12 વર્ષના દલિત કિશોરને નગ્ન કરીને કહ્યું - 'ચાલ હવે ડાન્સ કર'
12 વર્ષના એક દલિત કિશોરને 6 લોકોએ નિર્વસ્ત્ર કરીને તેને હસતા હસતા ડાન્સ કરવા મજબૂર કર્યો હતો.
Child abuse:જાતિવાદી તત્વોને કોઈપણ મામલામાં જ્યારે સામેની વ્યક્તિ 'દલિત' છે તે જાણી જાય એ પછી તેના પર જુલમ કરવામાં તેઓ કોઈપણ હદે જતા શરમાતા નથી. દલિતો સાથે અત્યંત હલકી કક્ષાનું વર્તન કરતા પણ તેઓ ખચકાતા નથી. થોડા દિવસ પહેલા એક ગામમાં માથાભારે તત્વોએ 40 જેટલા દલિત બાળકોને સરકારી શાળામાં ભણતા બંધ કરાવી દીધા હતા. એ પછી એક શાળામાં દારૂના નશામાં ધૂત શિક્ષકે આદિવાસી વિદ્યાર્થીનીની ચોટલી કાપી નાખી હતી. હવે એક શહેરમાં દલિત કિશોરને ચોરીની શંકાએ લુખ્ખા તત્વોએ તેને નિર્વસ્ત્ર કરીને હસતા હસતા ડાન્સ કરવાની ફરજ પાડી હોવાની ઘટના સામે આવી છે.
ઘટના રાજસ્થાનના કોટાની છે. અહીં એક કાર્યક્રમ દરમિયાન વાયરની ચોરીની શંકામાં 6 લોકોએ એક દલિત કિશોરને પકડી, તેને નિર્વસ્ત્ર કરીને ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટના ગઈકાલની છે જેના વિશે પોલીસે જાણકારી આપી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને 6 લોકોની ધરપકડ કરી છે.
દલિત કિશોરને નિર્વસ્ત્ર કરીને ડાન્સ કરવા ફરજ પાડી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કિશોર ચાર-પાંચ લોકો સાથે ગીત પર ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો તેને હસતા હસતા ડાન્સ કરવા માટે મજબૂર કરી રહ્યા છે અને કિશોર તેમની બીકના કારણે પરાણે હસતા હસતા ડાન્સ કરી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે વીડિયો મળ્યા બાદ અને પીડિતાની ઓળખ થયા બાદ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે પીડિત પરિવારને ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી અને આરોપીઓ સામે કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: માથાભારે તત્વોના ત્રાસના કારણે 40 દલિત બાળકોએ ભણતર છોડી દીધું
પીડિત કિશોરના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ શુક્રવારે રાત્રે તેમનો પુત્ર કોટાના જીએડી સર્કલ ખાતે આયોજિત મેળામાં કોમેડીનો એક કાર્યક્રમમાં જોવા માટે ગયો હતો અને રાત્રે 1 થી 4 વાગ્યાની વચ્ચે લગભગ ચાર-પાંચ લોકોએ તેને ઘેરી લીધો હતો અને તારની ચોરીનો આરોપ લગાવી તેને મારવા લાગ્યા હતા.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
પોલીસે જણાવ્યું કે ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ તેમના પુત્રને કપડાં ઉતારીને ડાન્સ કરવા માટે મજબૂર કર્યો હતો અને તેનો વીડિયો બનાવ્યો હતો. જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા આખો મામલો સામે આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ(SC-ST Act) અને POCSO સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.
છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી
પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં આરોપી પિતા-પુત્ર સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ ક્ષિતિજ ગુર્જર(24) ઉર્ફે બિટ્ટુ, આશિષ ઉપાધ્યાય ઉર્ફે વિક્કુ (52), તેનો છોકરો યયાતિ ઉપાધ્યાય (24) ઉર્ફે ગુનગુન, ગૌરવ સોની (21), સંદીપ સિંહ (30) ઉર્ફે બન્નાશા અને સુમિત કુમાર સેન(25) તરીકે થઈ છે.
DSP મનીષ શર્માએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, આરોપીઓ એક મ્યૂઝિક કંપનીનો હિસ્સો હતા અને તેમને શંકા હતી કે દલિત કિશોરે તેમની મ્યૂઝિક સિસ્ટમમાંથી તાર ચોર્યા છે. જેથી તેમણે કિશોરને પકડીને માર માર્યા બાદ નિર્વસ્ત્ર કરીને હસતા હસતા ડાન્સ કરવાની ફરજ પાડી હતી અને તેનો વીડિયો ઉતાર્યો હતો. જો કે વીડિયો વાયરલ થયા પોલીસ હરકતમાં આવી હતી અને તમામ આરોપીઓને પકડીને તેમની સામે કેસ નોંધ્યો હતો. બાદમાં તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી આજીજી કરતો રહ્યો, સવર્ણ શિક્ષક પાઈપથી ફટકારતો રહ્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
the human beingBulldozer kya gayu