રાજકીય પાવરહાઉસ ગણાતી અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠક પર ‘મકવાણા Vs. મકવાણા’નો જંગ

ગુજરાતના રાજકારણમાં રાજકીય પાવરહાઉસ ગણાતી અમદાવાદ પશ્ચિમ એસસી અનામત બેઠક પર આ વખતે બે મકવાણા અટકધારી ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જાણો કોણ છે બંને ઉમેદવારો અને કેવું છે આ બેઠકનું રાજકીય ગણિત.

રાજકીય પાવરહાઉસ ગણાતી અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠક પર ‘મકવાણા Vs. મકવાણા’નો જંગ
image credit - Google images

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે અને રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કરીને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. માન્યવર કાંશીરામ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરે સામાજિક ન્યાય માટે સત્તાને માસ્ટર કી ગણાવી છે ત્યારે દલિત, આદિવાસી, લઘુમતી અને ઓબીસી સમાજ પણ હવે રાજકીય જંગમાં યથાશક્તિ પોતાનું યોગદાન આપી રહ્યો છે. જો કે, આ તમામ સમાજ જાતિ અને ધર્મના નામે વેરવિખેર હોવાથી હજુ પણ મુઠ્ઠીભર કથિત સવર્ણો તેમને સત્તાની ખુરશીથી દૂર રાખવામાં સફળ રહ્યો છે. બાબાસાહેબની કૃપાથી મળેલી રાજકીય અનામતના કારણે જો કે હજુ પણ દેશભરમાં એવી કેટલીક બેઠકો છે જ્યાં દરેક મોરચે સવર્ણોનો દબદબો હોવા છતાં ચૂંટણીમાં દલિત કે આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ કરવાની તક મળે છે. આવી જ એક ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક એટલે અમદાવાદ પશ્ચિમ, જ્યાં આ વખતે બે મકવાણા અટક ધરાવતા અનુસૂચિત જાતિના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. ભાજપે વર્તમાન સાંસદ ડૉ. કિરીટ સોલંકીનું પત્તું કાપીને દિનેશ મકવાણાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસ તરફથી ભરત મકવાણા મેદાનમાં છે. કેવું છે આ બેઠકનું રાજકીય ગણિત અને ભૂતકાળ તેના પર નજર કરીએ.

આ પણ વાંચોઃ એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?

વર્ષ 2009માં અસ્તિત્વમાં આવેલી બેઠક
ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ લોકસભા બેઠકો પૈકીની એક ગણાતી અમદાવાદ પશ્ચિમની બેઠક વર્ષ 2008ના નવા સીમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવી હતી. પહેલેથી જ અનુસૂચિત જાતિ માટે અનામત રહેલી આ બેઠક પર 2009માં પહેલી ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર ડૉ. કિરીટ સોલંકીનો વિજય થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીની ત્રણ ટર્મથી તેઓ આ બેઠક પર જીતતા આવ્યા હતા. જો કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને કૉંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારે સારી એવી ટક્કર આપી હતી. તેમ છતાં ડૉ. કિરીટ સોલંકી 3 લાખથી વધુ મતોથી વિજેતા થયા હતા.


આ વખતે મકવાણા વિ. મકવાણાનો જંગ
છેલ્લી ત્રણ ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના કિરીટ સોલંકીનો વિજય થયો છે. ત્રણેય વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવારો (શૈલેષ પરમાર, ઈશ્વર મકવાણા અને રાજુ પરમાર)ને હરાવ્યા હતા. આ બેઠક પર દલિત સમાજના પણ સારા એવા મતો હોવાથી બીએસપી, આપ, અપક્ષ અને નોટામાં પણ ઘણાં મતો પડે છે. એ સ્થિતિમાં થોડા અમથા મતો પણ નિશ્ચિત મનાતી જીતને હારમાં પરિવર્તિત કરી શકે છે. રાજકીય પાવરહાઉસ ગણાતી આ બેઠકમાં મોટાભાગે પૂર્વ અમદાવાદનો વિસ્તાર આવે છે. જેમાં અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, અસારવા અને દાણીલીમડા વિધાનસભાના મતવિસ્તારનો સમાવેશ થાય છે. પશ્ચિમ અમદાવાદની એકમાત્ર એલિસબ્રીજ વિધાનસભા બેઠક જ આ લોકસભામાં આવે છે. પશ્ચિમ અમદાવાદની આ બેઠકમાં અસારવા અને દાણીલીમડા એમ બે અનુસૂચિત જાતિની વિધાનસભા બેઠકો પણ આવે છે. સંપૂર્ણ શહેરી વિસ્તારના મતદારો ધરાવતી આ બેઠકમાં ગત ચૂંટણીમાં 60.37 ટકા જેટલું મતદાન થયું હતું.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિ.માં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હુમલાખોરોએ લગાવ્યા ‘જયશ્રી રામ’ના નારા


