RSS એ જાતિ ગણતરીને ટેકો આપ્યો, કોનું દબાણ કામ કરી ગયું?

ભાજપ અને પીએમ મોદી જાતિ ગણતરીના મુદ્દાથી સતત મોં ફેરવતા રહ્યાં છે. પણ હવે RSS એ તેનું સમર્થન કર્યું છે. સવાલ એ છે કે, સંઘ પર એવું ક્યું દબાણ કામ કરી ગયું?

RSS એ જાતિ ગણતરીને ટેકો આપ્યો, કોનું દબાણ કામ કરી ગયું?
image credit - Google images

"વિપક્ષે ગરીબોની લાગણી સાથે રમત કરી અને સમાજના જાતિના આધારે ભાગલા પાડ્યાં. તેઓ હજુ પણ આ પાપ કરી રહ્યા છે." - 3 ઓક્ટોબર 2023ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરની જાહેર સભામાં પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું હતું જ્યારે બિહારમાં નીતિશ કુમારની જેડીયુ અને આરજેડી-કોંગ્રેસનું ગઠબંધન હતું. નીતીશ કુમારે બિહારની જાતિ ગણતરી કરાવી હતી. વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ વગેરે લાંબા સમયથી દેશવ્યાપી જાતિ ગણતરીની માંગ કરી રહ્યા છે, પણ ભાજપ તેની વિરોધમાં હતો. 

પણ બે દિવસ પહેલા એટલે કે સોમવાર, 2 સપ્ટેમ્બર 2024 ના રોજ ભાજપની ભગિની સંસ્થા RSS એ તમામ જો-તો વચ્ચે જાતિની વસ્તી ગણતરીને સમર્થન આપી દેતા સૌ કોઈ ચોંકી ગયા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ અને પીએમ મોદી શું ચાલાકી કરે છે. કારણ કે અત્યાર સુધી વિરોધ પક્ષો આ મુદ્દાને જોરશોરથી ઉઠાવતા હતા છતાં મોદી જાતિ ગણતરીથી દૂર ભાગતા રહ્યા છે. રાહુલ ગાંધીએ તો પીએમ મોદીને પડકાર આપતા કહ્યું હતું કે સરકારે જાતિ ગણતરી કરાવવી પડશે અને અમે તે કરાવીને રહીશું.

રાહુલ ગાંધીએ 'X' પર લખ્યું હતું કે, "મોદીજી, જો તમે જાતિ ગણતરી રોકવાનું વિચારી રહ્યા છો, તો તમે દિવાસ્વપ્ન જોઈ રહ્યા છો. હવે કોઈ તાકાત તેને રોકી શકશે નહીં. દેશવાસીઓનો આદેશ આવી ગયો છે, ટૂંક સમયમાં 90% ભારતીયો સમર્થન કરશે અને જાતિની વસ્તી ગણતરી હાથ ધરવાની માંગ કરશે. હવે આદેશનો અમલ કરો. નહીંતર તમે આગામી વડાપ્રધાનને એ કરતા જોશો." આ માંગણીને નક્કર સ્વરૂપમાં રજૂ કરતા રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું હતું - આ સમાજ માટે એક 'એક્સ-રે' જેવું છે અને તે સીધી રીતે બંધારણના રક્ષણ સાથે જોડાયેલો છે.

ભાજપ જાતિ ગણતરીના મુદ્દાથી અત્યાર સુધી સતત બચતો રહ્યો છે. પણ હવે ખુદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરીની હિમાયત કરી છે, ત્યારે જોવા જેવી થઈ છે. કેરળના પલક્કડમાં આરએસએસના ત્રિ-દિવસીય સંમેલનની પૂર્ણાહુતિ બાદ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા RSSના મુખ્ય પ્રવક્તા સુનીલ અંબેકરે કહ્યું હતું કે, "જાતિની વસ્તી ગણતરી ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને તે આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે મહત્વપૂર્ણ છે. તેને ખૂબ જ ગંભીરતાપૂર્વક હેન્ડલ કરવો જોઈએ. ઘણીવાર સરકારને આંકડાઓની જરૂર હોય છે અને તેણે ભૂતકાળમાં પણ આ પ્રેક્ટિસ કરી છે. તેનો ઉપયોગ ફક્ત તે સમુદાયો અને જાતિઓના કલ્યાણ અને તેને ફાયદો પહોંચાડવા માટે થવો જોઈએ. નહીં કે રાજકીય સાધન કે ચૂંટણી પ્રચાર માટે." 

આ પણ વાંચો: યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે

RSS નું આ નિવેદન વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરી હાથ ધરવાની લાંબા સમયથી પડતર માંગની પૃષ્ઠભૂમિના સંદર્ભમાં આવ્યું છે, જો કે સંઘ દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, તેનાથી સરકારને વિવિધ સમાજો માટે તેમની વસ્તીના આધારે નીતિઓ ઘડવામાં મદદ મળશે.

