સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન

આજીવન જ્ઞાતિ નાબૂદી માટે સંઘર્ષરત આંબેડકરે પોતે સ્થાપેલા રાજકીય પક્ષો મારફતે આજે જેની બોલબાલા છે તે જ્ઞાતિનું રાજકારણ જરાય ખેલ્યું નહોતું. પરંતુ તેમણે દલિતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપીને સમાજના વિભિન્ન વર્ગોને સ્પર્શતા મુદ્દાઓની રાજનીતિ કરી હતી.

સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન
Photo By Google Images

- ચંદુ મહેરિયા

ડો.બાબાસાહેબ આંબેડકરે દલિતોને રાજકીય અધિકારો અપાવ્યા હતા. એટલું જ નહીં તેમણે તે માટે તેમને સંઘર્ષ કરતા કર્યા હતા. તેઓ દલિતોને કહેતા હતા કે જ્યાં સુધી આપણી પાસે રાજકીય અધિકાર નથી ત્યાં સુધી સમાજમાં જરૂરી પરિવર્તન લાવી શકાશે નહીં. પોતાના જીવનકાળમાં ડો.આંબેડકરે ત્રણ રાજકીય પક્ષો સ્થાપ્યા હતા: ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી, ઓલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા. ૧૯૩૨ની ગોળમેજી પરિષદમાં બાબાસાહેબે દલિતો માટે અલગ મતાધિકારની માંગણી કરી હતી. તે પછી થયેલા પૂના કરારમાં તેને બદલે અનામત બેઠકો મળી. ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય ધારા અન્વયે ૧૯૩૭માં ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં ભાગ લઈ દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ ઉભું કરવા માટે ૧૯૩૬માં ડો.આંબેડકરે સ્વતંત્ર મજૂર પક્ષ(ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી) ની સ્થાપના કરી હતી. તેમના પ્રથમ રાજકીય પક્ષે મુંબઈ પ્રાંતની 17 બેઠકો પર ઉમેદવારી કરીને 15 પર વિજય મેળવ્યો હતો. એ રીતે બાબાસાહેબના પહેલા રાજકીય પક્ષને સારી સફળતા મળી હતી અને તેણે વિરોધ પક્ષનું સ્થાન મેળવ્યું હતું.

આજીવન જ્ઞાતિ નાબૂદી માટે સંઘર્ષરત આંબેડકરે પોતે સ્થાપેલા રાજકીય પક્ષો મારફતે આજે જેની બોલબાલા છે તે જ્ઞાતિનું રાજકારણ જરાય ખેલ્યું નહોતું. પરંતુ તેમણે દલિતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપીને સમાજના વિભિન્ન વર્ગોને સ્પર્શતા મુદ્દાઓની રાજનીતિ કરી હતી. પહેલી રાજકીય પાર્ટીની સ્થાપના વખતે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાર્ટીનો મુખ્ય આધાર દલિતોની અનામત બેઠકો છે પણ  પાર્ટીનું નામ અને એજન્ડા વિશાળ રાખીને અમે અન્ય વર્ગ તથા જ્ઞાતિને માટે અમારા દરવાજા ખૂલ્લા રાખવા માંગીએ છીએ. દલિતેતર મતદારો અને પક્ષોનો રાજકીય સહયોગ પાર્ટીનું ફલક વ્યાપક હોય તો જ શક્ય છે તે દલિત રાજનીતિના આ પુરોધાને સમજાઈ ચૂક્યું હશે.

આજથી આઠ દાયકા પૂર્વે, 19મી જુલાઈ ૧૯૪૨ના રોજ, તેમણે ઓલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન નામક પોલિટિકલ પાર્ટીની રચના કરી ત્યારે પણ તેઓ જ્ઞાતિના રાજકારણથી દૂર રહ્યા હતા. આ પાર્ટીની રચનાનો તેમનો ઉદ્દેશ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સંતુલન સાધી ત્રીજો વિકલ્પ ઉભો કરવાનો હતો. પક્ષનો મુખ્ય ઉદ્દેશ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું રક્ષણ, તમામ ભારતીયો માટે રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક સમાનતા કાયમ કરવી, શોષણ મુક્તિ, લોકોને ભય અને અભાવથી મુક્ત રાખવા વગેરે હતો. બાબાસાહેબના આ પક્ષને ઝાઝી રાજકીય સફળતા મળી નહોતી પરંતુ ભૂમિ આંદોલન મારફતે તેણે દલિતોમાં રાજકીય ચેતના જગવી હતી અને મજબૂત સંગઠન ઉભું થઈ શક્યું હતું.  

૧૯૫૬ની 14મી ઓકટોબરે નાગપુરમાં ડો. આંબેડકરે શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનનું વિસર્જન કરી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની રચના કરવાની જાહેરાત કરી હતી. આ પક્ષનું બંધારણ પણ બાબાસાહેબે ઘડ્યું હતું. પરંતુ તેમની હયાતીમાં પક્ષની સ્થાપના થઈ શકી નહીં. ડો.આંબેડકરના નિર્વાણ પછી ત્રીજી ઓકટોબર ૧૯૫૭ના રોજ તે અસ્તિત્વમાં આવી હતી. આંબેડકરે રચેલા આ ત્રીજા પક્ષનો ઉદ્દેશ બંધારણમાં આપેલા વચનોના અમલનો તો હતો જ ઉપરાંત સમાજમાં પ્રવર્તતી વિષમતા દૂર કરી કાયદા સમક્ષ સમાનતા સ્થાપવાનો હતો. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા પ્રાપ્ત કરવાનું પક્ષનું મુખ્ય ધ્યેય હતું. અગાઉના પક્ષોની જેમ આ પક્ષને પણ તેઓ દલિતો પૂરતો મર્યાદિત રાખવાને બદલે વ્યાપક બનાવવા માંગતા હતા. કેટલાક વરસો મુસલમાન, શીખ વગેરે તેમાં સામેલ પણ થયા હતા જોકે આજે તો રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની ઈમેજ દેશમાં અનેક ફાંટાઓમાં વહેંચાયેલી દલિત પાર્ટીની છે.

