પિતૃસત્તાત્મક વલણ અને લિંગભેદથી અદાલતો પણ પર નથી

અદાલતો હંમેશા પ્રગતિશીલ વિચારોની પોષક હોવી જોઈએ, પણ ભારતની અદાલતોના કેટલાક ચુકાદાઓ લિંગભેદ, જાતિવાદ અને પિતૃસત્તાત્મક વિચારસરણીના પોષક રહ્યાં છે. 

પિતૃસત્તાત્મક વલણ અને લિંગભેદથી અદાલતો પણ પર નથી
image credit - Google images

ચંદુ મહેરિયા

અદાલતોનું કાર્ય કાયદા ઘડવાનું નથી એ સાચું પણ અદાલતો કાયદાની શલ્યાને અહલ્યા જરૂર કરી શકે છે. નમૂના દાખલ તલાકશુદા મુસ્લિમ મહિલાઓને ભરણપોષણનો હક હોવાનું જણાવતો શાહબાનુ ચુકાદો. સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતો સંસદ અને વિધાનગૃહોએ ઘડેલા કાયદાની બંધારણીય સમીક્ષા કરે છે. આરોપીઓ સામેના તહોમતની પોલીસ અને બીજી તપાસ એજન્સીઓની તપાસની કાયદેસરતા ચકાસે છે. અદાલતોનું આ મુખ્ય કાર્ય છે પરંતુ એવું અનેક વાર બન્યું છે કે અદાલતોના હુકમ પછી કાયદામાં સુધારા-વધારા, રદબાતલ કે નવા ઘડવાનું બન્યું છે. 

ભારતની અદાલતો, નિષ્પક્ષ, નિર્ભીક અને પ્રગતિશીલ તો છે જ છે. તેના ઘણા જજમેન્ટ તેના ઉદાહરણ છે. પરંતુ અદાલતો પ્રતિગામી પણ છે. અદાલતોના ચુકાદા, નિર્ણયો અને ટિપ્પણીઓ પિતૃસત્તાત્મક વલણો-વિચારો અને લિંગભેદને પોષક હોવાનું જોવા મળે છે. જે  ન્યાયના મંદિરોએ પિતૃસત્તાત્મક મૂલ્યો અને સ્ત્રી-પુરુષ ભેદને અલવિદા કહેવાનું હોય ત્યાં જ તે વ્યક્ત થાય ત્યારે અદાલતોનું આ પછાતપણું ખટકે છે. 

જુલાઈ ૨૦૦૯માં સુંદરરાજને એક બાળકનું પૈસાની લાલચે અપહરણ કર્યું અને પછી તેની હત્યા કરી હતી. આરોપીને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજાની ભલામણ કરી, તેને વડી અદાલતે માન્ય રાખતાં તે સજા ઘટાડવા સુપ્રીમની દેવડી ગયો. આ કેસના ચુકાદામાં દેશની સર્વોચ્ચ અદાલતની એક બેન્ચે લિંગભેદી ટિપ્પણી કરી હતી. 

માનનીય ન્યાયાધીશો એ કહ્યું હતું કે હત્યાનો ભોગ બનેલ બાળકના માતા-પિતાને ત્રણ દીકરી અને એક દીકરો છે. આરોપીએ તેમના એકના એક દીકરાનું અપહરણ એટલે કર્યું કે માતા-પિતાના મનમાં વધુ ડર અને આઘાત પેદા થાય. પુત્ર વંશ આગળ વધારે છે તેથી તેના અપહરણનું વધુ ગંભીર પરિણામ આવી શકે છે.  આ ટિપ્પણી ભારોભાર લિંગભેદી અને દીકરા-દીકરી વચ્ચે ભેદ ઉભો કરનારી છે. 

આ પણ વાંચોઃ ગુજરાતી પત્રકારત્વની પહેલી સદી કેમ 'સ્વજાતિ પત્રકારત્વ'થી ઉપર ન ઉઠી શકી?

ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન ગણે છે તેમાં પિતૃસત્તાને કોઈ સ્થાન નથી ત્યારે દેશની સૌથી મોટી અદાલતની આ ટિપ્પણી આઘાત અને અચંબો જન્માવે છે. જોકે મુખ્ય ન્યાયાધીશે આ ટિપ્પણી સામે સખત વાંધો લીધો હતો અને સર્વોચ્ચ અદાલત સહિત દેશની તમામ અદાલતોને આ મુદ્દે વધુ સંવેદનશીલ બનવા જણાવ્યું હતું. 

