ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ કારમાં રેપ કર્યો

ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ ગેંગરેપ કર્યો છે. આરોપીઓએ રેપ બાદ સગીરાને રસ્તા પર ફેંકી દીધી હતી જ્યાંથી તે  લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી.

ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ કારમાં રેપ કર્યો
image credit - Google images

'બેટી બચાવો, બેટી પઢાવો'નો નારો આપનાર ભાજપના જ એક દલિત નેતાની સગીર દીકરી પર ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે. ચાર યુવકોએ સગીરા સાથે કારમાં રેપ કર્યો, એ પછી આરોપીઓએ તેને રસ્તા પર ફેંકી દીધી હતી. સગીરા લોહીલુહાણ હાલતમાં રસ્તાની સાઈડમાંથી મળી આવી હતી અને તેના કપડા પણ ફાટેલાં હતા.

મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીં જૌનપુર જિલ્લાના જલાલપુર પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. અહીંની પરાઉગંજ પોલીસ ચોકીમાં આવતા રેહાડી ગામની દલિત સગીરા શુક્રવારે સવારે 8 વાગ્યે ઘરેથી શાળાએ જવા નીકળી હતી. ત્યારે સ્કોર્પિયો કારમાં સવાર ચાર બુકાનીધારીઓએ તેનું અપહરણ કર્યું હતું.

એ પછી નવ કલાક બાદ એટલે કે સાંજે ચાર વાગ્યા આસપાસ વારાણસીના ચોલાપુર પોલીસ સ્ટેશનની દાનગંજ ચોકીના આઝમગઢ બાયપાસ સ્થિત તરાવ ગામ પાસે આરોપીઓ સગીરાને ફેંકીને જતા રહ્યા હતા. સગીરા લોહીથી લથપથ હાલતમાં બેહોશ સ્થિતિમાં મળી આવી હતી. તેના પકડાં અનેક ઠેકાણે ફાટી ગયા હતા. સ્થાનિક લોકોને તેની જાણ થતા તેઓ તેને ઉપાડીને એક જગ્યાએ લઈ ગયા હતા અને તેના ચહેરા પર પાણી છાંટતા તે ભાનમાં આવી હતી. એ પછી તેણે આખી ઘટના લોકોને જણાવી હતી.

આ પણ વાંચો: બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદાર: ભાજપ નેતા

બદમાશોએ યુવતીના હાથ પર અનેક જગ્યાએ બ્લેડ વડે હુમલો કર્યો હતો. આરોપીઓ કહેતા હતા કે, તારા આખા પરિવારને મારી નાખીશું. બ્લેડના હુમલાથી સગીરાના બંને હાથમાંથી લોહી વહી રહ્યું હતું. બદમાશોનો સામનો કરવા જતા તેના કપડાં પણ ફાટી ગયા હતા. તે ક્યારે બેભાન થઈ ગઈ તેનો પણ તેને ખ્યાલ રહ્યો નહોતો.

ઘટનાની જાણકારી મળતા જ દાનગંજ ચોકીના પ્રભારી આદિત્યસેન સિંહ ત્યાં પહોંચી ગયા હતા અને સગીરાને મેડિકલ ટીમ બોલાવીને સારવાર માટે મોકલી આપી હતી.

બીજી તરફ ઘટનાની જાણ તેના પિતાને થતા તેઓ દાનગંજ પહોંચી ગયા હતા. પિતાને જોઈને સગીરા રોઈ પડી હતી. તેણે પિતાને જણાવ્યું કે, ઘરેથી શાળાએ જતી વખતે ચાર શખ્સોએ તેનું અપહરણ કરી લીધું હતું અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો.

દીકરીની આપવીતી સાંભળીને તેના પિતા ગુસ્સે ભરાયા હતા અને તરત તેમણે સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. ચોલાપુરની દાનગંજ પોલીસે કોઈ જ કાર્યવાહી કર્યા વિના સગીરા અને તેના પરિવારજનોને પરત જલાલપુર પોલીસ સ્ટેશન મોકલી દીધા હતા.

સમગ્ર મામલે સિટી એસપી બ્રિજેશ કુમારે જણાવ્યું હતું કે સગીરાની મેડિકલ તપાસમાં બળાત્કારનો કોઈ ખુલાસો થયો નથી. જલાલપોર પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહરણ કરવા, તિક્ષ્ણ હથિયાર વડે માર મારવા, ધમકી આપવા અને અન્ય આરોપો હેઠળ ત્રણ નામજોગ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ખરગસેનપુરના રહેવાસી પ્રદીપ ઉર્ફે ભોનુ, રેહાડીના રહેવાસી હિમાંશુ પાલ અને સરૈયા જલાલપોરના મહેશ બિંદના પુત્ર અને કેટલાક અજાણ્યા લોકો આરોપી છે. પોલીસની ટીમ ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: આટકોટમાં ભાજપના બે આગેવાનોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.