કવિ વજેસિંહ પારગીના ત્રીજા કાવ્યસંગ્રહ ‘ડાગળે દીવો’નું કલેશ્વરની મેળામાં વિમોચન
આદિવાસી સમાજ સાથે સમસ્ત ગુજરાતી સાહિત્ય જગતનું ગૌરવ એવા વજેસિંહ પારગીના કાવ્યસંગ્રહ ‘ડાગળે દીવો’નું ગઈકાલે કલેશ્વરીના મેળામાં વિમોચન કરાયું હતું,
આદિવાસી સમાજ સાથે સમસ્ત ગુજરાતી સાહિત્ય જગતનું ગૌરવ એવા વજેસિંહ પારગીના કાવ્યસંગ્રહ ‘ડાગળે દીવો’નું ગઈકાલે કલેશ્વરીના મેળામાં વિમોચન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વજેસિંહના પરિવારજનો, મિત્રો, સ્નેહીઓ અને ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વજેસિંહ પારગીએ ગત 23 સમ્ટેમ્બર 2023ના આપણી વચ્ચેથી સદેહે આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. એ પહેલાં તેમણે જે સર્જન કર્યું હતું તેને શોધી શોધીને આ પુસ્તક તૈયાર કરાયું છે. તેમના મિત્રો વિનુભાઈ બામણીયા, ઉમેશ સોલંકી અને કનુભાઈ પટેલે વજેસિંહને આ પુસ્તક થકી યોગ્ય અંજલિ આપી છે.
વજેસિંહનો આ ત્રીજો કાવ્યસંગ્રહ છે. અગાઉ તેઓ ‘આગિયાનું અજવાળું’ અને ‘ઝાકળનાં મોતી’ જેવા બે મજબૂત કાવ્યસંગ્રહો આપીને ગયા છે. ‘ડાગળે દીવા’ તેમનો ત્રીજો કાવ્યંસગ્રહ છે, જેમાં તેમણે એક આદિવાસી તરીકે અનુભવેલી દુનિયાને શબ્દોમાં ઉતારી છે.
આ પણ વાંચો : જાણીતા દલિત વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીની લઘુનવલ ‘નદી અને કિનારો’નો વિમોચન કાર્યક્રમ યોજાયો
જાણીતા લેખક, વજેસિંહના મિત્ર અને આદિવાસી એકેડમી તેજગઢના પૂર્વ ડિરેક્ટર કાનજીભાઈ પટેલ વજેસિંહના અંતિમ દિવસો સુધી તેમના સંપર્કમાં હતા. એ દિવસો યાદ કરતા તેઓ કહે છે, “ એક દિવસ વજેસિંહનો વોટ્સએપ મેસેજ આવ્યો. લખ્યું હતું, ‘સાહેબ, જિંદગીનો લય ખોરવાઈ ગયો છે. કશું સમજાતું નથી. બધું અર્થહીન થઈ ગયું લાગે છે. ઓછી પીડાવાળું જીવન ઝંખ્યું પણ જીવવું પડે છે પીડાથી ભરચક. હિંદી અનુવાદ વાંચ્યો સાહેબ. બરાબર કસ કાઢ્યો છે. ખૂબ ખૂબ આભાર. હવે મારા બાકીનાં કાવ્યો ડાગળે દીવો કરવાનો છે એ તમારે જ કરવાનો છે.’ – અવસાન પહેલા વજેસિંહે આ પ્રકારનો મેસેજ મને કરેલો. જે તેમનો અંતિમ મેસેજ બની રહેલો. એમના બે કાવ્યસંગ્રહ 'આગિયાનું અજવાળું' અને 'ઝાકળનાં મોતી'નાં એમનાં ટૂંકાં પણ અસરકારક કાવ્યો ગુજરાતી કાવ્યરસિકોનું ધ્યાન ખેંચે છે. એમણે પંચમહાલી ભીલી ભાષામાં પણ ખુબ ચોટદાર અને આદિવાસી પ્રત્યેના અન્યાય અને પોતાના દારુણ, વિકટ જીવનને આલેખતાં કાવ્યો લખ્યાં