દક્ષિણ બજરંગે છારા નિર્દેશિત Documentary ફિલ્મ 'મ્હારા પિચર' Dharamshala ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે
અમદાવાદના પ્રતિભાશાળી ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર અને ‘સમીર’ જેવી સુપરહિટ બોલીવૂડ ફિલ્મના ડિરેક્ટર દક્ષિણ બજરંગે છારા વધુ એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા છે. તેમના દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘MHARA PICHCHAR’ DHARAMSHALA આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થવા જઈ રહી છે. વર્ષોથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા છારા સમાજ માટે તન-મન-ધનથી કામ કરતા દક્ષિણભાઈની આ ફિલ્મ કોરોનાકાળમાં દલિત, આદિવાસી અને વિચરતી વિમુક્ત જાતિના લોકોએ કેવી કેવી હાલાકીઓ ભોગવવી પડી તેનું દસ્તાવેજીકરણ છે.
આ ફિલ્મની ખાસિયત એ છે કે અમદાવાદના છારાનગર વિસ્તારમાં રહેતા 8 લોકોએ તેને તૈયાર કરી છે, જેમાં કોરોનાકાળમાં જેમણે પોતાના પરિવારો ખોયા છે અથવા તો હજારો કિલોમીટર ચાલીને વતન જવા મજબૂર બન્યા હતા તેવા વંચિત સમાજના લોકોની વાત છે. આ ફિલ્મ છારાનગરમાં જ વસતા 8 જેટલા ફિલ્મમેકરોએ કોરોનાકાળ દરમિયાન મર્યાદિત સંસાધનોની મદદથી વીડિયો પોસ્ટકાસ્ટરૂપે તૈયાર કરી હતી. જેમાં અલગ અલગ 30 જેટલી જાતિના લોકોની કોરોનાકાળની વ્યથાને રજૂ કરવામાં આવી છે. સાથે જ તેમાં ફિલ્મમેકરો પોતાની સાથે કોરોના દરમિયાન કેવી કેવી પરિસ્થિતિઓ આવીને ઉભી રહી તેની પણ વાત કરે છે.
આ પણ વાંચોઃ ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો
ટૂંકમાં, આ ફિલ્મ કોરોનાકાળમાં દલિત, આદિવાસી અને અન્ય વંચિત સમાજના સેંકડો પરિવારો પર જે વિત્યું તેનો એક મજબૂત દસ્તાવેજી પુરાવો છે. સવર્ણ મીડિયા જેમની કદી નોંધ પણ નથી લેતું તેવા લાખો-કરોડો વંચિત સમાજની કોરોનાકાળની યાતનાઓને આ ડોક્યુમેન્ટરી ફિલ્મ વાચા આપે છે. ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને તેને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ 4 નવેમ્બર 2023ના રોજ ધરમશાળા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થવાની છે.
‘MHARA PICHCHAR’ વિશે વાત કરતા ડિરેક્ટર દક્ષિણ બજરંગે છારા કહે છે, “કોરોનાકાળમાં અમદાવાદના છારાનગરમાં અનેક લોકોના મોત થયા હતા અને એ દરેક પરિવારની પોતાની એક પીડાની કહાની હતી. ટીવીમાં આવતા સમાચારોમાં પણ મેં જોયું કે લાખો લોકો ઘરપરિવાર સાથે હજારો કિલોમીટર ચાલીને રસ્તો કાપી રહ્યાં છે અને તેમાંના ઘણાં લોકો રસ્તામાં જ મોતને ભેટ્યાં હતા.
