દલિત યુવકને માર્યો, પછી આંખો કાઢી લીધી અને ફાંસીએ લટકાવી દીધો?

ખેતરમાં કામ કરવા ગયેલા દલિત યુવકને પકડીને ઢોર માર માર્યો, તેની આંખો કાઢી લીધી અને પછી વડના ઝાડ પર ફાંસો બાંધીને લટકાવી દીધો.

દલિત યુવકને માર્યો, પછી આંખો કાઢી લીધી અને ફાંસીએ લટકાવી દીધો?
image credit - Google images

મધ્યપ્રદેશના છત્તરપુરમાં એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. અહીં એક દલિત યુવક ખેતરમાં કામ કરવા માટે ગયો હતો, જે સાંજ સુધી પરત ન ફરતા તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પણ કોઈ પતો મળ્યો નહોતો. થોડા દિવસ પછી ગામથી દૂર જંગલ વિસ્તારમાં તેની કોહવાઈ ગયેલી લાશ એક ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી હતી. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, ગામના કેટલાક જાતિવાદી તત્વો સાથે તેમને થોડા દિવસ પહેલા જ ઝઘડો થયો હતો. જેની દાઝ રાખીને તેમણે તેમના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો છે. 

દલિત વ્યક્તિના પરિવારજનોએ છતરપુર એસપી સાથે તેમની વ્યથા શેર કરી. પરિવારજનોનો આરોપ છે કે મૃતકને ખૂબ જ નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. પહેલા તેની આંખો કાઢી નાખવામાં આવી, પછી તે મરી જાય ત્યાં સુધી તેને માર મારવામાં આવ્યો હતો.

મામલો શું હતો?

15 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના છતરપુર જિલ્લાના બડામલહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દલિતો સાથે હિંસાની ઘટના સામે આવી હતી. ઇજાગ્રસ્તો પૈકી એક યુવક ગુમ થયો હતો. ચાલી ખંગાર નામના દલિતનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેના ગુમ થવાનો કેસ છતરપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. તેની સડી ગયેલી લાશ ગામ નજીકના જંગલમાં ઝાડ પર લટકતી મળી આવી હતી. મૃતદેહ જોતા સ્પષ્ટ થતું હતું કે તેના પર ખૂબ જ અત્યાચાર ગુજારવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પરિવારના સભ્યોએ આ કેસમાં કોંગ્રેસ નેતા પર પણ આરોપ લગાવ્યો છે અને એસપીને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો

થોડા દિવસ પહેલા જાતિવાદીઓ સાથે મારામારી થઈ હતી

બડામલહરા પોલીસ સ્ટેશનમાં આવતા બરમા ગામના રહેવાસી ભગીરથ ખંગાર, વીરેન્દ્ર ખંગાર, કપુરીબાઇ ખંગાર અને ચાલી ખંગાર જ્યારે ટેક્સી લઈને બહારગામ જઈ રહ્યા હતા ત્યારે ચાર લોકોએ તેમના પર લાકડીઓ લઈને હુમલો કરી માર માર્યો હતો. આ મામલે પીડિત દલિત પરિવારની ફરિયાદ પર બડામલહરા પોલીસે બર્મા ગામના રહેવાસી ત્રણ અને એક અન્ય શખ્સ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ અને મારામારીની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

બીજા દિવસે ચાલી ખંગાર ગુમ થયો

એ પછી બીજા દિવસે 16મી સપ્ટેમ્બરે ભગીરથનો પુત્ર ચાલી ખંગાર ખેતરમાં ગયો હતો, પરંતુ ઘરે પાછો આવ્યો ન હતો. પરિવારે પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો અને જિલ્લા એસપી અગમ જૈનને લેખિત અરજી આપી હતી.

મૃતકના પિતા અને ભાઈએ પોલીસ સાથે મળીને ગુમ થયેલા ચાલી ખંગારની જંગલમાં શોધખોળ હાથ ધરી હતી. શનિવારે શોધખોળ દરમિયાન તેમને તેનો મૃતદેહ નાળાની પાસે એક વડના ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. તે ચાલી ખંગાર છે તેનો ખ્યાલ તેના જૂતા પરથી આવ્યો હતો.

રોષે ભરાયેલા દલિતોએ રસ્તો બંધ કરી દીધો

બીજી તરફ પુત્રનું આ હાલતમાં મોત થતાં રોષે ભરાયેલા પરિવારજનોએ સેંધપા ગામમાં પોલીસ ચોકી સામે રસ્તા પર ચક્કાજામ કરીને તેને બંધ કરી દીધો હતો. પરિવારજનોનો આરોપ છે કે આરોપી રામપાલ ઘોષ, ગજેન્દ્ર સિંહ ઘોષ, નરેન્દ્ર સિંહ ઘોષ અને અન્ય એક વ્યક્તિએ મળીને તેમના દીકરા ચાલી ખંગારની હત્યા કરી છે. પરિવારજનોનો એવો પણ આક્ષેપ છે કે ચાલીની હત્યાને હવે આત્મહત્યામાં ખપાવવા પ્રયત્નો શરૂ થઈ ગયા છે. પોલીસ અધિકારીઓની એક કલાકની સમજાવટ અને પ્રયાસો બાદ જામ હટાવ્યો હતો. પોલીસે આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: કચ્છના મોટા રેહા ગામે દલિત યુવકની ભેદી હત્યા, બે દિવસ પછી પણ હત્યારા પોલીસ પકડથી દૂર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.