સાત ઈંચ વરસાદમાં અમદાવાદ શહેર જળબંબાકાર થયું

અમદાવાદ શહેરમાં બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

સાત ઈંચ વરસાદમાં અમદાવાદ શહેર જળબંબાકાર થયું
image credit - Google images

લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. શહેરમાં બપોરના ૧૨ થી ૩ દરમ્યાન કેટલાય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ગોતા, સોલા, સાયન્સ સિટી, જગતપુર, ત્રાગડ, વંદે માતરમ્‌ સહિતના વિસ્તારોમાં ત્રણ કલાકમાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ કારણે મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. અનેક વિસ્તારોના તમામ રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા.  અમદાવાદમાં ચોમાસાએ પોતાની પૂરી તાકાત સાથે આગમન કરી દીધું છે અને હજુ વરસાદ ચાલુ છે. સવારે ૧૧ વાગ્યા પછી જોરદાર વરસાદ શરૂ થયો હતો અને શહેરના ઘણાં ભાગોમાં પાણી ભરાયું છે. ધોધમાર વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ પડી ગયા હતા. લોકો પોતાના વાહનોને ધક્કા મારી અને લઈ જતા નજરે પડ્યા હતા.

અમદાવાદ શહેરમાં બપોરથી શરૂ થયેલો વરસાદ ચાર જ કલાકમાં સાત ઈંચ ખાબકી ગયો હતો. આ સ્થિતિમાં શહેરના રસ્તા પર જાણે નદી વહેતી હોય એવા દૃશ્યો સર્જાયા હતા. આ દરમિયાન શહેરના પાંચ અન્ડરબ્રિજ પણ વાહનચાલકોની સુરક્ષા ખાતર બંધ કરવાનો વારો આવ્યો હતો. પહેલા જ ભારે વરસાદમાં સ્થાનિક તંત્રની પોલ ખૂલી ગઈ હતી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. બીજી તરફ, પોશ ગણાતા શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રસ્તા પર આખેઆખી બસ સમાઈ જાય એવડો મોટો ભૂવો પડી ગયો હતો. 

આ પણ વાંચો: હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન-પુનઃસ્થાપન બાકી છે

અમદાવાદમાં બપોરે 12.30 વાગ્યા બાદ ભારે વરસાદ પડ્યો હતો. એ દરમિયાન ચાર જ કલાકમાં સરેરાશ ત્રણ ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. પશ્ચિમમાં સૌથી વધુ વરસાદ ગોતા, સાયન્સ સિટી, ચાંદલોડિયા, નારણપુરા, ઘાટલોડિયામાં પડ્યો છે. આ ઉપરાંત બોપલ, ઘુમા, શેલાથી લઈને વેજલપુર, શ્રીનંદનગર, જુહાપુરાથી લઈને છેક ચાંદખેડા સુધી સરેરાશ ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.

પૂર્વ વિસ્તારની વાત કરીએ તો કાળુપુર, દરિયાપુર, મણિનગર, નારોલ, વટવા અને નરોડામાં પણ સરેરાશ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન સાંજે છ વાગ્યા પછી પણ અમદાવાદના લગભગ તમામ વિસ્તારમાં ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે પાણી ઓસર્યા નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્તારોની અનેક સોસાયટીના ભોંયરામાં આવેલા પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદમાં ભયાનક વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાયા હોવાના કારણે સરખેજ ગાંધીનગર હાઈ વે પર વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હતી. આ કારણસર અનેક વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. એટલું જ નહીં, રસ્તે જઈ રહેલા અનેક દ્વિચક્રી વાહનચાલકોના વાહનો પણ બંધ થઈ ગયાના દૃશ્યો જોવા મળ્યા હતા. ગોતામાં પોચી જમીનના કારણે બે એમટીએસ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં મુસાફરોને કોઈ ઈજા થઈ નથી. 

આ પણ વાંચો: આંગણવાડીનું કામ ટલ્લે ચડતાં બાળકો 8 વર્ષથી કાર્યકરના ઘરમાં ભણે છે

ભારે વરસાદના પગલે અખબારનગર, ગોતા, મીઠાખળી, મકરબા અને ત્રાગડમાં અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો હતો. સવારથી જ વાતાવરણમાં વાદળિયા તાપ અનુભવાયો હતો પરંતુ બપોર સુધીમાં વરસાદનું આગમન થતાં તાપમાન ચાર ડિગ્રી ઘટી ગયું હતું. આજે સવાર સુધી અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી નોંધાયું હતું, પરંતુ વરસાદને પગલે ત્રણેક વાગ્યાથી જ તાપમાન ૨૭ ડિગ્રીએ પહોંચી ગયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આજે રાતે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો: તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.