સેલિના જેટલીએ કહ્યું હતું, "બીજો જન્મ મળે તો ડો.આંબેડકર બનવા માંગીશ"
24 વર્ષ પહેલા Femina Miss India 2001 સ્પર્ધામાં સેલિના જેટલીને સૌરવ ગાંગુલીએ પૂછેલો સવાલ અને તેણે આપેલો જવાબ આટલા વર્ષ પછી કેમ વાયરલ થઈ રહ્યો છે?

ગઈકાલથી સોશિયલ મીડિયામાં એક 24 વર્ષ જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ફેમિના મિસ ઈન્ડિયા 2001 સ્પર્ધા દરમિયાન તત્કાલીન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્પર્ધામાં જજ પેનલિસ્ટ રહેલા સૌરવ ગાંગુલીએ સ્પર્ધક સેલિના જેટલીને પૂછ્યું હતું, "જો તમને બીજો જન્મ મળે, તમે શું બનવા માંગો છો અને શા માટે?"
સેલિના જેટલીએ આ પ્રશ્નનો જવાબ અત્યંત સંવેદનશીલતા અને બૌદ્ધિક અભિગમ સાથે આપ્યો. તેણે કહ્યું કે તે 'ડૉ. ભીમરાવ આંબેડકર' તરીકે જન્મ લેવા માંગશે. સેલિનાએ ડૉ. આંબેડકરના જીવન, સંઘર્ષ અને તેમના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું: "હું તેમને તેમના ગહન અભ્યાસ અને જ્ઞાન માટે ખૂબ જ માનથી જોઉં છું. મને તેમના પ્રત્યે ખૂબ જ માન છે. કાયદાકીય અને સામાજિક સુધારા પ્રત્યેનું તેમનું વિઝન અનોખું છે. ભારતમાં જાતિ વ્યવસ્થાનો અંત લાવવા અને ભારતીય બંધારણ લખવાનું તેમણે જે કાર્ય કર્યું તે દરેક માટે પ્રેરણા આપનારું છે. કાશ, હું ભારતનું બંધારણ લખી શકત અને લોકો મને દરેક વખતે એ જ રીતે યાદ કરત, જે રીતે ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરે છે."
સેલિનાના આ જવાબે ન માત્ર પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા પરંતુ એ પણ જોવા મળ્યું કે તે સામાજિક સમાનતા અને માનવ અધિકારો જેવા મુદ્દાઓને કેટલી ગંભીરતાથી સમજે છે. સેલિનાએ ૨૦૦૧નો એ ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને ૨૦૦૧માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં ચોથી રનર-અપ બની હતી. તેણે 2003 ની થ્રિલર ફિલ્મ 'જાનશીન' થી અભિનયની શરૂઆત કરી હતી. સેલેનાને 2013 થી United Nations Equality Champion તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?
સેલિના જેટલીનો આ વીડિયો એવા સમયે વાયરલ થઈ રહ્યો છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉ. આંબેડકર પર કરવામાં આવેલી ટિપ્પણીની વ્યાપક ટીકા થઈ રહી છે. આ નિવેદનનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે બહુજન સમાજ તરફથી વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.
17 ડિસેમ્બરે સંસદમાં અમિત શાહના ભાષણ પછી વિવાદ શરૂ થયો હતો. રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન બોલતા કેન્દ્રીય ગૃહમંત્રીએ આંબેડકરને લઈને વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું હતું. આ વિવાદ હજુ પણ લગભગ ત્રણ અઠવાડિયાથી ચાલી રહ્યો છે અને અમિત શાહ પાસેથી માફી અને રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. સેલિના જેટલીનો આ વાયરલ વીડિયો આંબેડકરના યોગદાન અને તેમના વિચારોને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં લાવી રહ્યો છે.
આ ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ઘણી વખત શેર કરવામાં આવી છે. બહુજન સમાજ અને સામાજિક કાર્યકરોએ સેલિના જેટલીના આ નિવેદનની ખૂબ પ્રશંસા કરી છે.
ટ્રાઇબલ આર્મીના સ્થાપક હંસરાજ મીણાએ એક્સ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે સેલિના જેટલીની આ ક્લિપ શેર કરતા લખ્યું, "સેલિનાના જવાબથી ખબર પડે છે કે તે આંબેડકરના જીવન, સંઘર્ષ અને સમાજમાં તેમના યોગદાનથી કેટલી પ્રભાવિત હતી. ડૉ. આંબેડકરે સામાજિક સમાનતાને મહત્વ આપ્યું હતું અને માનવ અધિકારો માટેની લડાઈમાં તેમણે જે મિસાલ સ્થાપિત કરી છે તે દરેક પેઢીને પ્રેરણા આપે છે. સેલિના જેટલીનો આ જવાબ ન માત્ર તેના વિચારો અને સામાજિક સંવેદનશીલતાને જ ઉજાગર કરે છે, પરંતુ પ્રેક્ષકો પર પણ ઊંડી છાપ છોડી ગયો હતો."
ડૉ. ભીમરાવ આંબેડકરે ભારતીય સમાજમાં સમાનતા અને માનવ અધિકારો સ્થાપિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમને બંધારણના ઘડવૈયા તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે દરેક નાગરિક માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવા માટે લડત આપી હતી. તેમનો વારસો આજે પણ દરેક પેઢીને પ્રેરણા આપે છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ભંગાર વેચતા હોત : સિદ્ધારમૈયા