અમે છારાનગરમાં બુધન થિયેટર ચલાવીએ છીએ. તેમાં તૈયાર થયેલા ફિલ્મમેકરોને કોરોનાકાળની આ કથાઓને દસ્તાવેજી સ્વરૂપ આપવા માટેનો વિચાર જણાવ્યો. તેમણે એ સહર્ષ સ્વીકારી લીધો અને 10-15 મિનિટનાં કેટલાક એપિસોડ તૈયાર કરીને સોશિયલ મીડિયામાં મૂક્યા. તેને સારો પ્રતિભાવ મળતાં 8 ફિલ્મમેકરોને આવા લોકો પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માટે કહ્યું, અને તેમાં તેમને કોરોનાકાળમાં તેઓ પોતે પણ કેવાં-કેવાં પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે તેની વાત સમાંતરે કરતા રહેવા જણાવ્યું. એ રીતે આ કદાચ પહેલી એવી ફિલ્મ હશે જેમાં ફિલ્મમેકર પોતે પણ અન્ય પાત્રોની સાથે પોતાની વાત કહી રહ્યો હોય.
આ પણ વાંચોઃ ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે - રિપોર્ટ
49 મિનિટની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ Dharamshala International Film Festivalમાં પસંદગી પામી છે અને આગામી 4 નવેમ્બર 2023ના રોજ બપોરે 2.30 કલાકે અહીંની બાસ્કેટબોલ કોર્ટમાં રજૂ થવાની છે. ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર રજૂ કરવામાં આવ્યું છે જેને સારો એવો પ્રતિસાદ મળ્યો છે.”
બુધન થિયેટરના 8 થિયેટરવાળા બન્યાં ફિલ્મમેકર
Mhara Pichchar ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે બુધન થિયેટરની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા 8 નાટ્યકારો ફિલ્મમેકર બન્યાં હતા. આ કલાકારોમાં આતિશ ઈન્દ્રેકર, દિવંગત રૂચિકા કોડેકર, સિદ્ધાર્થ ગારંગે, કુશલ બાટુંગે, કેયૂર બજરંગે, ચેતના રાઠોડ, અનિષ ગારંગે અને દક્ષિણભાઈનો સમાવેશ થાય છે. ફિલ્મમાં છારા, ડફેર, સંધી ડફેર, મદારી, નટ, રાઠવા, બજાણિયા, બાવરી, રાજભોઈ, ડબગર અને બીજા અનેક વંચિત સમાજની પીડાને રજૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ GREEN ARMY - મહિલાઓની આ સેનાનું કામ જોઈને તમે પણ કહેશો, વાહ!
રૂચિકા કોડેકરઃ ફેફસાંનું ઈન્ફેક્શન હોવા છતાં ફિલ્મ બનાવી
આ 8 ફિલ્મમેકરો પૈકી રૂચિકા કોડેકરની કહાની હૃદયદ્રાવક છે. રૂચિકાને ફેફસાંની બિમારી હતી અને ગત ડિસેમ્બર 2022માં જ તેમનું માત્ર 32 વર્ષની વયે નિધન થયું હતું. ડોક્યુમેન્ટરીમાં તેમણે સંધી ડફેર સમાજનો ભાગ તૈયાર કર્યો છે. આ સિવાય એન્કરીંગ, સાઉન્ડ રેકોર્ડિસ્ટ અને કેમેરાવુમન એમ એકથી વધુ કામોની જવાબદારી સંભાળી હતી. તેમણે કવિતાઓ પણ લખી હતી અને તેના પર પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. મૃત્યુ નજીક હોવાનું સમજી ગયેલા રૂચિકાએ વંચિત સમાજનો અવાજ મજબૂતીથી ઉપાડવા માટે ફિલ્મનું કામ બમણાં જોશથી ઉપાડી લીધું હતું. ડોક્યુમેન્ટરી ફિલ્મના સ્ક્રીનિંગમાં તેમના આ હિંમતભર્યા કાર્યને શરૂઆતમાં જ ક્રેડિટ આપીને અંજલિ આપવામાં આવી છે.
મ્હારા પિચર ડોક્યુમેન્ટરી ફિલ્મનું ટ્રેલર જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://www.youtube.com/watch?v=MWgPDU1YqJs