15 દિવસમાં જમીનનો કબ્જો સોંપો, નહીંતર આંદોલન કરીશું - દલિત અધિકાર મંચ કચ્છનું કલેક્ટરને અલ્ટિમેટમ
કચ્છમાં ટોચમર્યાદા ધારા અને સાંથણી હેઠળ અનુસૂચિત જાતિઓની મંડળીઓની હજારો એકર જમીનોનો વાસ્તવિક કબ્જો સોંપાયો નથી. હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મામલો હાથ પર લીધો છે.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છની ટીમે દ્વારા હાલમાં જ વર્ષો પહેલા અનુસૂચિત જાતિઓની મંડળીઓને ફાળવવામાં આવેલી જમીનોનો વાસ્તવિક કબ્જો તેમને ફાળવાયો ન હોવાના મુદ્દે કચ્છ જિલ્લા કલેક્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કચ્છ જિલ્લાના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી સાથે એડવોકેટ સુબોધ કુમુદ અને કમલેશ કટારિયાએ મંડળીઓને ફાળવેલી જમીનોની યાદી સાથે કલેક્ટરને તેનો વાસ્તવિક કબ્જો તેમને સોંપવા માટે રજૂઆત કરી હતી.
આ મુલાકાતમાં કલેક્ટરે આગામી 15 દિવસમાં મંડળીઓને ફાળવાયેલી જમીનનો વાસ્તવિક કબ્જો સોંપવાની કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી હતી. દરમિયાન, દલિત અધિકાર મંચની ટીમે એવી ચેતવણી પણ આપી હતી કે જો કલેક્ટર દ્વારા આપવામાં આવેલી બાંહેધરી મુજબ કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં હજારો એકર જમીન જે તે સમયે ટોચ મર્યાદા ધારા અને સાંથણી હેઠળ અનુસૂચિત જાતિની મંડળીઓને ફાળવવામાં આવી હતી, પરંતુ તેના સ્થળ પર પ્રત્યક્ષ કબ્જા સોંપવામાં આવ્યા નથી. અહીં જાતિવાદી માથાભારે તત્વો દલિતોના હકની જમીનો પર ગેરકાયદે દબાણ કરીને કબ્જો જમાવીને બેઠાં છે. તેમ છતાં સરકાર દ્વારા આ મામલે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. તેથી આ મામલે કલેક્ટરને રજૂઆત કરાઈ છે.
આ મામલે એડવોકેટ સુબોધ કુમુદે ખબરઅંતર.કોમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં હજારો એકર જમીન જે તે સમયે ટોચ મર્યાદા ધારા અને સાંથણી હેઠળ અનુસૂચિત જાતિઓની મંડળીઓને ફાળવવામાં આવી હતી. પણ સ્થાનિક માથાભારે તત્વો દલિતોની મંડળીઓની આ જમીનો પર દબાણ કરી ગેરકાયદે કબ્જો જમાવીને બેઠાં છે.
દલિત અધિકાર મંચ આ તમામ જમીનો પરનો વાસ્તવિક કબ્જો તેની અસલી માલિક એવી દલિત મંડળીઓને અપાવવા માટે પ્રયત્નશીલ છે. તેના માટે જરૂરી દસ્તાવેજો એકઠાં કરીને પુરાવા સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટરે 15 દિવસમાં આ કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી છે. જો એ મુજબ કામ નહીં થાય તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આંદોલન કરીને પણ આ જમીનો તેના અસલી માલિકોને અપાવશે.
ઉલ્લેખનીય છે કે, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નેતૃત્વ હેઠળનું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન તેની જમીન સાથે જોડાયેલી કામગીરીને લઈને જાણીતું છે. ગુજરાતમાં દલિતોને સરકાર દ્વારા ફાળવાયેલી જમીનો પર વર્ષોથી જાતિવાદી માથાભારે તત્વો અડિંગો જમાવીને બેસી ગયા હોય તે જમીનોનો વાસ્તવિક કબ્જો આ સંગઠન કાયદાકીય રાહે તેના અસલી માલિકોને સોંપવામાં મદદરૂપ થાય છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમનું સંગઠન જમીની સ્તરે કાર્યરત છે. અત્યાર સુધીમાં આ સંગઠનના મજબૂત સામાજિક કાર્યકરોએ અનેક દલિતોને તેમના હકની જમીનોનો વાસ્તવિક કબ્જો અપાવ્યો છે.
આગળ વાંચોઃ 2013 પછીથી દલિત, આદિવાસીઓ સામેના ગુનાઓમાં 46% અને 48%નો વધારો થયો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.