250 દલિતોનો 1 મહિનાથી સામાજિક બહિષ્કાર, પણ નમે એ બીજા...
એક ગામમાં 250 દલિતોનો એક મહિનાથી સામાજિક બહિષ્કાર કરાયો છે, મામલો ન્યાયનો છે એટલે ડૉ. આંબેડકરનું લોહી એમ કંઈ થોડું નમતું જોખે?

Dalit Families Social Boycott: વર્ણો એમ માને છે કે દલિતો એમના ગુલામ છે. એમનો સામાજિક બહિષ્કાર કરીશું એટલે આપોઆપ નમતું જોખીને શરણે આવી જશે. પણ એમને હજુ ખબર નથી કે, બાબાસાહેબના સંતાનો જ્યારે સત્યના માર્ગે ચાલીને ન્યાય માંગવા નીકળે ત્યારે કોઈના બાપથી પણ ડરતા નથી. સદીઓથી જેઓ અનેક અભાવો વચ્ચે જીવતા આવ્યા હોય તેમનું આવા સામાજિક બહિષ્કારો શું કરી લે? એમના માટે ન્યાય અગત્યનો હોય છે અને તેના માટે તેઓ ગમે તેવી પરિસ્થિતિને સહન કરી લેવા તૈયાર હોય છે.
મામલો કર્ણાટકનો છે. અહીં એક ગામમાં દલિત દીકરીને એક સવર્ણ છોકરા સાથે પ્રેમ થઈ ગયો. છોકરાએ દીકરીને લગ્નની લાલચ આપીને સંબંધો બાંધ્યા, દીકરી ગર્ભવતી થઈ એ પછી પેલાએ તેની સાથે લગ્ન કરવાનું માંડી વાળ્યું. આ મામલે દીકરીના પિતાએ ફરિયાદ કરતા પોક્સો સહિતની કલમો હેઠળ છોકરાને પોલીસે જેલમાં ધકેલી દીધો છે. તેનો બાપ પૈસાદાર છે અને સામ-દામ-દંડ-ભેદ એમ કોઈપણ રીતે આ મામલો રફેદફે કરવા માંગે છે. આખા ગામ પર તેની અને તેની જાતિના લોકોની પકડ અને બહુમતી હોવાથી તેમણે સમસ્ત દલિત સમાજના બહિષ્કારનું એલાન કરી દીધું છે.
આજકાલ કરતા દલિતોના સામાજિક બહિષ્કારની ઘટનાને એક મહિનો વીતી ગયો છે, પણ ન્યાય માટે જંગે ચડેલા આ ગામના દલિતો જરાય નમતું જોખવા તૈયાર નથી. તેમની સ્પષ્ટ માંગણી છે કે, પેલા હલકટે જે કર્યું છે તેની તેને સજા થવી જોઈએ અને દલિત દીકરીને ન્યાય મળવો જોઈએ, તેના પછી ભલેને જે થવું હોય એ થાય.
કર્ણાટકના બપ્પારાગા ગામની ઘટના
ઘટના કર્ણાટકના યાદગીર જિલ્લાના બપ્પારાગા ગામની છે. બેંગલુરુથી લગભગ 500 કિમી દૂર આવેલા આ ગામની બે વસાહતોમાં લગભગ 250 દલિતો રહે છે. જેમનો ગામના સવર્ણોએ છેલ્લા એક મહિનાથી બહિષ્કાર કર્યો છે. સ્થિતિ એ છે કે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તો ઠીક, દલિત બાળકોને ભણવા માટે જરૂરી એવા પુસ્તકો અને પેન્સિલ પણ સવર્ણ દુકાનદારો આપતા નથી.
આ પણ વાંચો: રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?
ઘટનાના મૂળમાં એક દલિત સગીરાનું થયેલું જાતીય શોષણ છે. સગીરાના પરિવારે 23 વર્ષના એક સવર્ણ છોકરા પર તેમની દીકરીનું જાતીષ શોષણ કરવાનો કેસ કર્યો છે. જેને પાછો ખેંચી લેવા માટે આખા ગામના સવર્ણો એક થઈ ગયા છે અને દલિતોનો સામાજિક બહિષ્કાર કરીને મામલો રફેદફે કરવા માંગે છે. પણ દલિતો જરાય નમતું જોખવા તૈયાર નથી અને તેમણે "કેસ તો પાછો નહીં જ ખેંચાય, જે થતું હોય એ કરી લેવું" એમ સ્પષ્ટ વાત કરી દીધી છે. દલિતોના આવા મજબૂત મનોબળને કારણે હવે છોકરાના બાપ સહિત આખા ગામના સવર્ણો ઢીલા પડ્યાં છે.
