આતિશી નહીં, આ દલિત નેતા દિલ્હીના મુખ્યમંત્રી બનશે?

અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં આ દલિત નેતા મુખ્યમંત્રી બનશે?

આતિશી નહીં, આ દલિત નેતા દિલ્હીના મુખ્યમંત્રી બનશે?
image credit - Google images

Who will be the next CM of Delhi? - આ સવાલ હાલ સૌ કઈ પૂછી રહ્યું છે. કથિત દારૂ નીતિમાં કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 177 દિવસ બાદ જેલથી છૂટ્યા પછી આજે પાર્ટી કાર્યાલય પહોંચીને મોટી જાહેરાત કરી દીધી છે. કેજરીવાલ પાર્ટી કાર્યાલયે પહોંચી કાર્યકરોમાં ફરી જોશ ભરતા આક્રમક રીતે ભાષણ કર્યું છે. એ દરમિયાન તેઓ આક્રમક મૂડમાં દેખાયા અને સીધા જ ભાજપ પર પ્રહારો કર્યા હતા. કેજરીવાલે આ દરમિયાન મોટી જાહેરાત કરી છે કે, 'હું બે દિવસ બાદ સીએમની ખુરશી પરથી રાજીનામું આપી દઇશ.'

કેજરીવાલે વધુમા કહ્યું કે ‘હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. હું તમારી અદાલતમાં આવ્યો છું. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચું હતું. મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, પરંતુ અમારી માગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું અને સિસોદિયા હવે જનતા વચ્ચે જઈશું અને અમે ગુનેગાર છીએ કે ઈમાનદાર એ પ્રજાને નક્કી કરવા દઈશું. હવે દિલ્હીના સીએમની શક્ય એટલી ઝડપથી પસંદગી કરી લો. જ્યાં સુધી લોકો ફેંસલો ના કરે કે, કેજરીવાલ પ્રામાણિક છે કે નહીં, ત્યાં સુધી ખુરશી પર નહીં બેસું. કેજરીવાલ પ્રામાણિક લાગતો હોય તો ‘આપ’ને ભરપૂર વૉટ આપજો.’ 

કેજરીવાલની આ જાહેરાત પછી દિલ્હીમાં કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને રાજકીય અટકળોનું બજાર તેજ થઈ ગયું છે. હાલ જે નામો ચર્ચામાં છે તેમાં આતિશીનું નામ સૌથી આગળ છે. આ સિવાય સૌરભ ભારદ્વાજ અને કૈલાશ ગેહલોતનું નામ પણ ચર્ચામાં છે. જો કે આપનું રાજકારણ જેમના પાયા પર ટકેલું છે તે દલિત મતદારો સતત પક્ષનો વિશ્વાસ ગુમાવતા જઈ રહ્યાં છે. ખાસ કરીને એસસી એસટીમાં પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયર મુદ્દે આપે ભાજપ-કોંગ્રેસ જેવું જ સવર્ણવાદી સ્ટેન્ડ લીધું હતું. જેના કારણે દલિતો તેનાથી ભારે નારાજ છે. આપ હાલ જે બે રાજ્યોમાં સત્તા પર છે તે પંજાબ અને દિલ્હીમાં દલિત મતદારોની મોટી વસ્તી છે અને બંને જગ્યાએ દલિતો આપથી ભારે નારાજ છે. એવામાં દલિત મતદારોની નારાજગી દૂર કરવા માટે આમ આદમી પાર્ટી મોટો દાવ ખેલી શકે છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આપ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કોઈ દલિત નેતાએ બેસાડી શકે છે. એ દલિત નેતા કોણ તેની વાત કરતા પહેલા અન્ય નેતાઓની દાવેદારી કેટલી મજબૂત છે તેની વાત કરી લઈએ.

આતિશી પ્રબળ દાવેદાર છે પણ..
અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી મુખ્યમંત્રી પદ છોડશે. આવી સ્થિતિમાં દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. આતિશીની ગણતરી સીએમ કેજરીવાલના સૌથી વિશ્વાસુ નેતાઓમાં થાય છે. કેજરીવાલ તેમના પર ઘણો વિશ્વાસ કરે છે. 