પીએમ મોદીએ 4 જાતિ વિશે વાત કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બર, 2023ના રોજ કહ્યું હતું કે, "વિપક્ષ દેશને જાતિઓમાં વહેંચવા માંગે છે. પરંતુ મારી નજરમાં 4 જ જ્ઞાતિઓ છે. અને તે છે - ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો. જે સૌથી મોટી જાતિ છે. તેમને સશક્ત કરવાથી દેશ મજબૂત થશે. આપણા ઓબીસી અને આદિવાસીઓનો નોંધપાત્ર હિસ્સો આ વર્ગોમાંથી આવે છે. આજે દરેક ગરીબ, વંચિત, દરેક ખેડૂત, આદિવાસી, યુવા કહી રહ્યો છે કે તે જીતી ગયો છે. પહેલીવાર મતદાર કરનાર કહી રહ્યા છે કે તેમના મતથી વિજય થયો છે. દરેક મહિલાને લાગે છે કે તે જીતી ગઈ છે. આ તેમના સારા ભવિષ્યની જીત છે.”

જાતિ ગણતરીના મુદ્દે, વિપક્ષો ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં એકજૂથ છે પરંતુ NDAના બે પક્ષો BJP, JDU અને LJP(રામવિલાસ પાસવાન)એ તેનું સમર્થન કર્યું છે. બિહારમાં જેડીયુની આગેવાની હેઠળની સરકારે ગયા વર્ષે રાજ્યમાં જાતિ સર્વે હાથ ધર્યો હતો. જોકે ભાજપે જાતિ ગણતરીની માંગનો ખુલીને વિરોધ કર્યો નથી, પરંતુ તેણે કોઈ પ્રતિબદ્ધતા પણ વ્યક્ત નથી કરી.
જાતિ ગણતરી માટે આરએસએસનું મૂક સમર્થન એટલા માટે પણ નોંધપાત્ર છે કારણ કે ભાજપે પહેલા તેને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં "હિંદુઓને એક કરવાના" ના પોતાના પ્રયત્નો સામે "હિંદુ સમાજને વિભાજિત કરવાના" કોંગ્રેસના પ્રયાસ તરીકે ચીતરી હતી. એ રીતે તે સંઘ અને ભાજપ તેની મુખ્ય વોટબેંક એવા સવર્ણોને સાચવવા માંગતી હતી.

આ પણ વાંચો: RSS ના વડા મોહન ભાગવતને વડાપ્રધાન જેવી સુરક્ષા અપાઈ

જો કે, ભાજપના આ સ્ટેન્ડને વિપક્ષોએ લોકસભા ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બનાવી દીધો હતો. વિપક્ષે એ મેસેજ સાથે જોરદાર પ્રચાર કર્યો હતો કે, ભાજપ જાતિ ગણતરી ન કરવાની દેશના દલિત, આદિવાસી, ઓબીસીના હકો પર તરાપ મારવા માંગે છે. આ સાથે જ તેણે બંધારણનો મુદ્દો પણ જોડી દીધો કે, "જો ભાજપને પ્રચંડ બહુમતી મળશે તો મોદી સરકાર બંધારણ અને અનામતમાં ફેરફાર કરી નાખશે, જેથી એસસી/એસટી અનામતનો અંત લાવી શકાય.". આ પ્રચારનું શું પરિણામ શું આવ્યું તે હવે સૌ જાણે છે. ભાજપ 400 પારનો નારો આપતો હતો, પણ તે 240માં સમેટાઈ ગયો હતો.

એ સ્થિતિમાં 'પાંચજન્ય'માં જાતિને "એક કલ્યાણકારી પગલું" ગણાવનાર RSS એ હવે ભાજપને સામેથી જાતિ ગણતરી કરવાનો રસ્તો સૂચવ્યો છે. જેનાથી મોદી સરકાર હિંદુ ધર્મની અંદર વિવિધ સમાજોને ખુશ કરવા માટે વચલો રસ્તો કાઢી શકે.

સુનીલ અંબેકરે ભારપૂર્વક જણાવ્યું કે સંઘ હિન્દુ એકતાની સાથે સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે પણ સતત કામ કરે છે. આપણે આપણા બંધારણના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આપણું બંધારણ ન્યાય, સમાનતા અને ભાઈચારાની વાત સારી રીતે કરે છે. પરંતુ તેમાં એ બાબતને રેખાંકિત કરવામાં આવી છે કે રાષ્ટ્રની અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે ભાઈચારો હોવો જોઈએ.

ટૂંકમાં જાતિ ગણતરીને સંઘનું સમર્થન એમ જ નથી આવ્યું, તેની પાછળ દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી મતદારોની બીક છે. લોકસભા ચૂંટણીમાં વિપક્ષોએ દલિતો-આદિવાસીઓ અને ઓબીસી સમાજને બંધારણ બદલીને હિંદુ રાષ્ટ્ર લાગુ કરવાની સંઘની વર્ષો જૂની મહેચ્છાને ખૂલ્લી પાડી દીધી હતી, તેનાથી ભાજપ 240માં સમેટાઈ ગયો હતો. હવે વિપક્ષોએ ફરી આ જ સમાજના લોકોને સ્પર્શતો જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો છે અને તેની અસર પણ સ્પષ્ટ વર્તાઈ રહી હોવાથી સંઘ કોઈ જોખમ લેવા માંગતો નથી. એટલે જાતિ ગણતરીને સંઘના મૂક સમર્થન પાછળ દેશના દલિતો-આદિવાસીઓના મતોની તાકાત કામ કરી ગઈ છે તે સ્પષ્ટપણે લાગે છે.

આ પણ વાંચો: હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.