15 વર્ષની દીકરી ગર્ભવતી થઈ, છોકરાએ લગ્નની ના પાડી
પોલીસ સૂત્રોનું કહેવું છે કે 15 વર્ષની છોકરી 23 વર્ષના સવર્ણ છોકરા સાથે રિલેશનશિપમાં હતી. છોકરાએ લગ્નના બહાને તેની સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા. જેના કારણે તે ગર્ભવતી બની હતી. સગીરા પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેણે તેના માતા-પિતાને આખી વાત કહી હતી. એ પછી દીકરીના પરિવારે પેલા છોકરાને વાયદા પ્રમાણે લગ્ન કરી લેવા કહ્યું, પણ છોકરાએ ના પાડી દીધી. ત્યાર બાદ સગીરાના માતા-પિતાએ 12 ઓગસ્ટે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો હતો.
POCSO એક્ટ હેઠળ છોકરાની ધરપકડ
ફરિયાદ બાદ પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરીને છોકરાની ધરપકડ કરી હતી. જેના કારણે ગામના તેની જાતિના લોકો દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. તેમણે સગીરાના માતા-પિતાને સમાધાન માટે બોલાવ્યા હતા. પણ દીકરીના માતા-પિતા આ મામલે પોલીસ કાર્યવાહી ઈચ્છતા હતા. જેના કારણે 13 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા આરોપી છોકરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેનાથી ગામના સવર્ણો એટલા નારાજ થયા હતા કે તેમણે દલિત પરિવારોનો સામાજિક બહિષ્કાર જાહેર કરી દીધો હતો.
250 દલિતોનો એક મહિનાથી સામાજિક બહિષ્કાર
લગભગ 250 દલિતો બેંગલુરુથી લગભગ 500 કિલોમીટર દૂર યાદગીરના બપ્પરગા ગામની બે વસાહતોમાં રહે છે, જેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. દલિતોને કરિયાણા અને સ્ટેશનરીની દુકાનો, મંદિરો, વાળંદની દુકાન અને સાર્વજનિક સ્થળોએ જવા દેવામાં આવતા નથી. બહિષ્કારની જાહેરાત કરવામાં આવી રહી હોવાની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સ્થિતિ એ છે કે, દલિત પરિવારોના બાળકો શાળા માટે પેન્સિલ અને પુસ્તકો ખરીદી શકતા નથી.
પોલીસ કહે છે સ્થિતિ સામાન્ય છે
13 ઓગસ્ટના રોજ POCSO એક્ટ હેઠળ આરોપી યુવક ચંદ્રશેખર હનમંતારાયની ધરપકડ પછી ગામના સવર્ણ જાતિના લોકોએ દલિતોના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી હતી. યાદગીરના એસપી સંગીતા જણાવ્યું હતું કે, ગામમાં હાલ શાંતિ છે. કોઈ અનિચ્છનિય ઘટના બની નથી અને સ્થિતિ સામાન્ય છે. તેમણે સવર્ણોને બહિષ્કાર જેવું અમાનવીય વર્તન બંધ કરવા અપીલ કરી હતી. જો કે હજુ સુધી તેમાં સમાધાન થયું હોય તેવા કોઈ સ્પષ્ટ સંકેતો મળ્યા નથી.
દલિતો ન્યાય મેળવવા અડગ
બીજી તરફ દલિત દીકરીને ન્યાય અપાવવા માટે સમગ્ર દલિત સમાજ એકસંપ જોવા મળી રહ્યો છે. સૂત્રોના મતે, મહિલાઓથી લઈને પુરૂષો, યુવાનો અને વડીલો તથા સમાજના આગેવાનો સુધીના સૌ કોઈ દલિત દીકરીને ન્યાય અપાવવા માટે મક્કમ છે અને તેના માટે જેમની પણ સામે બાથ ભીડવી પડે તેની સામે ભીડવાનું નક્કી કરી લીધું છે. આ તરફ કાયદાનો ગાળિયો કસાયો હોવાથી શરૂઆતમાં દાદાગીરી પર ઉતરી આવેલા સવર્ણો ઢીલા પડી ગયા છે અને હવે સમાધાનનો રસ્તો શોધી રહ્યાં છે.
આ પણ વાંચો: "યાદ રાખજે! જ્યાં મળીશ ત્યાં જ મારી નાખીશ" અને એવું જ થયું...
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Tulsi ChauhanYas
-
9624957913Lava