હળપતિ આદિવાસી સમાજના યુવાનોએ મજૂરી કરીને એકઠાં કરેલા રૂપિયામાંથી ગામમાં લાઈબ્રેરી બનાવી

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના છીણમ ગામના જાગૃત યુવાનોએ ફંડ એકઠું કરીને વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી બનાવી રહ્યાં છે.

હળપતિ આદિવાસી સમાજના યુવાનોએ મજૂરી કરીને એકઠાં કરેલા રૂપિયામાંથી ગામમાં લાઈબ્રેરી બનાવી

જો વર્તમાન પરિસ્થિતિમાં કોઈ યુવક આવીને તમને એમ કહે કે, “મારે ગામમાં લાઈબ્રેરી બનાવવી છે, આ લો મારા તરફથી આટલું ફંડ” તો તમારી પ્રતિક્રિયા શું હોય? આજે જ્યારે કોઈ સ્માર્ટફોનની સ્ક્રીનની બહાર જોવાની તસ્દી પણ લેતું નથી, પુસ્તક વાંચનનું પ્રમાણ દિન-પ્રતિદિન ઘટતું જઈ રહ્યું છે ત્યારે કોઈ ગામના યુવાનો જો લાઈબ્રેરી બનાવવા માટે થઈને મજૂરી કરીને ફંડ એકઠું કરે તો તમે માનો ખરા? પહેલીવારમાં માનવામાં ન આવે તેવી આ વાત છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના છીણમ ગામની, જ્યાં ગામના જાગૃત યુવાનોએ ફંડ એકઠું કરીને વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી બનાવી રહ્યાં છે. આ પુસ્તકાલય બની ગયા પછી ગામના વિદ્યાર્થીઓએ વાંચવા અને ભણવા માટે બહાર નહીં જવું પડે.

ગુજરાતમાં નવસારીને એક પછાત જિલ્લો ગણવામાં આવે છે, પણ અહીંના છીણમ ગામે પ્રગતિશીલતાનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ગામના જાગૃત યુવાનોએ ઘરઆંગણે લાઈબ્રેરી તૈયાર કરવા માટેની એક ઝુંબેશ શરૂ કરી હતી. જે અંતર્ગત તેઓ ફંડ એકઠું કરી રહ્યાં હતા. તેના માટે તેમણે મજૂરી કરીને રૂ. 51 હજાર જેટલી રકમ એકઠી કરી હતી. હવે આ રકમ અને ગામલોકો દ્વારા મળેલા ફંડમાંથી આદિવાસી હળપતિ સમાજના યુવાનો લાઈબ્રેરીનું નિર્માણ કરી રહ્યાં છે. 

આ પણ વાંચો : એક આદિવાસી મહિલા, જેણે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું

હાલ છીણમના વિદ્યાર્થીઓને ભણવા માટે અન્ય સ્થળોએ જવું પડે છે. જેના કારણે તેમનો ઘણો સમય આવવા જવામાં વેડફાઈ જાય છે. ઘણીવાર બહાર જવાની યોગ્ય સગવડ ન મળતા તેમનો આખો દિવસ બગડે છે. આવી સ્થિતિમાં તેમને વાંચવા માટે જરાય સમય મળતો નથી. આ સમસ્યાનું કાયમી સમાધાન પોતાના ગામમાં જ પુસ્તકાલય હોય તો જ આવી શકે તે સમજી ચૂકેલા આદિવાસી યુવાનોએ આ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા હતા. તેના માટે તેમણે ખેતમજૂરી કરી, વિવિધ પ્રસંગોમાં પીરસવાનું કામ કર્યું. આ રીતે રૂ. 51 હજાર જેટલી રકમ તેમણે એકઠી કરી હતી. જો કે આટલી રકમથી લાઈબ્રેરી તૈયાર ન થાય, આથી તેમણે હળપતિ સમાજના આગેવાનો પાસે મદદ માંગી. તેમણે ખૂટતી રકમ પુરી પાડી. હવે આ યુવાનોની મજૂરીના રૂપિયા અને હળપતિ  સમાજ  સેવા મંડળ દ્વારા આપવામાં આવેલા ફંડથી ગામમાં જ લાઈબ્રેરી નિર્માણ થઈ રહી છે, જે તૈયાર થઈ ગયા પછી ગામના 80 જેટલા વિદ્યાર્થીઓને ભણવાની સુવિધા મળી રહેશે. હાલ છીણમ ગામના યુવાનો લાઈબ્રેરીનું પોતાનું સપનું પૂર્ણ કરવા માટે રાતદિવસ જોયા વિના મહેનત કરી રહ્યાં છે. લાઈબ્રેરીનું મકાન તૈયાર થઈ રહ્યું છે અને આગામી એક મહિનામાં તે બનીને તૈયાર થઈ જશે, એ પછી તેનું ઉદ્ઘાટન કરીને લોકાર્પણ કરવામાં આવશે.

હળપતિ સેવા સમાજ મંડળ જલાલપોરના પ્રમુખ અને સામાજિક કાર્યકર યતીન રાઠોડે એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ગામના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પડતી સમસ્યાઓની એકવાર અમારા મંડળની મીટિંગમાં ચર્ચા થઈ હતી. જેને કાર્યકરોએ વધાવી લીધો હતો. એ પછી યુવાનોએ પોતાની રીતે મહેનત મજૂરી કરીને રૂ. 51 હજાર ભેગાં કર્યા હતા. આ સિવાયની રકમ ગામલોકોએ અને સમાજના આગેવાનોએ આપી હતી. એ રીતે હવે લાઈબ્રેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અડધું ગામ થઈ ગયું છે અને બાકીનું થઈ રહ્યું છે, જે આવતા એક મહિનાની અંદર થઈ જશે. એ પછી લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરીને લોકાર્પણ કરીશું. અમે યુવાનોના મજૂરી કરીને એકઠાં કરેલા રૂપિયા સિવાય બીજું રૂ. 1.50 લાખનું ફંડ ભેગું કર્યું છે. જેમાંથી આ કામ પૂર્ણ કરીશું.

ઉલ્લેખનીય છે કે, છીણમમાં આદિવાસી હળપતિ સમાજના 200થી વધુ ઘરો આવેલા છે અને તેમાં મોટાભાગના યુવાનો મજૂરીકામ કરે છે. ત્યારે આગામી પેઢી પણ તેમની જેમ મજૂરી કરવામાં જ ન રહી જાય અને ભણગણીને આગળ વધે તે માટે આદિવાસી હળપતિ સમાજના જાગૃત લોકોએ આ પહેલ કરી છે.

આ પણ વાંચો :  કુછ બોલતા હું તો કહેતે હૈ નક્સલી, હક માંગતા હું તો કહેતે હૈ નક્સલી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.