ડૉ.આંબેડકર હોસ્ટેલમાં દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
19વર્ષનો દલિત વિદ્યાર્થી બી.એ. ફાઈનલ વર્ષમાં ભણવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. કુમળી વયના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારમાં સોંપો પડી ગયો છે.
રાજસ્થાનના ભરતપુરમાં જિલ્લા કલેક્ટર કચેરીની સામે આવેલી ડો.આંબેડકર છાત્રાલયમાં એક દલિત વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થીનું નામ રોહિત હતું અને તે બીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.
ગહનોલી તાલુકાના દાલિણા ગામના રહેવાસી રોહિતના મિત્રોએ કહ્યું કે અમે તેના રૂમનો દરવાજો ખોલવા માટે બૂમ પાડી રહ્યા હતા પરંતુ તેણે રૂમનો દરવાજો ખોલ્યો નહોતો. લાંબા સમય સુધી કોઈ જવાબ ન મળતાં, અમે બારીની તિરાડમાંથી જોયું તો તે લટકતો જોવા મળ્યો. જે બાદ આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી. ત્યારબાદ મથુરા ગેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
એવું કહેવાય છે કે આત્મહત્યા કરનાર વિદ્યાર્થી ઘણા સમયથી તણાવમાં હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેના પરિવારજનોને જાણ કરી. મૃતકના પિતા ડ્રાઇવર છે અને હાલમાં છત્તીસગઢમાં છે. તેમના આગમન પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વિદ્યાર્થીની આત્મહત્યાના સમાચાર મળતાં જ હોસ્ટેલમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ મહલપુર દહિણા ગામના રહેવાસી રાજવીર સિંહનો પુત્ર 19 વર્ષીય રોહિત ઉર્ફે ડબ્બુ, ભરતપુર જિલ્લા કલેક્ટર કચેરી સામે આવેલા ડો. ભીમરાવ આંબેડકર ભવનના રૂમ નંબર 13માં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. રહોતિ મંગળવારે સવારે ૯ વાગ્યાની આસપાસ નહાઈને પોતાના રૂમમાં ગયો હતો. ત્યારબાદ બપોરે 2 વાગ્યે અન્ય વિદ્યાર્થીઓએ તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેમણે ગ્રીલમાંથી ડોકિયું કર્યું અને તેને ફાંસીથી લટકતો જોયો. ત્યારબાદ નજીકના લોકોને જાણ કરવામાં આવી હતી. મૃતકને ત્રણ બહેનો અને એક ભાઈ પણ છે.
આ પણ વાંચો: પપ્પા..હું નહીં બચું...નહીં બચું...