વડોદરામાં મહાપરિનિર્વાણ દિવસે આંબેડકર વંદના પરિસંવાદ યોજાયો

મહાનાયક ડૉ.આંબેડકરને હડધૂત કરીને કાઢી મૂકનાર કહેવાતી સંસ્કાર નગરી વડોદરામાં બહુજન વિદ્વાનોએ આંબેડકર વંદના પરિસંવાદમાં અનેક પ્રસંગોને ઉજાગર કર્યા હતા.

વડોદરામાં મહાપરિનિર્વાણ દિવસે આંબેડકર વંદના પરિસંવાદ યોજાયો
image credit - khabarantar.com

'દક્ષિણ આફ્રિકામાં ટ્રેનના ડબ્બામાંથી બ્લેક - એશિયન મિ.ગાંધીને હડધૂત કરીને અંગ્રેજો દ્વારા સામાન સહિત પ્લેટફોર્મ પર બહાર ફેંકી દેવાયા તે પછી જ આ દેશને 'મહાત્મા ગાંધી' નામક મહાન પ્રતિભાની ભેટ મળી, બરાબર એજ રીતે વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડને ત્યાં નોકરી કરવા આવેલા ડો.આંબેડકરને અપમાનિત કરીને તેમના સામાન સહિત પારસી મકાન માલિક દ્વારા બહાર ફેંકી દેવાયા તે પછી જ આ દેશને 'ડો.બાબાસાહેબ આંબેડકર' નામક મહાન પ્રતિભાની ભેટ મળી. બેય મહાનુભાવો સાથે ઘટેલી આ બે ઘટનાઓ યુગ પરિવર્તનની સાક્ષી બની રહી છે.'

જે વડોદરાના કમાટી બાગના ઝાડ નીચે ફેંકાઈ દેવાયેલા સામાનને સમેટીને સજળ આંખોએ ડો.આંબેડકરે જાતિભેદ નાબૂદીનો કૃતસંકલ્પ કર્યો હતો તે સ્થળ આજે તો 'સંકલ્પ ભૂમિ' રૂપે ખ્યાત છે. આંબેડકરી તવારિખમાં મહત્વના સ્થાને રહેલા શહેર વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા 'ડો.બી.આર. આંબેડકર ભવન' ખાતે ગઈકાલે 6 ડિસેમ્બર 2024ના રોજ મહામાનવ ડો. આંબેડકરના 68માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બાબાસાહેબને સ્મૃતિવંદના અર્પણ કરવાની સાથે એક ખાસ પરિસંવાદ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પૂર્વ મેયર જીવરાજભાઈ ચૌહાણ, 'ભવન'ના પ્રમુખ શ્રી મણિભાઈ પરમાર, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પી.એમ.ચાવડા, પારૂલ યુનિવર્સિટીના ડો. જી.કે.વણકર, અગ્રીમ સાહિત્યકાર પ્રવીણ ગઢવી, વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર્સ બહેનો - લીનાબેન મકવાણા અને રશ્મીબેન વાઘેલા, સેન્ટ્રલ યુનિવર્સિટી(ગુજરાત)ના ડો.રાજેશ મકવાણા, સરદાર પટેલ યુનિવર્સિટીના ડો.બલદેવ આગજા, યુવા દલિત લેખક મયૂર વાઢેર સાથે  પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમારે 'ડો.આંબેડકર અને આજના રાજકીય પક્ષો' વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમમાં પ્રવીણ શ્રીમાળી, વસંત જાદવ, સાહિલ પરમાર, રમણ વાઘેલા, ગિરીશ સેંગાલ, અશોક વાણીયા, કે.પી.વાઘેલા, મુકેશ હેલૈયા, અજય ડાભી સહિત અનેક મહાનુભાવો, લેખકો, કવિઓ અને ડો.આંબેડકરના ચાહકો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો: અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.