કર્ણાટક બ્રાહ્મણ મહાસભામાં બ્રાહ્મણ જજોનો ડૉ.આંબેડકરની લીટી નાની કરવા પ્રયાસ?

કર્ણાટક હાઈકોર્ટના જજે બંધારણના નિર્માણમાં ત્રણ બ્રાહ્મણોનો ફાળો મોટો હોવાનું કહીને આડકતરી રીતે ડો.આંબેડકરના બંધારણના ઘડવૈયા હોવા મુદ્દે સવાલો ઉઠાવ્યા?

કર્ણાટક બ્રાહ્મણ મહાસભામાં બ્રાહ્મણ જજોનો ડૉ.આંબેડકરની લીટી નાની કરવા પ્રયાસ?
image credit: Google Images

ભારતમાં છેલ્લાં કેટલાક સમયથી બંધારણ અને તેના ઘડવૈયા ડો.આંબેડકર રીતસરના છવાયેલા છે. વંચિત સમાજને માણસ હોવાનો કુદરતી હક અપાવનાર મહાનાયક ડો.આંબેકરના બંધારણ નિર્માણના વિરાટ કાર્યને મનુવાદીઓ યેનકેન પ્રકારે ઓછું આંકવાનો પ્રયાસ કરતા રહે છે. આવું જ કંઈક ચાર દિવસ પહેલા કર્ણાટકમાં યોજાયેલા અખિલ કર્ણાટક બ્રાહ્મણ મહાસભામાં જોવા મળ્યું હતું. જ્યાં કર્ણાટક હાઈકોર્ટના બ્રાહ્મણ જજ કૃષ્ણ એસ દીક્ષિતે બંધારણ ઘડવામાં બ્રાહ્મણોનો ફાળો મોટો હોવાનો કહીને આડકતરી રીતે ડો.આંબેડકરના યોગદાનને ઓછું આંકવાનો પ્રયાસ કર્યો હતો.

કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિતે આ મહાસભામાં કહ્યું હતું કે, આંબેડકરે પોતે કહ્યું હતું કે, ભારતીય બંધારણના નિર્માણમાં બ્રાહ્મણોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બંધારણ તૈયાર કરવા માટે રચાયેલી મુસદ્દા સમિતિના સાત સભ્યોમાંથી ત્રણ બ્રાહ્મણો હતા. જેમની બંધારણ બનાવવામાં મહત્વની ભૂમિકા હતી.

અખિલ કર્ણાટક બ્રાહ્મણ મહાસભાની સુવર્ણ જયંતિ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત બે દિવસીય બ્રાહ્મણ સંમેલનમાં જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, જો બી. એન. રાવે બંધારણનો મુસદ્દો તૈયાર ન કર્યો હોત તો બંધારણ તૈયાર કરવામાં હજુ ૨૫ વર્ષનો સમય લાગી જાત. તેમણે કહ્યું કે મુસદ્દા સમિતિમાં સામેલ સાત સભ્યોમાંથી ત્રણ સભ્યો અલ્લાદી કૃષ્ણસ્વામી આયંગર, એન. ગોપાલસ્વામી આયંગર અને બી. એન. રાવ  બ્રાહ્મણ હતા. દીક્ષિતે કહ્યું કે બ્રાહ્મણ શબ્દને જાતિને બદલે વર્ણ સાથે જોડવો જોઈએ.

અન્ય બ્રાહ્મણ જજોએ પણ ભાગ લીધો હતો

જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત ઉપરાંત અન્ય જસ્ટિસ વી. શ્રીશાનંદે પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જસ્ટિસ દીક્ષિતે કહ્યું કે, બ્રાહ્મણ સમાજે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ડૉ. આંબેડકરે પોતે બંધારણના નિર્માણમાં બ્રાહ્મણોના ફાળાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ખુદ આંબેડકરે કહ્યું હતું કે જો બી. એન. રાવ બંધારણની મુસદ્દા સમિતિમાં ન હોત તો મુસદ્દો તૈયાર કરવામાં હજુ ૨૫ વર્ષનો સમય લાગત.

આ પણ વાંચોઃ સેલિના જેટલીએ કહ્યું હતું, "બીજો જન્મ મળે તો ડો.આંબેડકર બનવા માંગીશ"

બાબાસાહેબના જીવનમાં બ્રાહ્મણોના યોગદાનની ચર્ચા કરી

જસ્ટિસ દીક્ષિતે આંબેડકરના જીવનમાં બ્રાહ્મણ શિક્ષકના યોગદાન વિશે વાત કરતા કહ્યું હતું કે ભીમરાવ આંબેડકરના એક શિક્ષક હતા જેનું નામ કૃષ્ણજી હતું, તેમણે જ ભીમરાવને આંબેડકર અટક આપી હતી, જેઓ પહેલા આંબાવડેકર હતા. આ સાથે તેમણે આંબેડકરને આર્થિક મદદ પણ કરી હતી જેથી તેઓ તેમનો અભ્યાસ આગળ વધારી શકે. ન્યાયાધીશે કહ્યું કે આ બાબતો સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રાહ્મણ સમાજ દરેકનું સન્માન કરે છે.