કોણ છે ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા?
ભાજપે ડૉ. કિરીટ સોલંકીનું પત્તું કાપીને જેમને ટિકીટ આપી છે તે દિનેશ મકવાણા અગાઉ બે વખત અમદાવાદના ડેપ્યુટી મેયર રહી ચૂક્યાં છે. રાજકીય સફરની શરૂઆતમાં તેઓ નરોડા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. 54 વર્ષના દિનેશ મકવાણા છેલ્લાં 37 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર છે અને 5 ટર્મ સુધી કાઉન્સિલર પણ રહી ચૂક્યાં છે. 1991થી 1995 સુધી તેઓ ભાજપની અસારવા મંડળ સમિતિના મંત્રી હતા. એ પછી 2020 સુધી ચાર ટર્મ દરમિયાન સૈજપુર બોઘા વોર્ડથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એ દરમિયાન 2013થી 2021 સુધી તેઓ ગુજરાત ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ પણ રહ્યાં અને 2022થી ભાજપના પ્રવક્તા તરીકે કાર્યરત હતા. હવે ભાજપે તેમને સીધી લોકસભાની ટિકિટ આપી છે. બીએ. એલ.એલ.બીનો અભ્યાસ કરી ચૂકેલા દિનેશભાઈ કોદરભાઈ મકવાણા દલિત વણકર સમાજમાંથી આવે છે.


કૉંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા કોણ છે?
અમદાવાદ પશ્ચિમ બેઠક પર મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી છે. તેમનો પરિવાર વર્ષોથી કૉંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે. ભરત મકવાણાના માતા શાંતાબેન મકવાણા સોજિત્રા વિધાનસભા બેઠક પરથી ત્રણવાર ધારાસભ્ય ચૂંટાયા હતા અને માધવસિંહ સોલંકીની સરકારમાં બે વાર મંત્રી પણ રહ્યાં છે. ભરત મકવાણા પણ સોજિત્રા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે તેમના પિતા યોગેન્દ્ર મકવાણા ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યાં છે. 60 વર્ષના ભરત મકવાણાએ પણ તેમના હરિફની જેમ કાયદાની ડિગ્રી મેળવી છે. કૉંગ્રેસના કિસ્સામાં થાય છે મીડિયામાં જેટલી પ્રસિદ્ધી અને માહિતી ભાજપના ઉમેદવારની મળે છે, તેટલી કૉંગ્રેસના ઉમેદવારને લઈને મળતી નથી. આવું ભરત મકવાણાના કિસ્સામાં પણ જોવા મળે છે.

દલિત-મુસ્લિમ સમાજના 12 ટકા મતો નિર્ણાયક
હાઈપ્રોફાઈલ અમદાવાદ પશ્ચિમ બેઠકના મતદારો અને જાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં અમરાઈવાડી વિસ્તારમાં સૌથી વધુ 2.87 લાખ મતદારો છે, જ્યારે દરિયાપુરમાં સૌથી ઓછાં 2.05 લાખ મતદારો છે. જેન્ડર પ્રમાણે વાત કરીએ અહીં 8.82 લાખ પુરુષ, 8.28 લાખ મહિલા અને 69 ટ્રાન્સજેન્ડર્સ મળીને કુલ 17.11 લાખ મતદારો થાય છે. આ આંકડો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 16.43 લાખ હતો. જો જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર પટ્ટણી, ઠાકોર, જૈન, પ્રજાપતિ સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. આ સિવાય પાટીદાર અને ક્ષત્રિય મતદારોની સંખ્યા પણ સારી એવી છે. જો કે સૌથી નિર્ણાયક મતો દલિત અને મુસ્લિમ સમાજના માનવામાં આવે છે, જે 12 ટકા આસપાસ થવા જાય છે. જોવાનું એ રહે છે કે ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર કૉંગ્રેસ કોઈ ઉલટફેર કરી શકે છે કે કેમ. 

આગળ વાંચોઃ હળપતિ આદિવાસી સમાજના યુવાનોએ મજૂરી કરીને એકઠાં કરેલા રૂપિયામાંથી ગામમાં લાઈબ્રેરી બનાવી

આ પણ વાંચોઃ EXCLUSIVE: અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.