કેરીના ગોટલાનો રસો પીવાથી 3 આદિવાસી મહિલાઓના મોત, 7 બીમાર
ભૂખમરાનો સામનો કરી રહેલી આદિવાસી પરિવારે કેરીના ગોટલામાંથી બનેલી વાનગી ખાધી હતી, જેની ઝેરી અસરને કારણે આખી ઘટના ઘટી હતી.

ઓડિશા (Odisha) ના કંધમાલ જિલ્લા (Kandhamal district) ના મંડીપાંકા ગામ (Mandipanka village) માં ભૂખમરાનો સામનો કરી રહેલી ત્રણ આદિવાસી મહિલાઓના મોત (3 tribal women die) થઈ ગયા. આ મહિલાઓએ જમવા માટે અનાજ ન મળતા કેરીના ગોટલામાંથી દલિયા (Aam ka Daliya) નામની વાનગી બનાવી ખાધી હતી. જો કે તેના ઝેરની અસરથી ત્રણેયનું મોત થઈ ગયું હતું. આ મામલે ઓડિશા સરકારના કઠેડામાં ઉભી કરતા વિપક્ષ બીજેડી અને કોંગ્રેસે વિધાનસભામાં હોબાળો મચાવ્યો હતો અને ઓડિશાની ભાજપની મોહન ચરણ માંઝી સરકાર (Mohancharan Manjhi Govt.) ખાદ્ય સુરક્ષા જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવી જાહેર અન્ન વિતરણ પદ્ધતિને વધુ સારી બનાવવા આગ્રહ કર્યો હતો. આ ઘટનાને 20 દિવસ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ મુજબ ગયા મહિને કંધમાલ જિલ્લામાં કેરીના ગોટલામાંથી બનાવેલી વાનગી ખાવાથી બે આદિવાસી મહિલાઓના મોત થયા હતા અને અન્ય સાત લોકો બીમાર પડી ગયા હતી. આ ઘટના દરિંગબાડી તાલુકાના મંડીપાંકા ગામમાં બની હતી, જ્યાં કેટલાક ગામલોકોએ થોડા દિવસ પહેલા કેરીના ગોટલામાંથી બનેલી વાનગી ખાધી હતી. બીમાર લોકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત નાજુક હોવાથી તેમને બરહામપુર મોકલવામાં આવી રહ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બે મહિલાઓના મોત થયા હતા. એક મહિલાનું આરોગ્ય કેન્દ્રમાં મૃત્યુ થયું હતું જ્યારે બીજી મહિલાનું એમ્બ્યુલન્સમાં બરહામપુર જતા રસ્તામાં મોત થયું હતું. મૃતક મહિલાઓની ઓળખ 30 વર્ષની રૂની માઝી અને 28 વર્ષની રનીતા પટામાઝી તરીકે થઈ હતી.
ગામમાં સુભદ્રા યોજનાનો કોઈ લાભ નથી મળ્યો
આ મામલે સત્તાવાર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં એક NGO, રિપબ્લિક રાઈટ્સ સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશન (GASS), ઓડિશાની બે સભ્યોની ટીમે મંડીપંકા ગામની મુલાકાત લીધી હતી. ટીમે ગામના લોકો, પીડિત પરિવારો, સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ અને બીડીઓ સાથે વાતચીત કરી. તેમણે પ્રભાતી પટ્ટામાઝી, સુઝાના પટ્ટામાઝી અને જીબંતી પટ્ટામાઝીની લીધી હતી, જેઓ બેરહામપુર હોસ્પિટલ ખાતે સારવાર બાદ ઘરે પરત ફરી હતી. તેમણે અન્ય પાંચ લોકો સાથે જણાવ્યું કે તેમને સુભદ્રા યોજના હેઠળ કોઈ ચૂકવણી કરવામાં આવી નથી, જે ઓડિશામાં વર્તમાન સરકાર દ્વારા મહિલાઓ માટે સૌથી વધુ પ્રમોટ કરવામાં આવેલી યોજના છે.
