દલિત પરિવારની બે સગી બહેનોને 40 દિવસ સુધી ગોંધી રાખી ગેંગરેપ
એક જ પરિવારની બે સગી સગીર બહેનોનું અપહરણ કરી 40 દિવસ સુધી ગોંધી રાખી તેમના પર ગેંગરેપ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
દલિત, આદિવાસી સમાજના લોકો પર અત્યાચારની દરરોજ કોઈને કોઈ એવી ઘટના બને છે જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ માણસનું દિલ દ્રવી ઉઠે. પણ આ દેશના કથિત સવર્ણોને કદી પણ એસસી-એસટી સમાજની બહેન-દીકરી પર થતા અત્યાચારની જરા પણ પરવા નથી. કોલકાતામાં એક સવર્ણ સમાજની દીકરી પર રેપ થયો તેના પ્રત્યે ચોક્કસ આપણી સંવેદનાઓ હોય જ. પણ તેના પછી ભારતમાં અનેક દલિત, આદિવાસી, ઓબીસી સમાજની દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ બની છે, પણ તેમની જાણે કોઈ કિંમત જ ન હોય તેવી સ્થિતિ છે. કોલકાતામાં સવર્ણ સમાજની દીકરી પર રેપ થયો તો મમતા સરકારે બળાત્કાર વિરોધી કાયદો બનાવ્યો અને ભાજપે પણ તેનું સમર્થન કર્યું. નિર્ભયાકાંડમાં પણ મૃતક યુવતી સવર્ણ હતી એટલે મનુ મીડિયાએ આખો મામલો ચગાવેલો, અગાઉ તેલંગાણામાં એક સવર્ણ ડોક્ટર યુવતીને બે અજાણ્યા યુવકોએ સળગાવી દીધી તો તેનું એન્કાઉન્ટર કરીને ત્વરિત ન્યાયમાં ખપાવવામાં આવેલ. પણ દલિત-આદિવાસી સમાજની દીકરી પર દરરોજ કોઈને કોઈ જગ્યાએ રેપ-છેડતી-હત્યા થતી હોવા છતાં કોઈનું રૂંવાડુંયે ફરકતું નથી. આ સ્પષ્ટપણે જાતિવાદ છે અને સવર્ણ કદી આ વાસ્તવિકતા સ્વીકારવાના નથી.
આવી જ એક ઘટનાએ હાલ દેશભરમાં ચકચાર જગાવી છે. જેમાં એક દલિત પરિવારની બે સગી બહેનોને 40 દિવસ સુધી ગોંધી રાખીને તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. બંને દીકરીઓ શાળાએથી પરત ફરી રહી હતી ત્યારે ગુમ થઈ હતી. એ પછી અન્ય રાજ્યમાંથી તેમની ભાળ મળી હતી. હવે આ મામલે દલિત સમાજે પોલીસની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા છે અને ન્યાયની માંગ સાથે આંદોલન છેડ્યું છે.
ઘટના રાજસ્થાનના હનુમાનગઢી જિલ્લાના નુકેરા ગામની છે. જ્યાં શાળાએથી પરત ફરી રહેલી દલિત પરિવારની બે સગી બહેનોનું અપહરણ કરીને તેમને 40 દિવસ સુધી ગોંધી રાખી તેમના પર રેપ કરવામાં આવ્યો છે. પોલીસે બંને બહેનોને હરિયાણાથી શોધી કાઢી છે અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસની કામગીરી પર આંગળી ચિંધાઈ
બીજી તરફ સગીરાના પરિવારજનોનો આરોપ છે કે, લગભગ 40 દિવસ સુધી ઘરેથી ગૂમ રહેલી બંને સગી બહેનોને ગોંધી રાખીને ગેંગરેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે, 27 ઓગસ્ટે તેમણે ગામલોકો સાથે જિલ્લા પોલીસ વડા વિકાસ સાંગવાનની મુલાકાત લઈને બંને દીકરીઓને વહેલીતકે શોધી કાઢવા માટે વિનંતી કરી હતી. પણ પોલીસે કશું કર્યું નહોતું.