જ્યારે મનીષ સિસોદિયા દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં જેલમાં ગયા ત્યારે તેમની જગ્યાએ આતિશીને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે દિલ્હીનું બજેટ પણ રજૂ કર્યું. એટલું જ નહીં રાજીનામાની જાહેરાત કરતા પહેલા કેજરીવાલે પોતાના સંબોધન દરમિયાન 15 ઓગસ્ટને લઈને આતિશીનું નામ લીધું હતું. તેણે કહ્યું, “તિહાર જેલમાં મારા રોકાણ દરમિયાન, મેં એલજીને પત્ર લખ્યો હતો કે આતિશી 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવશે. પરંતુ તે પત્ર પરત કરવામાં આવ્યો હતો અને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો પત્ર ફરીથી લખવામાં આવશે તો પરિવાર સાથેની મુલાકાત બંધ કરી દેવામાં આવશે.

દિલ્હીની કાલકાજી બેઠકના ધારાસભ્ય આતિશી આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના સભ્ય પણ છે અને હાલમાં દિલ્હી સરકારમાં શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, TTE, નાણાં, આયોજન, PWD, પાણી, વીજળી, સેવાઓ, તકેદારી, જનસંપર્ક મંત્રી છે. આ પહેલા, તે જુલાઈ 2015 થી 17 એપ્રિલ 2018 સુધી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સલાહકાર પણ રહી ચુકી છે.

સૌરભ ભારદ્વાજ ચહેરો ખરા પણ..
આતિશી ઉપરાંત સૌરભ ભારદ્વાજ પણ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે. તેઓ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. દિલ્હી વિધાનસભામાં ગ્રેટર કૈલાશ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને દિલ્હી સરકારમાં આરોગ્ય, શહેરી વિકાસ અને પર્યટન મંત્રી છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે અને વિકટ પરિસ્થિતિઓમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. આ પહેલા સૌરભ દિલ્હી જલ બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમના સંયમિત વર્તનને કારણે તેમની ગણના સીએમ પદના મોટા દાવેદારોમાં થઈ રહી છે.
સીએમ પદની રેસમાં કૈલાશ ગેહલોત પણ ત્રીજું મોટું નામ છે. તેઓ દિલ્હીના પરિવહન અને પર્યાવરણ મંત્રી છે. તેઓ નવી દિલ્હીની નજફગઢ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. કૈલાશ ગેહલોત લો પ્રોફાઈલ લીડર છે અને તે ભાગ્યે જ સમાચારોમાં રહે છે. હાલમાં તેમની પાસે વાહનવ્યવહાર, વહીવટી સુધારા, મહેસૂલ, કાયદો, ન્યાય અને વિધાન બાબતો, મહિલા અને બાળ વિકાસ અને માહિતી અને ટેકનોલોજી વિભાગોની જવાબદારી છે. તેમણે ફેબ્રુઆરી 2015માં નજફગઢ મતવિસ્તારમાંથી દિલ્હી વિધાનસભાની તેમની પ્રથમ ચૂંટણી જીતી હતી.

દિલ્હીમાં દલિત મુખ્યમંત્રી બની શકે છે?
આતિષી, સૌરભ ભારદ્વાજ અને કૈલાશ ગેહલોતની દાવેદારી વચ્ચે એક મોટો ટ્વિસ્ટ દલિત મુખ્યમંત્રીને લઈને આવ્યો છે. આધારભૂત સૂત્રો કહે છે કે, હાલ આમ આદમી પાર્ટી જે પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તે જોતા તે એક દલિત નેતાને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડે તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં જોરશોરથી થઈ રહી છે. દિલ્હીના આધારભૂત સૂત્રોના મતે આપ એક દલિત નેતાને મુખ્યમંત્રી બનાવી શકે છે.

હાલમાં દિલ્હી વિધાનસભામાં 60 બેઠકો છે પાર્ટીના દલિત ધારાસભ્યોની વાત કરીએ તો તેમાં 12 દલિત ધારાસભ્યો હતા. જો કે આમાંથી બે મોટા દલિત ચહેરા રાજેન્દ્ર પાલ ગૌતમ અને રાજ કુમાર આનંદે પાર્ટી છોડી દીધી છે. આ બંનેનો અરવિંદ કેજરીવાલ કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જો તેમના ગયા પછી AAPના ત્રીજા મોટા દલિત નેતાની વાત કરીએ તો કુલદીપ કુમારનું નામ આવે છે.

