ગુજરાત મહિલા પરિષદને 5 વર્ષ પૂર્ણ થવા પર વાર્ષિક અધિવેશન યોજાયું

ગુજરાતમાં વંચિત સમાજની મહિલાઓ માટે જમીની લેવલ પર કામ કરતા આ સંગઠને આપબળે આગવી ઓળખ ઉભી કરી છે.

ગુજરાત મહિલા પરિષદને 5 વર્ષ પૂર્ણ થવા પર વાર્ષિક અધિવેશન યોજાયું
image credit - khabarantar.com

ગુજરાતમાં દલિત આદિવાસી અને ઓબીસી તથા લઘુમતી સમાજની મહિલાઓ માટે કામ કરતા સંગઠનો અનેક છે. એમાં કેટલાક તો એવા પણ છે જેના કર્તાહર્તા સવર્ણ પુરુષો છે અને એનજીઓ માફિયા તરીકે કુખ્યાત થઈ ચૂક્યા છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદમાં આજથી પાંચ વર્ષ પહેલા વંચિત સમાજમાંથી આવતી મહિલાઓએ મળીને ગુજરાત મહિલા પરિષદની સ્થાપના કરી હતી. આજે આ સંગઠનની મહિલાઓ વંચિત સમાજની મહિલાઓ માટે જમીની લેવલે કામ કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ થઈ છે. હાલમાં આ પરિષદને પાંચ વર્ષ પૂણ થયા છે અને તેનું વાર્ષિક અધિવેશન અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં યોજાઈ ગયું. જેમાં ગુજરાતભરમાંથી પરિષદની બહેનોને ઉપસ્થિત થઈ પોતાના કામકાજની પ્રગતિનો હિસાબ-કિતાબ મેળવ્યો હતો.

વર્ષ 2019માં શરૂઆત થઈ હતી

ગુજરાત મહિલા પરિષદ સ્થાપના 2019 માં કરવામાં આવી હતી. શરૂઆતના બે વર્ષોમાં કોરોના કાળ દરમિયાન મહિલાઓ તથા અન્ય ગરીબ/વંચિત સમુદાયના લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. એ સમયે અત્યાચારનો સિલસિલો ચાલુ રહ્યો, મહિલાઓ સાથે ઘરેલું હિંસા, જાતીય હિંસાનાં અને ખાસ કરીને આશિફા અને અંજલી જેવી નાની બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યાઓ કરવામાં આવી હતી.

એ મામલે મહિલા પરિષદ દ્વારા આવેદનપત્ર આપી, રેલી અને ધરણા યોજી લડત આપવામાં આવી હતી. ગુજરાત મહિલા પરિષદની પહેલી કાર્યશાળા અમરાઈવાડી ખાતે રાખવામાં આવી હતી અને બીજી કાર્યશાળા માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર સેન્ટ ઝેવિયર્સ કોલેજ કેમ્પસ ખાતે રાખવામાં આવી હતી. એ સિવાય અમદાવાદનાં અલગ અલગ વિસ્તારોમાં મહિલા જાગૃતિ મીટિંગો, શિબિરો, વર્કશોપ યોજવામાં આવ્યાં હતાં. અમરાઈવાડી અને બાપુનગરમાં મ્યુનિસિપલ સ્કૂલો તથા પ્રાઇવેટ સ્કૂલોમાં ધોરણ 6 થી 8 ની બાળાઓને પોક્સોની તાલીમ આપવામાં આવી હતી. સાથે સંગઠન દ્વારા 8 માર્ચ, માનવ અધિકાર દિવસ તથા મહાપુરૂષોની જન્મજયંતિ અને સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે.

હાલમાં જ મહિલા પરિષદને 5 વર્ષ પૂર્ણ થયા છે

તાજેતરમાં પરિષદનાં પાંચ વર્ષ પૂરા થતાં છે. એ નિમિત્તે તારીખ 10/11/24 નાં રોજ મહિલા અધિવેશન રાખવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ જિલ્લાના (શહેર, ગ્રામ્ય) નાં મહિલા આગેવાન, કર્મશીલો, મહિલા સંસ્થા/ સંગઠનો સાથે 126 લોકોએ ભાગ લીધો હતો.

સાંપ્રત સમયમાં આખાં ગુજરાતમાં મહિલાઓ સાથે અને નાની બાળકીઓ સાથે જાતિય હિંસાનાં બનાવો ખૂબજ વધી રહ્યા છે ત્યારે સૌ સાથે મળીને, સંકલન કરીને કામ કરવું  જોઈએ તેવા સંકલ્પ સાથે જરાત મહિલા પરિષદના ગામી આયોજનો વિશે આ અધિવેશનમાં ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત મહિલા પરિષદ સાથે કોણ કોણ સંકળાયેલું છે?

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મહિલા પરિષદ સાથે મંજુલા, પ્રદિપ, ડો. મિતાલી સમોવા, મધુબહેન કોરડિયા, ઉષાબહેન પરમાર, એડવોકેટ રત્નાબહેન વોરા જેવા બહુજન સમાજની અનેક પ્રતિભાશાળી અને હિંમતવાન મહિલાઓ સંકળાયેલી છે. આ તમામ મહિલાઓ કોઈ ઓળખાણની મહોતાજ નથી અને એટલે જ આ પરિષદ પાસેથી બહુજન સમાજને બહુ મોટી અપેક્ષા છે.

આ પણ વાંચો: ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું પાંચમું અધિવેશન યોજાયું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.