ધર્મનો ધંધોઃ ઉજ્જૈનના મહાકાલ મંદિરે 1 મહિનામાં 15 કરોડની આવક રળી
ઉજ્જૈનના મહાકાલ મંદિરે શ્રાવણ માસ દરમિયાન તેને થયેલી કમાણીના આંકડાઓ જાહેર કર્યા છે. મંદિર કેવી કેવી રીતે કમાણી કરે છે તે જાણીને તમે ચોંકી જશો.
MAHAKAL Mandir Temple Income: ઈશ્વર, આશીર્વાદ અને ધર્મના નામે ચાલતા ધંધાઓમાં બેઠાં બેઠાં કરોડોની કમાણી છે એ હવે દલિત બહુજન સમાજ સારી રીતે સમજી ચૂક્યો છે. તેનું જ કારણ છે કે દિન પ્રતિદિન વધુને વધુ બહુજન સમાજના લોકો હિન્દુ ધર્મ અને તેના કથિત ભગવાનોમાં આસ્થા ગુમાવતા જાય છે. દર વર્ષે કોઈને કોઈ મંદિરમાં ભીડ ઉમટી પડ્યા બાદ અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટે છે. કાવડયાત્રાથી લઈને ચારધામ યાત્રા સુધીમાં વર્ષે સેંકડો લોકો મોતને ભેટે છે છતાં ધર્માંધ લોકોની આંખો ખૂલતી નથી.
ઉજ્જૈનના મહાકાલ મંદિર(Mahakal Temple)ની જ વાત કરીએ. અહીં હજુ બે મહિના પહેલા જ ભસ્મ આરતી દરમિયાન આગ લાગતા 11 પૂજારીઓ દાઝી ગયા હતા. હવે શ્રાવણ માસ(Shravan Month)માં મહાકાલ મંદિરમાં થયેલી આવક(Income)ના આંકડાઓ જે આંકડાઓ સામે આવ્યા છે તે જાણીને તમે ચોંકી જશો.
મળતી માહિતી પ્રમાણે શ્રાવણ મહિનામાં ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં ભક્તોએ કરોડો રૂપિયાનું દાન કર્યું છે. એક મહિનામાં મહાકાલ મંદિરમાં રૂ. 15.64 કરોડથી વધુની આવક થઈ છે. આ આવકથી ઉત્સાહિત થઈને મંદિર ટ્રસ્ટે આગામી મહિનાઓમાં વધુ સારી સુવિધાઓ ઉભી કરીને ભક્તોને રિઝવવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો: ધર્મની તાકાત શું છે?
મહાકાલ મંદિર સમિતિના મેનેજર ગણેશકુમાર ધાકડે જણાવ્યું હતું કે, મહાકાલ મંદિરમાં 22 જુલાઈથી 19 ઓગસ્ટ દરમિયાન 15. 64 કરોડની આવક થઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહાકાલ લોક નિર્માણ બાદ મહાકાલ મંદિરની આવકમાં સતત વધતી જઈ રહી છે. મંદિર દ્વારા વધુને વધુ લોકો દર્શન માટે અંદર આવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના કારણે તેની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.
મહાકાલેશ્વર મંદિર સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર નીરજકુમાર સિંહે જણાવ્યું હતું કે, અહીં દરરોજ હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે, પણ શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. મહાકાલ મંદિરને સૌથી વધુ આવક ભક્તો દ્વારા દાનપેટીમાં નાખવામાં આવતા રૂપિયામાંથી થાય છે. શ્રાવણ મહિનામાં મહાકાલ મંદિર સમિતિએ રૂ. 7 કરોડ 8 લાખથી વધુની કિંમતનો પ્રસાદ વેચ્યો હતો.
મહાકાલ મંદિરમાં શ્રાવણના એક મહિનામાં કાઉન્ટરથી 26.92 લાખ રૂપિયાની આવક થઈ હતી. આ સિવાય વિશેષ દર્શનમાંથી 4.63 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. ઉજ્જૈન દર્શન બસનું ભાડું 77 હજાર રૂપિયા આવ્યું છે અને સવારીમાંથી 5505 રૂપિયાની આવક થઈ છે.
મહાકાલ મંદિરની પંડિત સૂર્યનારાયણ ધર્મશાળામાંથી 3.95 લાખની આવક થઈ છે જ્યારે અન્ય દર્શન વ્યવસ્થામાંથી 19.60 લાખથી વધુની કમાણી નોંધાઈ છે. આ સિવાય અન્નક્ષેત્રમાં 10.21 લાખ રૂપિયાનું ડોનેશન આવ્યું છે. મંદિરને ઓનલાઈન રૂ. 11.68 લાખનું દાન મળ્યું છે અને ગર્ભ ગૃહની દાનપેટીમાંથી રૂ. 19.22 લાખ દાન નીકળ્યું છે. મંદિરની અન્ય દાનપેટીઓમાંથી 2.95 કરોડથી વધુ રૂપિયા દાન તરીકે નીકળ્યા છે.
આ પણ વાંચો: મંદિરની દાનપેટીમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું, 4 દિવસ ગણતરી ચાલી