૨૦૨૧માં આઈઆઈટી ગુવાહાટીના એક વિદ્યાર્થીએ તેની સહાધ્યાયિનીને છેતરીને તેના પર બળાત્કાર કર્યો. પોલીસ ફરિયાદ પછી તપાસની ધીમી ગતિ સામે ફરિયાદી યુવતીએ હાઈકોર્ટનું શરણું લીધું. ગુવાહાટી હાઈકોર્ટના જજસાહેબને પ્રથમ દર્શનીય રીતે જ યુવક દોષિત લાગ્યો પણ તેમણે બળાત્કારી યુવકના જામીન મંજૂર કર્યા અને તેને પ્રતિભાશાળી તથા રાજ્યની ભાવિ મોંઘી મિલકત( સ્ટેટ્સ ફ્યુચર એસેટ્) ગણાવ્યો. અદાલતનો આ ચુકાદો લૈંગિક ન્યાયના મૌલિક અધિકાર સામે મોટો પડકાર છે. 

દીકરા-દીકરી વચ્ચેનો આ ભેદ જ્યારે વાત અમીર–ગરીબ કે સવર્ણ-અવર્ણની આવે તો કેવો બદલાઈ જાય છે તે ચાળીસેક વરસ પૂર્વેના ગુજરાત મોટર વ્હીકલ ટ્રિબ્યુનલના કદી ના ભૂલી શકાય તેવા ચુકાદામાં છે. દલિત કિશોર ચમાર દિનેશ બળદેવભાઈનું માર્ગ અકસ્માતમાં મોત થતાં તેના વળતર સંબંધી ચુકાદામાં અદાલતે કહ્યું મૃતકના માબાપ ખૂબ ગરીબ છે અને તેમને બીજા પણ સંતાનો છે એટલે આ ગરીબ માતાપિતા માટે બાળક બોજારૂપ હતો. તેના મોતનું વળી વળતર કેવું? લાગે છે કે આપણો લિંગભેદ પણ ગરીબતવંગર અને નાતજાત જુએ છે. 

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના મહિલા જજ સાહિબાને યૌન ઉત્પીડનના એક કેસમાં આરોપીને એમ કહીને નિર્દોષ જાહેર કર્યો હતો કે સ્કીન ટુ સ્કીન સંપર્ક થયો નથી. મધ્યપ્રદેશ હાઈકોર્ટે મહિલાના શિયળભંગના આરોપીના જામીન મંજૂર કરતાં અન્ય શરતો સાથે એક વિચિત્ર શરત ઉમેરી હતી કે આરોપીએ પત્ની સાથે રક્ષાબંધનના દિવસે ફરિયાદી મહિલાના ઘરે જઈને રાખડી બંધાવવી, તેની રક્ષાનું વચન આપવું અને રૂ.૧૧,૦૦૦ ભેટ આપવી. સમગ્ર ઘટનાનો વીડિયો, તસવીરો અને નાણાની રસીદ મોકલવી. આ જ કોર્ટે બળાત્કારના આરોપીને ફરિયાદી મહિલા સાથે ત્રણ મહિનામાં લગ્ન કરવા જણાવ્યું હતું. 

બિહારના અરરિયા જિલ્લાની સિવિલ કોર્ટે બળાત્કારથી પીડિત મહિલા પર અદાલતી અવમાનનાનો કેસ નોંધી તેને જેલ ભેગી કરી હતી. આ મહિલા નર્વસ બ્રેક ડાઉન અને ભાવનાત્મક વિસ્ફોટને કારણે અદાલતમાં વારંવાર ન્યાયની માંગણી કરતી હતી. નામદાર ન્યાયમૂર્તિને તેનું આ વર્તન અદાલતના કામમાં હસ્તક્ષેપ અને અવમાનનું લાગ્યું. 

કર્ણાટક હાઈકોર્ટને વળી  બળાત્કાર પછી મહિલા થાકીને અને ઉંઘી ગઈ તો તે બાબત ભારતીય મહિલા માટે અશોભનીય કૃત્ય લાગ્યું હતું. રાજસ્થાનની એક જિલ્લા અદાલતના ન્યાયાધીશે ચાર વરસની બાળકીના બળાત્કારી હત્યારાને મૃત્યુદંડની સજાની ભલામણ કરતાં કહેલું કે, પોક્સો અધિનિયમમાં કઠોરતમ સજાની જોગવાઈ છતાં કોર્ટો તેમ કરવામાં કેમ કંજૂસી કરે છે?  આ ટિપ્પણી ન્યાય અને સમાનતા ઝંખતા સૌને આશ્વાસનરૂપ છે. 

