ધર્મની તાકાત શું છે?

ધર્મની તાકાત કેટલી છે? આ વિષય પર ચિંતન કરવા જેવું છે. ધર્મની તાકાત એવી છે જેનાથી સિદ્ધાંતો, મૂલ્યો નેવે મૂકાઈ જાય છે.

ધર્મની તાકાત શું છે?
image credit - Google images

ધર્મ ઈશ્વરે બનાવેલ નથી, માણસે બનાવેલ છે. મુખ્યત્વે લોકો પર શાસન કરવું સહેલું બને તે માટે ધર્મની ઉત્પત્તિ થઈ છે. રાજા ઈશ્વરનો પ્રતિનિધિ છે અને ઈશ્વરની ઈચ્છાનુસાર શાસન કરે છે એવું સ્થાપિત કરવામાં આવ્યું હતું. ધર્મ શાસન ચલાવવામાં અને શાસન ટકાવી રાખવામાં ઉપયોગી બન્યો હતો.

ધર્મની તાકાત કેટલી છે? આ વિષય પર ચિંતન કરવા જેવું છે. ધર્મની તાકાત એવી છે જેનાથી સિદ્ધાંતો, મૂલ્યો નેવે મૂકાઈ જાય છે. જેમકે ડુંગળી-લસણ નહીં ખાવાનો ઉપદેશ આપનાર સ્વામિનારાયણ સંતો અને જૈન મહારાજો પણ ગાયના કસાઈઓ પાસેથી 250 કરોડનું ડોનેશન મેળવનારનો પ્રચાર કરવા લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી બેકારી, મોંઘવારીનો અહેસાસ થતો નથી. ઉલટાનું બેરોજગારી, મોંઘવારી ભલે વધે પણ સંસ્કૃતિનું, રાષ્ટ્રહિતનું, ધર્મનું રક્ષણ થવું જોઈએ એવા હઠાગ્રહનો જન્મ થાય છે. માણસ ભલે રીબાઈ રીબાઈને મરે પણ ધર્મનું રક્ષણ થવું જોઈએ. ધર્મની તાકાત એવી છે જેનાથી પોતાના બાળકોની ખાનગી સ્કૂલ, કોલેજની ફી નહીં ભરી શકે તો વાંધો નહીં, ભણતર કરતા ધર્મનું જ્ઞાન મહત્વનું લાગવા લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી દ્રૌપદીઓના વસ્ત્રાહરણ રૂટિન લાગવા લાગે છે! ધર્મની તાકાત એવી છે જેનાથી સંવેદનાતંત્ર બૂઠું થઈ જાય છે. ધર્મની તાકાત એવી છે જેનાથી સામાન્ય માણસો ભ્રમિત થાય છે એવું નથી પરંતુ ગુણવંત શાહ જેવા વિદ્વાન લેખકો, જેલ નિવાસી પત્રકાર સૌરભ શાહ, મોટિવેશનલ સ્પીકર્સ, ફિલ્મ કલાકારો, ડાયરા કલાકારો, કોર્પોરેટ કથાકારો, સદગુરૂ, શ્રી શ્રીઓ, બાબાઓ, બાપુઓ, આશારામો ભ્રમિત થઈ બીજાઓને ભ્રમિત કરવા પરિશ્રમ કરે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી તમને સાચા ઈતિહાસને બદલે નકલી ઈતિહાસ સાચો લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી તમને સત્તાપક્ષના IT Cell, WhatsApp યુનિવર્સિટીના ગપ્પાં પરમ સત્ય લાગે છે. 