આદિવાસીઓ ભૂખમરાને કારણે ગોટલી ખાવા મજબૂર
ઓરિસ્સાની બીજુ જનતા દળ સરકાર વખતથી ભૂખમરાનો સામનો કરી રહેલા ઓડિશાના આદિવાસીઓ હજુ પણ એ જ નર્કાગાર જેવી સ્થિતિમાં જીવન જીવવા મજબૂર છે. બે ટંકનું ભોજન પુરું કરવા માટે આદિવાસીઓ કેરીના ગોટલા એકઠાં કરી તેનો સંગ્રહ કરે છે અને તેમાંથી દલિયા જેવી વાનગી બનાવી જીવન પસાર કરે છે. જ્યારે ચોખા અને અન્ય અનાજનો સ્ટોક સમાપ્ત થઈ જાય છે ત્યારે તેઓ કેરીના ગોટલામાંથી દલિયો બનાવી ખાય છે. તેમાં ગોટલાની અંદરના ભાગને કાઢીને તેને ઝીણો પીસીને ચૂર્ણ બનાવવામાં આવે છે. એ પછી તેને 12 કલાક સુધી પાણીમાં પલાળીને રખાય છે. આ પલાળેલી ગોટલીના ચૂર્ણને ઉકાળીને આખો ડિસેમ્બર મહિનો ભૂખમરામાંથી રાહત મેળવે છે.
અધિકારીઓની દલીલઃ ગોટલી પૌષ્ટિક ખોરાક છે
સામે ભાજપની માંઝી સરકારના અધિકારીઓ દલીલ કરે છે કે ગોટલીની આ વાનગી એક પૌષ્ટિક ખોરાક છે. પણ સવાલ એ છાય કે, જો એમ હોય તો તેને ચોખા, કઠોળ, ઈંડા અને લીલા શાકભાજીની સાથે શાળાના પુસ્તકોમાં સંતુલિત આહાર કે પોષણ ચાર્ટમાં શા માટે સામેલ કરવામાં આવતી નથી? એ વાત સાચી છે કે ઓડિશાના દલિતો-આદિવાસીઓ કેરીની ગોટલી ભેગી કરીને તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે. પરંતુ તે તેમની મજબૂરી છે. કેમ કે, તેમને પોષણયુક્ત અનાજ પુરતા પ્રમાણમાં મળતું નથી. જ્યારે ખેતરોમાં નવો પાક તૈયાર થાય ત્યારે તરત તેઓ આ ગોટલા ફેંકી દે છે.
ગોટલીઓ ઝેરી બની ગઈ હતી
કેરીની ગોટલીઓને કાળજીપૂર્વક ત્રણ વર્ષ માટે સંગ્રહિત કરીને જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી હતી. ઘણા આદિવાસી પરિવારોમાં ગોટલી સૂકી ઋતુ દરમિયાન એક વિકલ્પ તરીકે ઉપયોગ થાય છે. ભૂખ ભાંગવા માટે તેને ધોઈ, સૂકવી અને ભારે મહેનતથી પીસીને મોટાભાગે ચોખા સાથે દલિયા બનાવીને ખાવામાં આવે છે. પણ તે દિવસે સંગ્રહ કરવામાં આવેલી ગોટલીઓ ઝેરી થઈ ગઈ હતી, જેના કારણે મહિલાઓ સહિત અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું.
તાત્કાલિક અનાજનું વિતરણ કરાયું પણ કાયમી ઉકેલ નહીં
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપ્યા હતા અને કામચલાઉ રાહતના પગલા તરીકે અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્રણ મહિનાના ચોખાનું વિતરણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ, વિપક્ષી નેતાઓ, ખાસ કરીને બીજેડી અને કોંગ્રેસે, સરકાર તરફથી મોડેથી કાર્યવાહી કરવામાં આવી હોવાને લઈને ટીકા કરતા જણાવ્યું કે, પરિસ્થિતિ ગંભીર હોવા છતાં ન તો મુખ્યમંત્રીએ, ન તો કોઈ કેબિનેટ મંત્રીએ આ વિસ્તારની મુલાકાત લીધી.
મીડિયા રિપોર્ટ મુજબ, અસરગ્રસ્ત વિસ્તારમાં આદિવાસી પરિવારોને તાત્કાલિક અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ અન્ન સુરક્ષા અને આદિવાસી કલ્યાણના મોટા મુદ્દાઓ હજુ પણ વણઉકેલાયેલા છે.
આ પણ વાંચોઃ આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા ત્યાં દીપડો છોડી દેવાયો