રાજકોટમાં સ્મશાનના લાકડાનું કૌભાંડ, 5 ગાડી લાકડાં ગાયબ

ભ્રષ્ટાચારની ઉધઈ હવે છેક સ્મશાનના લાકડા સુધી પહોંચી ગઈ છે. રાજકોટમાં ભ્રષ્ટાચારીઓ 5 ગાડી ભરીને લાકડા ચાંઉ કરી ગયા છે.

રાજકોટમાં સ્મશાનના લાકડાનું કૌભાંડ, 5 ગાડી લાકડાં ગાયબ
image credit - Google images

The Cremation Wood Scam:માનવતા મરી પરવારી છે એવું હવે તમે સતત કોઈને કોઈ વ્યક્તિના મોંએ સાંભળતા હશો. રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચારીઓએ આ વાક્યને સાકાર કરી બતાવ્યું છે. જ્યાં કૌભાંડીઓએ સ્મશાનના લાકડામાં પણ ખાયકી કરી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં રોડ-રસ્તાના કામોમાં નેતાઓ અને તેમના મળતિયાઓએ કૌભાંડ કર્યું હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ રાજકોટમાં કૌભાંડીઓએ હદ કરી દીધી છે અને સ્મશાનના લાકડાને પણ છોડ્યા નથી. સ્મશાન એક એવી જગ્યા છે જ્યાં ગમે તેવો ભ્રષ્ટ વ્યક્તિ પણ સહજ રીતે માનવતા દાખવતો હોય છે. પણ રાજકોટના કૌભાંડીઓએ તેને પણ છોડ્યું નથી.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં થોડા સમય પહેલા ભારે પવન ફૂંકાયો ત્યારે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા. એ વખતે આવા ધરાશાયી થયેલા વૃક્ષોને કાપીને શહેરના અલગ-અલગ સ્મશાનમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...

જેમાં અલગ-અલગ સ્મશાનોમાં ૩૨ ગાડી લાકડા મોકલવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાના ચોપડે નોંધાયું હતું. જેમાંથી પાંચ ગાડી શહેરના બાપુનગર સ્મશાનમાં મોકલવામાં આવી હતી. જો કે સ્મશાનના સંચાલકોનું કહેવું છે કે રાંધણ છઠના તહેવાર બાદ એક પણ ગાડી બાપુનગર સ્મશાનમાં આવી નથી.

આ કૌભાંડને લઈને વિપક્ષે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું છે કે, અમારી પાસે હાલ આ મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. ગાર્ડન શાખાના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ જ આ મામલો અમારી સામે આવ્યો છે. હવે મનપા દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગાર્ડન શાખામાંથી લાકડા લઈ જવા માટે બે અલગ-અલગ એજન્સીઓ છે. એજન્સીમાં પણ ક્યાં પ્રકારની કામગીરી કરાઇ તેની ચકાસણી હાથ ધરાશે. અધિકારીઓ દ્વારા એજન્સીના સંચાલકોની પૂછપરછ બાદ સમગ્ર હકીકત શું છે તે બહાર આવી શકે છે.

આ પણ વાંચો: પાણી પુરવઠા વિભાગે કાગળ પર કામ બતાવી 12.14 કરોડનું ફૂલેકું ફેરવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.