છે. એમાંનાં કેટલાંક અનન્ય કાવ્યોનો PARI વેબસાઈટ પર અનુવાદ, લેખ સહિત વજેસિંહના અવસાન પૂર્વે અને પછી પ્રગટ કર્યાં. દેશના અનેકાનેક ભાવકોએ એમની કવિતાને અનુવાદરુપે માણી વખાણ્યાં છે. વીરલ જોડણીજ્ઞાતા જ નહિ અસામાન્ય શબ્દ સુઝ ધરાવતા આ સાહિત્યકારનો આદર્શ હતા મહાત્મા ગાંધી. સાહિત્ય, સમાજ અને વ્યવસાયમાં એમને થતા અન્યાય સામે એકલા હાથે એક શ્રમિક આદિવાસીને ગૌરવ અપાવતા, લડતા રહ્યા હતા. આવા વીરલ આદિવાસીની જીવન અને શબ્દપ્રીતિ મને સ્પર્શી ગઈ. એમનાં અગ્રંસ્થ કાવ્યો ધરાતલના લોકના, આદિવાસીના કલેશ્વરી મેળામાં લોકોની હાજરીમાં લોકાર્પિત થાય એ વિચાર એમના કવિત્વને અંજલિ આપવા માટે થયો. એમના છેલ્લા કવનના સંગ્રહ 'ડાગળે દીવો' આદિવાસી જીવનની વિકટતા, ઓછા પ્રકાશ અને વધુ અંધકારને વ્યક્ત કરે છે. ઝિંદાદિલ અને ખુદ્દારી, અદના અને એકલવીરતાના સંઘર્ષને પ્રગટ કરે છે. એ શીર્ષક એમણે જ સૂચવ્યું હતું. આગામી વર્ષમાં એમના સંઘર્ષમય અને સત્યાગ્રહી જીવન વિશે એક પુસ્તક પ્રગટ કરવામાં આવશે. હતાશા અને શૂન્યતાનો ગજબ ઉદઘોષ એમના પ્રકોપપૂર્ણ સર્જનનો મુખ્ય સ્વર છે. બિંદુમાં સિંધુ ભરીને એમણે નાની નાની તમામ કવિતાઓ કરી છે. ચાર છ લીટીની કવિતાઓમાં એમણે જે કથનની કમાલ કરી છે એ રીતનું એમનામાં જ્વલંત ઉદાહરણ મળે છે.”
ઉલ્લેખનીય છે કે, વજેસિંહ પારગીના આ પુસ્તકને તૈયાર કરવા માટે વિનુભાઈ બામણીયા, ઉમેશ સોલંકી સહિતના તેમના મિત્રો, પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી છે. તેમણે અલગ અલગ પ્લેટફોર્મ પર રજૂ થયેલી તેમની કવિતાઓને સંકલિત કરી હતી, ફેસબૂક જેવા સોશિયલ મીડિયામાં વિખરાઈને પડેલી રચનાઓને શોધી કાઢી હતી. એ રીતે ભારે જહેમત બાદ આ કાવ્યસંગ્રહ તૈયાર થયો છે. સવર્ણોની મોનોપોલી ધરાવતા ગુજરાતી સાહિત્ય જગતમાં વજેસિંહ જેવા આદિવાસી સમાજમાંથી આવતા હીરાના મૂલ કોણ કરે? એ બાબતને બરાબર સમજતા તેમના મિત્રોએ વજેસિંહના અવસાન બાદ તેમના મનગમતા કલેશ્વરીના મેળામાં તેમના આ કાવ્યસંગ્રહનું વિમોચન કરીને તેમને ખરી અંજલિ અર્પણ કરી છે.
વજેસિંહ પારગીનો કાવ્યસંગ્રહ ‘ડાગળે દીવો’ મેળવવા માટે કાનજીભાઈ પટેલ (Mo. 94262 22534) તથા વિનુભાઈ બામણીયા (Mo. 97274 50754) નો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો : દક્ષિણ બજરંગે છારા નિર્દેશિત Documentary ફિલ્મ 'મ્હારા પિચર' Dharamshala ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.