આ પણ વાંચોઃ 'પંચાયત' વેબ સિરીઝમાં મોટાભાગના પાત્રો બ્રાહ્મણ કેમ છે?

ગુવાહાટી હાઈકોર્ટ સમક્ષ એક પતિદેવે એટલે છૂટાછેડાની અરજ કરી કે તેમના પત્ની સુહાગણના પ્રતીકો ધારણ કરતાં નથી. અદાલતે ગ્રાફિક એવિડન્સ (પરિણિત મહિલાએ બંગડી, સિંદૂર, મંગળસૂત્ર પહેરવા) વિનાના લગ્નને અમાન્ય ઘોષિત કરી પતિની છૂટાછેડાની અરજી ગ્રાહ્ય રાખી હતી. ફેમિલી કોર્ટે જે માંગણી નકારી હતી તેને વડી અદાલતે સ્વીકારી તે આંચકાજનક છે. ખુદ હિંદુ લગ્ન ધારામાં પણ ગ્રાફિક એવિડન્સની કોઈ જોગવાઈ નથી ત્યારે મહિલા પરિણીત છે તેટલું પૂરતું નથી તે પરિણીત દેખાવી પણ જોઈએ તેમ માનતા માનનીય જજસાહેબના વિચારો કઈ સદીના હશે? 

બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ પીઠે પતિની કન્યાદાન ના થયું હોઈ લગ્ન ગેરકાયદે હોવાની માંગ સ્વીકારી નથી. હિંદુ લગ્ન ધારા પ્રમાણે માત્ર સપ્તપદી જ જરૂરી છે એટલે કન્યાદાન વિનાના લગ્ન ગેરકાયદે ઠેરવી શકાય નહીં. અદાલતે ઘરના આપસી વિવાદોને અદાલતમાં ના લઈ જવા અને અદાલતોનો સમય બરબાદ ના કરવા પણ જણાવ્યું છે. પરંપરા, પ્રથા કે રીત-રિવાજો માટે કાનૂન અને અદાલતનો આશરો યોગ્ય નથી. 

બળાત્કાર પીડિતાના ટુ ફીંગર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આજે પણ આવી તપાસ થાય છે. યૌન ઉત્પીડનનો શિકાર મહિલા શારીરિક સંબંધની આદિ, અભ્યસ્ત કે સક્રિય છે કે કેમ તેની તપાસ માટે થતો આ ટેસ્ટ પીડિતાના ગૌરવને હણે છે, ગરિમાને આઘાત પહોંચાડે છે તેની સમજ કેમ હજુ ઉભી થઈ નથી? 

સ્તન કેન્સરથી પીડિત મહિલાના પતિએ આપસી સહમતિથી છૂટાછેડા માંગ્યા પણ સર્વોચ્ચ અદાલતે તેનો ઈન્કાર કર્યો હતો. પત્ની માટે પતિ પરમેશ્વર છે તેવું ન માની લઈએ તો પણ કેન્સરપીડિત પત્નીના છૂટાછેડા જરાય યોગ્ય ન ગણાય. પત્નીએ રોગના ઈલાજ માટે વળતર અને ભરણપોષણ મળશે એટલે ડાઈવોર્સ માટે સંમતિ દર્શાવી છે તેવું જાણ્યા પછી તો પતિ પર ફિટકાર જ વરસે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.જે ચંદ્રચૂડનો કાર્યકાળ અનેક દ્રષ્ટિએ ક્રાંતિકારી રહ્યો છે. પરંતુ તે માત્ર ટેકનોલોજીના ઉપયોગ પૂરતો સીમિત ન રહેતા સંવેદના અને પ્રગતિશીલ વિચારોના સંદર્ભમાં પણ ક્રાંતિકારી બની શકે.  તેમાં અદાલતોની  પ્રતિગામી ટિપ્પણી, નિર્ણયો અને ચુકાદા બાધારૂપ છે. 
maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આગળ વાંચોઃ હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન અને પુનઃસ્થાપન બાકી છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.