આ પણ વાંચોઃ શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ

ધર્મની તાકાત એવી છે જેનાથી તમે વામપંથીઓને ગાળો દેવા લાગો છો પણ એ સમયે તમે ભૂલી જાઓ છો કે ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ પણ વામપંથી હતા. ધર્મની તાકાત એવી છે જેનાથી તમે ખોટા, ખરાબ, ક્રિમિનલ શાસકોને પાંચ વરસ માટે પસંદ કરો છો અને પાંચ વરસ દરમિયાન તમારે યૌન શોષણની ફરિયાદ કરવા સુપ્રિમકોર્ટમાં જવું પડે છે. આત્મહત્યા માટે મજબૂર કરનારનું નામ ડાઈંગ ડેકલેરેશનમાં હોય તોપણ FIR નોંધાવવા તમારે હાઈકોર્ટ, સુપ્રિમકોર્ટમાં જવું પડે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી તમે સત્ય બોલો કે વિરોધ કરો તો જેલમાં બંધ થવું પડે છે. ધર્મની તાકાત એવી છે જે સત્યને અસત્ય તરીકે સ્થાપિત કરી છે. ધર્મની તાકાત એવી છે જેનાથી નબળા શાસક; અવતારી, વિશ્વગુરુ દેખાવા લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી તમને બંધારણ કરતા મનુસ્મૃતિ ચડિયાતી લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી સમાજમાં અસ્પૃશ્યતા, ભેદભાવ ટકી રહે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી આપણી વિવેકશક્તિ, તર્કશક્તિનો નાશ થઈ જાય છે અને દૂષણો સદ્દગુણો લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી લોકશાહીની કબર ખોદાય જાય છે. ધર્મની તાકાત એવી છે જેનાથી તમને માનવમૂલ્યો, બંધારણીય મૂલ્યો; બંધુતા-સમાનતા-સ્વતંત્રતા-સામાજિક ન્યાય આ બધાં મૂલ્યો ધર્મ કરતા બિન મહત્વના લાગે છે.

ધર્મની તાકાત શું છે તેનું એક ઉદાહરણ જોઈએ. 7 મે 2024ના રોજ સુરેન્દ્રનગરના જોરાવરનગર વોર્ડ નંબર-10 ના પેજ પ્રમુખ દુષ્યંત આચાર્ય શાળામાં મતદાન થતું હતું તેના ગેટ પાસે ઊભા રહી, પોતાના પરિવાર, બાળકોના હિતને ભૂલીને સત્તાપક્ષને મત આપવાનો પ્રચાર કરતા હતા. ધર્મની તાકાત એવી છે કે તે ચૂંટણીપંચને, પોલીસને, ચૂંટણી અધિકારીઓને પણ અંધભક્ત, ચાપલૂસ બનાવી દે છે.

લોકશાહી દેશોમાં શાસકો પણ સત્તાપ્રાપ્તિ માટે, સત્તા ટકાવી રાખવા માટે ધર્મને વધુ પડતું  મહત્વ આપવા લાગ્યા છે. આ બહુ સરળ રસ્તો છે. રામના નામે પથ્થરા જ નહીં; પરંતુ  બળૂકા ભ્રષ્ટાચારીઓ, ક્રિમિનલ, તડિપાર અને યૌન શોષણ કરનારા પણ તરી જાય છે.

રમેશ સવાણી (લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)

આગળ વાંચોઃ અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Dilip Kumar Virabhai Sutariya
    Dilip Kumar Virabhai Sutariya
    સર,. નમસ્કાર, જય ભારત જય ભીમ જય સંવિધાન, સર,આપે સત્ય ઉજાગર કરેલ છે, ધન્યવાદ
    26 days ago
  • Shailesh Pateliya
    Shailesh Pateliya
    સર, "ધર્મ" શબ્દને બદલે "ખોટો ધર્મ" શબ્દ વાપરવો ઉચિત રહેશે. જે વાસ્તવિકતા તમે ઉજાગર કરી છે તે સત્ય "ધર્મ" ની નહીં પણ "ખોટા ધર્મ" ની છે. અન્યાય અને શોષણ સામેની લડાઈમાં આપણે સત્ય ધર્મ પર હુમલો ન કરીએ. આપણી લડાઈ ખોટા ધર્મની, અધર્મ (ધર્મના દુરુપયોગ) ની સામે છે.
    26 days ago