોને આભડછેટ મુક્ત જાહેર કરવાનો પડકાર ફેંક્યો હતો, પરંતુ સરકાર તરફથી આ ચેલેન્જને સ્વીકારવા કોઈ આગળ આવ્યું નહોતું. એનો એક અર્થ એવો પણ થઈ શકે કે, ગુજરાતની ભાજપની સૌનો સાથે સૌનો વિકાસના સૂત્રધારી સરકારને પણ દલિતો સાથે થતી આભડછેટ દૂર કરવામાં જરાય રસ નથી. ઉપરથી સરકાર ભેદભાવ કરતા જાતિવાદી તત્વોને છાવરતી હોય તેવી સ્થિતિ છે. ગયા વર્ષે દલિત વરરાજાની જાન પર ખૂલ્લેઆમ હુમલો કરનાર માથાભારે તત્વોને તરત જામીન મળી ગયા હતા. જે દર્શાવે છે કે સરકાર એટ્રોસિટીના મજબૂત કાયદાનો કેટલો અને કેવો અમલ કરે છે.

રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ એકસરખી સ્થિતિ

ગઈકાલે રાજસ્થાનના અજમેરમાં એક દલિત યુવકનો વરઘોડો 200થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે નીકળ્યો હતો, જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી. દલિત વરરાજાને બીક હતી કે જાતિવાદી તત્વો તેના વરઘોડા પર હુમલો કરી શકે છે. આથી તેણે પોલીસ રક્ષણ મેળવ્યું હતું. હવે આવી જ એક ઘટના ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે.

મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ગાદલવાડા ગામના એક દલિત યુવકે પોતાની જાનના વરઘોડા દરમિયાન પોલીસ રક્ષણ માંગ્યું છે. યુવકે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાને સંબોધીને અરજી કરી છે અને તેમાં પોતાના લગ્ન દરમિયાન વરઘોડામાં પોલીસ સુરક્ષા પુરી પાડવા વિનંતી કરી છે.

દલિત વરરાજાએ પોલીસ રક્ષણ માંગ્યું

પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામમાં રહેતા મુકેશભાઈ પરેચા વ્યવસાયે એડવોકેટ છે અને તેમણે પોતાના લગ્નના વરઘોડામાં પોલીસ રક્ષણ માંગ્યું છે. મુકેશભાઈએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, “તા. 6 ફેબ્રુઆરી 2025ના રોજ મારા લગ્ન છે, જેમા અમે ઘોડા પર બેસીને વરઘોડો કાઢવા માંગતા હોઈ પોલીસ સુરક્ષા આપવા વિનંતી છે. અમારા ગામમાં અનુસૂચિત જાતિના લોકોએ ક્યારેય વરઘોડો કાઢ્યો નથી કે નીકળતો પણ નથી. પહેલીવાર અમે વરઘોડો કાઢનાર વ્યક્તિ છીએ. જેથી અનિચ્છનીય બનાવ બનવાની પુરી શક્યતા છે, તેથી અમને પોલીસ સુરક્ષા આપવા વિનંતી છે. અગાઉ દલિત સમાજના લોકોએ વરઘોડો કાઢવા તેના પર હુમલો થયાની એકથી વધુ ઘટનાઓ બનેલી છે. અહીંના સરીપડા ગામે દલિત વરરાજાના વરઘોડા પર હુમલો થયો હતો, જે મારા ગામથી માત્ર 1 થી 1.5 કિલોમીટર દૂર છે. આ સિવાય મોટા ગામે પણ આવી જ ઘટના બની હતી, જે મારા ગામથી માત્ર 13 કિલોમીટર દૂર છે. આ બંને ગામો ગઢ પોલીસ સ્ટેશનમાં આવે છે. તા. 6 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 9.30 વાગ્યે અમારા ફાર્મ હાઉસથી ગામ સુધી વરઘોડો જવાનો છે. જેમાં 100 ટકા અજુગતો બનાવ બને તેવી શક્યતા હોવાથી પોલીસ રક્ષણ આપવા વિનંતી છે.”

પોલીસ સુરક્ષા નહીં મળે તો ચોક્કસ હુમલો થશે તેવી ભીતિ

અરજીમાં મુકેશભાઈ સ્પષ્ટ રીતે લખે છે કે, “આ અરજી મારફત હું જણાવવા માંગું છું કે, મારા વરઘોડામાં અજુગતી ઘટના બનશે તેવી શક્યતાને આધારે હું આ અરજી નથી કરી રહ્યો, પરંતુ પોલીસ સુરક્ષા નહીં મળે તો ચોક્કસ અજુગતી ઘટના ઘટશે જ એવું ભારપૂર્વક જણાવું છું, જેની ગંભીરતાથી નોંધ લઈ સમયસર પોલીસ સુરક્ષા પુરી પાડવા વિનંતી છે.”

વરરાજા મુકેશભાઈ પરેચાએ આ અરજી બનાસકાંઠા એસપી ઉપરાંત ગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ, નાયબ પોલીસ અધીક્ષક એસસી-એસટી સેલ પાલનપુર અને ગુજરાતના ડીજીપીને પણ મોકલી છે. જોવાનું એ રહેશે કે ગુજરાત પોલીસ આ અરજીને કેવી રીતે લે છે.

અરજીકર્તા મુકેશ પરેચા શું કહે છે?

સમગ્ર મામલે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા અરજીકર્તા મુકેશભાઈ પરેચાએ જણાવ્યું હતું કે, “અમારા ગામમાં આઝાદીના 75 પહેલાથી કદી અનુસૂચિત જાતિ સમાજની કોઈ વ્યક્તિનો વરઘોડો નથી નીકળ્યો. મારા ગામની બાજુમાં આવેલા સરીપડા ગામમાં આજથી પાંચેક વર્ષ પહેલા અનુસૂચિત જાતિ સમાજના એક આર્મી યુવકે વરઘોડો કાઢ્યો હતો. જેના પર હુમલો થયો હતો. ત્રણેક વર્ષ પહેલા મોટા ગામમાં ખાનગી કંપનીમાં કામ કરતા એક દલિત યુવકના વરઘોડા પર પણ હુમલો થયો હતો. મારા ગામમાં આજ દિન સુધી એકેય અનુસૂચિત જાતિ સમાજના વરરાજાનો વરઘોડો નથી નીકળ્યો. હું પહેલીવાર ઘોડા પર બેસીને નીકળવાનો છું અને મને તેમાં કેટલું જોખમ રહેલું છે તેનો મને સ્પષ્ટ ખ્યાલ છે. ગામના અમુક લોકો મારા વરઘોડામાં કશુંક છમકલું કરે તેવી પુરી શક્યતા જણાય છે. આથી મેં પોલીસ રક્ષણ માંગ્યું છે.”

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, ગાદલવાડા ગામ ફાયર બ્રાન્ડ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મતવિસ્તારમાં આવે છે. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ ઘટના એક સમાજ તરીકે આપણે કેવા છીએ તે સ્પષ્ટ કરે છે. સાથે જ આ ઘટના ગુજરાતમાં દલિતોની સ્થિતિ આઝાદીના 75 વર્ષ પછી પણ કેવી છે તેની પણ ચાડી ખાય છે. અરજીકર્તા મુકેશભાઈ પરેચાનું ગામ ગાદલવાડા મારા મત વિસ્તાર વડગામમાં આવે છે. ત્રણ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે એસપીએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને પોલીસ સુરક્ષા પ્રદાન કરવામાં કોઈ કચાશ ન રાખવી જોઈએ.”

આ પણ વાંચો: રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.