કોંડલીના ધારાસભ્ય છે અને તેઓ સીએમ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તેમને પૂર્વ દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.

ત્યારબાદ બીજું નામ આવે છે રાખી બિરલાનું. મંગોલપુરી સીટના આ AAP ધારાસભ્ય એક સમયે ખૂબ જ નાની ઉંમરમાં ચૂંટણી જીત્યા બાદ સમાચારમાં હતા. તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે અને એકવાર AAPની પોસ્ટર ગર્લ બની હતી. આમ આદમી પાર્ટીએ તેમને ગૃહના ઉપાધ્યક્ષ પણ બનાવ્યા છે. આવી સ્થિતિમાં તે સીએમ પદ માટે પ્રબળ દાવેદાર બની શકે છે. આ સિવાય સોમનાથ ભારતીનું નામ પણ રેસમાં ચાલી રહ્યું છે. જોવાનું એ રહેશે કે કેજરીવાલ કોને આગળ કરે છે.

દલિત મુખ્યમંત્રી શા માટે?
AAPને ભાજપ-કોંગ્રેસની જેમ સવર્ણોની પાર્ટી માનવામાં આવે છે. તેના મોટાભાગના મહત્વના પદો પર સવર્ણ જાતિના જ નેતાઓ છે. જો કે આપની જે રાજ્યોમાં સરકારો છે તે અનુક્રમે પંજાબ અને દિલ્હીમાં અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા મોટી છે. એનું જ કારણ છે કે કેજરીવાલ પોતાના પક્ષથી લઈને આપના કાર્યાલયોમાં ડો. આંબેડકરનો ફોટો લગાવે છે. તેમને લાગે છે કે દલિતો માત્ર આંબેડકરનો ફોટો જોઈને રાજી રહેશે અને સત્તા સવર્ણ નેતાઓ ભોગવશે. પણ હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં આપનું ફરી એકવાર ખાતું ખૂલ્યું નથી અને તેની પાછળ દલિત મતદારોનો સિંહફાળો છે. 

દિલ્હીમાં દલિત મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. આપની જીતમાં દલિત મતદારોનો મોટો ફાળો છે, અહીં 17 ટકા દલિત મતદારો છે. એ જોતા કેજરીવાલ દલિત નેતાને સીએમ બનાવશે એવું અનુમાન છે. 2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપને કુલ દલિત મતો પૈકી 49 ટકા મતો મળ્યા હતા. જ્યારે આપને 25 ટકા દલિત મતો મળ્યા હતા. આ સિવાય કોંગ્રેસને પણ 24 ટકા મતો મળ્યા હતા. એ સ્થિતિમાં ફરી દલિત મતદારોનો પોતાની તરફ વાળવા આમ આદમી પાર્ટી દલિત નેતાને મુખ્યમંત્રી બનાવશે તો જરાય નવાઈ નહીં લાગે.

દિલ્હીમાં દલિત મુખ્યમંત્રી બને તો પંજાબમાં પણ ફાયદો થાય

દિલ્હીમાં દલિત ચહેરાને મુખ્યમંત્રી બનાવવા પાછળ આપની ગણતરી પંજાબમાં તેનો રાજકીય ફાયદો લેવાનો હોઈ શકે છે. પંજાબમાં પંજાબમાં 98 વિધાનસભા બેઠકો પર 20 થી 49 ટકા દલિતો મતદારો છે. કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીના રૂપમાં પ્રથમ દલિત મુખ્યમંત્રી આપ્યા હતા. પણ આપ સત્તામાં આવ્યા બાદ તેમણે 32 ટકા વસ્તી હોવા છતાં દલિત સીએમ બનાવવાનું ટાળ્યું હતું. જેને લઈને પંજાબમાં દલિતો આપથી ભારે નારાજ છે. રાજ્યની વસ્તીમાં દલિત સમુદાયનો હિસ્સો 32 ટકા છે અને પંજાબની 117 વિધાનસભા બેઠકોમાંથી 34 એસસી અનામત છે. આ બધું ગણિત ધ્યાનમાં રાખીએ તો કેજરીવાલ તેમના અનુગામી તરીકે કોઈ દલિત ચહેરાને પસંદ કરશે તો જરાય આશ્ચર્ય નહીં થાય.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.