ઉત્તર આંબેડકરી દલિત રાજનીતિમાં ઉભરેલું દમદાર નામ કાંશીરામનું છે. બામસેફ(૧૯૭૮) અને DS૪(૧૯૮૧) પછી તેમણે ૧૯૮૪માં બહુજન સમાજ પાર્ટી (BSP) ની સ્થાપના કરી હતી. કાંશીરામે પક્ષના નામમાં બહુજન શબ્દ પ્રયોજી તેને દેશની બહુમતી વસ્તીની રાજકીય આકાંક્ષાનું પ્રતિબિંબ પાડતી પાર્ટી બનાવવાનું સ્વપ્ન જોયું હતુ. સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાનો નારો પિછડા માંગે સો મેં સાઠ નો હતો. કાંશીરામનો નારો જિસ કી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી નો હતો. દેશની વસ્તીમાં દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓને તેમના વસ્તીના પ્રમાણમાં રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેમ તેઓ માનતા હતા. તેમણે રાજનીતિને દલિતજનથી બહુજનમાં પરિવર્તિત કરી હતી.

દેશમાં દલિતોની સૌથી વધુ વસ્તી(૩૯.૯૪ ટકા) તો પંજાબમાં છે. કાંશીરામ પણ પંજાબના હતા પરંતુ તેમને રાજકીય સફળતા ઉત્તરપ્રદેશમાં મળી! બસપા નેત્રી માયાવતીને તેઓ 4 વાર દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શક્યા. ડો. આંબેડકર પુસ્તકો ભેગા કરે છે અને હું લોકોને એમ કહેનારા કાંશીરામ આંબેડકરની સિધ્ધાંતો આધારિત રાજનીતિને બદલે નિતાંત સત્તાની રાજનીતિમાં માનતા હતા. કાંશીરામ-માયાવતી દલિતોને હુકમરાન સમાજ બનાવવા માંગતા હતા. તે માટેની તેમની સફર દલિતજન કે બહુજન સુધી સીમિત ના રહેતાં સર્વજન સુધી વિસ્તરી હતી. વિશુધ્ધ સત્તાની આ રાજનીતિ ગઠબંધનની રાજનીતિ હતી અને તેમાં કથિત દલિતવિરોધી પક્ષનું સમર્થન મેળવવાનો પણ કોઈ બાધ નહોતો.

બાબાસાહેબના સમતા સૈનિક દળની તુલના જ્યારે રામવિલાસ પાસવાનની દલિત સેના કે ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી સાથે કરીએ ત્યારે લાગે છે કે આ ત્રણેય નામમાં જ કેટલો ભેદ છે. આંબેડકરે લોકતંત્રનો આધારભૂત બંધારણીય ઢાંચો મજબૂત કર્યો હતો. પણ તે પછીના અને આજના દલિત નેતાઓએ વિચારધારાના કશા છોછ વિના રાજકીય દાવપેચ ખેલીને સત્તા કે પ્રધાનપદાં મેળવ્યાં છે. અને પાછા તેઓ દલિતોને હુકમરાન સમાજ બનાવ્યાનું કે સત્તાની ગુરુકિલ્લી તો તેમની પાસે જ હોવાનું ગૌરવ લે છે.

છેક ૧૯૬૦માં દામોદરમ સંજીવૈયા આંધ્રના મુખ્યમંત્રી બન્યા હતા. તે દેશના પહેલા દલિત મુખ્યમંત્રી હતા. હજુ ગયા વરસે જ સામી ચૂંટણીએ પંજાબમાં કોંગ્રેસે દલિત નેતા ચરણજીત સિંઘ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. વર્તમાનમાં ભારતના એક પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી નથી. અનામત બેઠકો પર દલિતો સાંસદો અને ધારાસભ્યો બન્યા છે. કેન્દ્ર અને રાજ્યોમાં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ બન્યા છે. પરંતુ આંબેડકરના સપનાના વર્ગવિહીન-જ્ઞાતિવિહીન સમાજની રચનાની દલિત રાજનીતિથી તે જોજનો દૂર છે.

દેશની વસ્તીમાં દલિતોનું  જે પ્રમાણ છે તે મુજબ તે એકલા હાથે સત્તા મેળવી શકે તેમ નથી. તેને બહુજન કે સર્વજન સુધી વિસ્તારીને સત્તા હાંસલ કરતાં દલિત સમસ્યાના નિરાકરણનો અવકાશ રહેતો નથી. મુખ્ય ધારાના રાજકીય પક્ષનું પ્રમુખ પદ(કોંગ્રેસમાં ખડગે કે ભાજપમાં બાંગારુ) કે રાજ્યનું મુખ્યમંત્રી પદ મળે તેથી સ્વાયત્ત અને સ્વતંત્ર દલિત રાજનીતિ શક્ય બની નથી. ડો.આંબેડકરે વિસર્જિત કરેલા ઓલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનની સ્થાપનાના આઠેક કરતાં વધુ દાયકે આ એક વણઉકેલ્યો કોયડો છે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. બાબાસાહેબના જીવનકાર્યના અભ્યાસુ છે.)

 

 

 

 

 

  


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Solanki nipulkumar kanji bhai
    Solanki nipulkumar kanji bhai
    Sanvidhan 100%Lagvu desh ka udhar