જજે વેદો સાથે દલિતોને જોડવા પ્રયાસ કર્યો

જસ્ટિસ દીક્ષિતે કહ્યું કે વેદોનું વર્ગીકરણ કરનાર વેદ વ્યાસ એક માછીમારનો પુત્ર હતો. તેવી જ રીતે, વાલ્મીકિ પણ એસસી અથવા એસટી સમુદાયના હતા. તેમ છતાં તેમણે રામાયણ લખી જેની આપણે પૂજા કરીએ છીએ. (હકીકતે બ્રાહ્મણો વાલ્મિકી રામાયણને બદલે તુલસીદાસ રચિત રામચરિત માનસની પૂજા કરે છે.) તેમણે કહ્યું, શું આપણે બ્રાહ્મણોને એટલા માટે નીચી નજરથી જોઈએ છીએ કેમ કે રામાયણના રચયિતા વાલ્મીકિ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાંથી હતા? તેમણે કહ્યું કે આપણે સદીઓથી ભગવાન રામની પૂજા કરીએ છીએ અને તેમના મૂલ્યોને બંધારણમાં સામેલ કરવામાં આવ્યા છે. (બંધારણમાં રામાયણના મૂલ્યો ક્યાંથી આવ્યા?) તેમના દ્વારા લખાયેલ રામાયણને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે.

બંધારણમાં બ્રાહ્મણોના મોટા યોગદાનની વાતમાં કેટલું તથ્ય?

જ્યારે કોઈ વિદ્વાન કહે છે કે ડૉ. આંબેડકર બંધારણના ઘડવૈયા હતા. તેનો અર્થ એ છે કે બંધારણને આકાર આપવામાં સૌથી મોટી અને નિર્ણાયક ભૂમિકા ભજવનાર એક વ્યક્તિત્વ નિઃશંકપણે ડૉ. ભીમરાવ આંબેડકર હતા. એ અલગ વાત છે કે બંધારણ સભા સમક્ષ બંધારણ રજૂ કરતી વખતે તેમના છેલ્લા ભાષણમાં, ડૉ. આંબેડકરે ગૌરવ અને નમ્રતા સાથે, આટલા ઓછા સમયમાં આટલું સંપૂર્ણ અને વિગતવાર બંધારણ તૈયાર કરવાનો શ્રેય તેમના સાથીદારો રાઉ અને એસ.એન. મુખર્જીને આપ્યો. હતો. પરંતુ સમગ્ર બંધારણ સભા એ હકીકતથી વાકેફ હતી કે આ એક મહાન નેતાની પોતાના સાથીદારો પ્રત્યે કૃતજ્ઞતાની પ્રેમાળ અને નમ્ર અભિવ્યક્તિ હતી.

આ પણ વાંચોઃ સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?

બંધારણ સભાએ આંબેડકરની ભૂમિકાને સ્વીકારી

કર્ણાટકના બ્રાહ્મણ જજ ભલે બંધારણમાં બ્રાહ્મણોના યોગદાનની મોટી વાતો કરીને ડો.આંબેડકરના મહાકાર્યની લીટી નાની કરવા પ્રયત્ન કરતા હોય. પરંતુ બંધારણમાં બ્રાહ્મણોનું કેટલું અને કેવું યોગદાન હતું તેનો અસલી ચિતાર બંધારણ સભાની ચર્ચાઓના ભાગ 7ના પાના નંબર 231 પરથી મળે છે. જેમાં ઘણી બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે.

આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા, જેમની જવાબદારી બંધારણનો લેખિત મુસદ્દો રજૂ કરવાની હતી. આ સમિતિમાં કુલ 7 સભ્યો હતા. બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં ડૉ. આંબેડકરની ભૂમિકા પર પ્રકાશ પાડતા ભારતીય બંધારણની ખરડા સમિતિના સભ્ય ટી.ટી. કૃષ્ણમાચારીએ નવેમ્બર ૧૯૪૮માં બંધારણ સભા સમક્ષ કહ્યું: 'ગૃહ એ વાત જાણે છે કે ડ્રાફ્ટિંગ કમિટીમાં જે સાત સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તેમાંથી એક સભ્યએ ગૃહમાંથી રાજીનામું આપ્યું છે અને તેમના સ્થાને બીજા સભ્યને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન એક સભ્યનું અવસાન થયું છે અને તેમના સ્થાને કોઈ નવો સભ્ય આવ્યો નથી. એક સભ્ય અમેરિકામાં હતા અને તેનું સ્થાન ભરાયું નહોતું. બીજા એક વ્યક્તિ સરકારી બાબતોમાં પડેલા હતા અને તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ નિભાવી રહ્યા નહોતા. એક કે બે વ્યક્તિઓ દિલ્હીથી ઘણાં દૂર હતા અને સંભવત સ્વાસ્થ્યના કારણોસર સમિતિની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યા ન હતા. તો એકંદરે એવું બન્યું છે કે આ બંધારણ લખવાનો ભાર ડૉ. આંબેડકર પર આવી ગયો છે. મને કોઈ શંકા નથી કે આપણે બધાએ તેમના આભારી હોવું જોઈએ કે તેમણે આ જવાબદારી આટલી પ્રશંસનીય રીતે નિભાવી. (બંધારણ સભાની ચર્ચાઓ, ભાગ 7, પાનું 231).

આ પણ વાંચોઃ ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.