દેશના 30 મુખ્યમંત્રીઓમાં એક પણ દલિત મુખ્યમંત્રી કેમ નથી?
દેશના 30 મુખ્યમંત્રીઓમાં 4 બ્રાહ્મણ, 5 ઠાકુર, 7 ઓબીસી અને 4 આદિવાસી સમાજમાંથી છે, પરંતુ 20 ટકાથી વધુ વસ્તી ધરાવતા SC સમાજમાંથી એકેય નથી. શું છે તેની પાછળનું કારણ?
ભારતીય રાજકારણમાં જાતિ સમીકરણોનો પ્રભાવ હંમેશા ઊંડો રહ્યો છે. હાલમાં, દેશના ચાર રાજ્યોમાં બ્રાહ્મણ મુખ્યમંત્રીઓ છે દેવેન્દ્ર ફડણવીસ (મહારાષ્ટ્ર), હિમંતા બિસ્વા સરમા (આસામ), મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળ) અને ભજનલાલ શર્મા (રાજસ્થાન). અહીં એ ખાસ નોંધવું જોઈએ કે બ્રાહ્મણોની વસ્તી દેશની કુલ વસ્તીના 5% માંડ છે, તેઓ અપ્રમાણસર રીતે ટોચના પદો પર કબ્જો જમાવીને બેઠાં છે. પછી તે ભારતરત્ન એવોર્ડ હોય, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોય, કેન્દ્ર સરકારમાં સચિવનું પદ હોય કે પછી અન્ય મહત્વના પદ હોય, દરેક જગ્યાએ તેઓ અન્ય કોઈ સમાજના લોકોને પ્રવેશવા દેતા નથી.
એ જ રીતે ઠાકુર સમાજના 5 મુખ્યમંત્રીઓ છે. જેમાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી, હિમાચલ પ્રદેશના સુખવિંદર સિંહ સુખુ, મણિપુરના એન. બિરેન સિંહ અને દિલ્હીના આતિશીનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે બ્રાહ્મણ અને ઠાકુર સમાજો, જે પ્રમાણમાં ઓછી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓ સત્તા પર પ્રભુત્વ ધરાવે છે.
20 ટકા દલિત સમાજમાં નેતૃત્વનો અભાવ
ભારતમાં દલિત સમાજ દેશની કુલ વસ્તીના લગભગ 20% છે, પરંતુ હાલમાં કોઈ મુખ્ય પ્રધાન દલિત સમાજમાંથી નથી. 2022 માં, ચરણજીત સિંહ ચન્ની પંજાબના મુખ્યમંત્રી તરીકે દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, પરંતુ તેમના પદ પરથી ગયા પછી, દલિત નેતૃત્વ સાવ ખતમ થઈ ગયું છે. આ સ્થિતિ માત્ર ભારતીય રાજકારણની જ્ઞાતિની અસમાનતાને જ નહીં પરંતુ દલિત સમાજ પ્રત્યે રાજકીય પક્ષોની ઉદાસીનતા પણ દર્શાવે છે.
દલિત સમાજને ચૂંટણીના સમીકરણોને બેલેન્સ કરવા માટે એક વોટ બેંક તરીકે જોવામાં આવે છે, પરંતુ નેતૃત્વના સ્તરે તેમને પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાતને અવગણવામાં આવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોમાં ચોક્કસપણે દલિત નાયબ મુખ્યમંત્રી છે, પરંતુ આ પૂરતું નથી. એક દલિત મુખ્યમંત્રી ન માત્ર સમાજનો અવાજ બની શકે, પરંતુ દલિત અધિકારો અને સામાજિક ન્યાય માટે મજબૂત પહેલ પણ કરી શકે છે.
ઓબીસી અને આદિવાસી નેતૃત્વનો ઉદય
તાજેતરના વર્ષોમાં ઓબીસી અને આદિવાસી સમાજે રાજકીય સત્તામાં મજબૂત પ્રગતિ કરી છે. હાલ OBC સમાજના 6 મુખ્યમંત્રીઓ છે, જેમાં મુખ્ય નામ બિહારના નીતિશ કુમાર, કર્ણાટકના સિદ્ધારમૈયા અને હરિયાણાના નાયબ સિંહ સૈની મુખ્ય છે. એ જ રીતે, આદિવાસી સમાજના 4 મુખ્યમંત્રીઓ છે - ઝારખંડના હેમંત સોરેન, છત્તીસગઢના વિષ્ણુદેવ સાઈ, ઓડિશાના મોહન માંઝી અને નાગાલેન્ડના ને ફ્યૂ રિયો સત્તામાં તેમની ભૂમિકા ભજવી રહ્યા છે. આદિવાસી સમાજનું નેતૃત્વ સામાજિક ન્યાય તરફ સકારાત્મક સંકેત છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે રાજકીય પક્ષો દલિત સમાજને સમાન તકો કેમ આપતા નથી?
જાતીય વિવિધતા અને નાસ્તિક મુખ્યમંત્રીઓની ભૂમિકા
ભારતના રાજકારણમાં જાતીય અને ધાર્મિક વિવિધતા દર્શઆવતા અનેક મુખ્યમંત્રીઓ પણ છે. જમ્મુ અને કાશ્મીરના ઓમર અબ્દુલ્લા, પંજાબના ભગવંત માન, મેઘાલયના કોનરાડ સંગમા અને અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ જેવા લઘુમતી સમાજના નેતાઓ ભારતીય રાજકારણની વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. એ જ રીતે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયન પોતાને નાસ્તિક અને જાતિ વ્યવસ્થાના વિરોધી ગણાવે છે. તેમની પ્રગતિશીલ વિચારસરણી સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે પ્રેરણારૂપ છે.
દલિત નેતૃત્વ: ભારતીય લોકશાહીની જરૂરિયાત
ભારતીય લોકશાહીની સફળતા ત્યારે જ શક્ય છે જ્યારે તે તમામ સમાજોને સમાન પ્રતિનિધિત્વ આપે. દલિત મુખ્યમંત્રીની ગેરહાજરી ભારતીય લોકશાહીની ઊંડી ખામીઓને દર્શાવે છે. એક દલિત મુખ્યમંત્રી માત્ર દલિત સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે સમાનતા અને સમરસતાનું પ્રતીક બની રહેશે.
રાજકીય પક્ષોએ જ્ઞાતિ સમીકરણોથી ઉપર ઊઠીને દલિતોને નેતૃત્વની તકો પૂરી પાડવી જોઈએ. જ્યારે દલિત મુખ્યમંત્રી સત્તામાં હશે, તો નીતિઓ અને યોજનાઓ સીધી દલિતો અને અન્ય વંચિત સમાજોના ઉત્થાન પર કેન્દ્રિત હશે. સામાજિક ન્યાયની દિશામાં આ એક મોટું પગલું હશે.
દલિત મુખ્યમંત્રીઃ મજબૂત લોકશાહી માટે જરૂરી
ભારતીય રાજનીતિએ જાતિગત સમીકરણોથી ઉપર ઊઠીને દલિત સમુદાયને મજબૂત નેતૃત્વ પૂરું પાડવું પડશે. આનાથી સમાજમાં પ્રવર્તતી અસમાનતા તો દૂર થશે જ, પરંતુ લોકશાહી પણ મજબૂત થશે. સામાજિક ન્યાય, સમાનતા અને સંવાદિતાના પાયા પર આધારિત દલિત મુખ્યમંત્રીની પસંદગી ભારતીય લોકશાહી માટે એક ઐતિહાસિક પગલું હશે.
આ પણ વાંચો: સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