બંને દીકરીઓની ઉંમર 12 અને 14 વર્ષની છે. બંને 20 જુલાઈના રોજ પોતાના ગામ નુકેરાની શાળાએથી ઘરે પરત આવતી વખતે ગુમ થઈ ગઈ હતી. એ પછી તેના પરિવારે પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી હતી. એ પછી 40 દિવસ સુધી પોલીસે કશી પણ કામગીરી કરી નહોતી અને અચાનક એક દિવસ હરિયાણાના આદમપુરથી બંને દીકરીઓ મળી આવી હતી. એ પછી પોલીસ તેમને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી દીધી હતી, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. બુધવારે બંનેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
દલિત સમાજમાં ભારે રોષ
બીજી તરફ આ ઘટનાને લઈને દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને તે સતત પોલીસની બેદરકારીના આરોપ લગાવી રહ્યો છે. મંગળવારે હનુમાનગઢ જિલ્લા હોસ્પિટલ બહાર દલિત સમાજના જુદા જુદા સંગઠનોએ પીડિતાને ન્યાય માટે ઘરણાં કર્યા હતા.
આ પણ વાંચો: bihar caste survey report: દલિતો સૌથી ગરીબ અને જનરલ કેટેગરીના લોકો સૌથી ઓછા ગરીબ
દલિત આગેવાનોનું કહેવું છે કે, 40 દિવસ સુધી દીકરીઓને ગોંધી રાખીને આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. છતાં પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવી. ઉશ્કેરાયેલા દલિત સમાજના લોકોએ હોસ્પિટલની ચોકીમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. દલિત સમાજના લોકોની માંગ છે કે, સંગરિયા પોલીસ અધિકારી ધર્મપાલ શેખાવતને દૂર કરવામાં આવે અને પરિવારજનોને ન્યાય આપવામાં આવે.
રાજસ્થાનનું રાજકારણ ગરમાયું
આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા ગોવિંદ સિંહ ડોટાસરાએ સ્થાનિક ભજનલાલ શર્મા સરકારને આડે હાથ લેતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, હનુમાનગઢના નુકેરા ગામની નાયક સમાજની બે સગીર દીકરીઓનું અપહરણ કરી, ગોંધી રાખી અંદાજે 40 દિવસ સુધી ગેંગરેપની ભયાનક ઘટનાથી મન દુઃખ અને ક્રોધથી ભરાઈ ગયું છે. બંને દીકરીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, બંને જલદી સાજી થાય તેવી પ્રાર્થના. સરકાર બંને દીકરીઓને ન્યાય અપાવે અને આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે.
નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે લખ્યું હતું કે, હનુમાનગઢના સંગરિયા તાલુકાના નુકેરા ગામમાં દલિત સમાજની બે સગી સગીર બહેનોને શાળાએથી ઉપાડી જઈ અલગ અલગ જગ્યાએ તેમના પર સામૂહિક દુષ્કર્મ કરવાની આ ઘટના માનવતાને શર્મશાર કરે છે. મળતી માહિતી પ્રમાણે બંને બહેનોની સ્થિતિ ગંભીર છે, તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે મેં રાજસ્થાનના ડીજીપી અને હનુમાનગઢના એસપી સાથે ફોન પર ચર્ચા કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
દલિત સંગઠનો આજે આંદોલન અંગે નિર્ણય કરશે
આ ઘટનામાં પોલીસની શંકાસ્પદ કામગીરીને લઈને હવે દલિત સમાજ મેદાનમાં આવ્યો છે અને તેણે મોટું આંદોલન છેડ્યું છે. અગાઉ દલિત સંગઠનોએ પોલીસ સ્ટેશન બહાર ધરણાં કર્યા હતા. હવે આજે અહીં મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. આંદોલનકારીઓ સાથેની વાતચીત બાદ મોડી સાંજે એક સંમતિ સધાઈ જતાં ધરણાંનો અંત આવ્યો હતો અને દેખાવકારોએ કહ્યું છે કે જો આરોપી પોલીસ કર્મચારીઓની તપાસ કરીને કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ 6 સપ્ટેમ્બરે મોટું આંદોલન કરશે. જિલ્લા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બંને દીકરીઓને સારવાર બાદ મોડી સાંજે રજા આપવામાં આવી હતી. બંને બહેનો હવે પોતાના ઘરે પરત ફરી છે. હવે પોલીસ આ કેસની તપાસ શરૂ કરીને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવાની વાત કરી રહી છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે દીકરીઓને સશક્ત કરવાના દાવાઓ વચ્ચે સમાજને કલંકિત કરતી આવી ઘટનાઓ પર કાયમી પૂર્ણવિરામ ક્યારે લાગશે. સરકાર ક્યારે તેમની કથની અને કરણી વચ્ચેના અંતરને દૂર કરશે.
આ પણ વાંચો: ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ કારમાં રેપ કર્યો