ત્રણ મહિના પહેલા બની પાર્ટી, બે રાજ્યોમાં જીતી 4 સીટ, જાણો કોણ છે આદિવાસી સમાજની તાકાત દર્શાવતી BAP પાર્ટી પાછળનો ચહેરો

ત્રણ મહિના પહેલા બની પાર્ટી, બે રાજ્યોમાં જીતી 4 સીટ, જાણો કોણ છે આદિવાસી સમાજની તાકાત દર્શાવતી BAP પાર્ટી પાછળનો ચહેરો

ત્રણ મહિના પહેલા બની પાર્ટી, બે રાજ્યોમાં જીતી 4 સીટ, જાણો કોણ છે આદિવાસી સમાજની તાકાત દર્શાવતી BAP પાર્ટી પાછળનો ચહેરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાની ટિકિટ બીટીપીના અધ્યક્ષ એવા તેમના દીકરા મહેશ વસાવાએ કાપી નાખી હતી. એ વખતે છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે તેમના નાના દીકરાની પાર્ટીએ આખરે તેમના ચહેરા પર ખુશી પાછી લાવી છે. કેમ કે હાલમાં જ બનેલી ભારત આદિવાસી પાર્ટી(BAP)એ રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક સીટ જીતીને આદિવાસી સમાજની રાજનીતિનો દબદબો ફરી એકવાર પ્રસ્થાપિત કરી દીધો છે. ત્યારે ચાલો જાણીએ પહેલી જ ચૂંટણીમાં આટલી મોટી

સફળતા મેળવનાર BAP પાર્ટી વિશે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તેલંગાણાને બાદ કરતા વિપક્ષની આગેવાની કરેલી રહેલી કોંગ્રેસ પાર્ટીને બધી જગ્યાએ ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ-ભાજપ વચ્ચે થયેલા સીધા જંગમાં ફરી એકવાર ગુજરાતના આદિવાસી સમાજના કદાવર નેતા છોટુભાઈ વસાવાએ આડકતરી રીતે પોતાનો દબદબો પ્રસ્થાપિત કર્યો છે. ગયા વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છોટુદાદાના દીકરાની નવી પાર્ટીએ 4 સીટો જીતીને રાજકીય વિરોધીઓને ફરી એકવાર આદિવાસી સમાજની તાકાતનો પરચો બતાવ્યો છે.

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં એકબાજુ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, પરંતુ ગુજરાતના આદિવાસી સમાજના કદાવર નેતા છોટુભાઈ વસાવાને આ ચૂંટણીઓમાં મોટી તાકાત મળી છે. ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમની ભારતીય ટ્રાઈબલ પાર્ટી(BTP)ના આંતરિક વિખવાદ બાદ છોટુ વસાવાને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની બનાવેલી પાર્ટીના ભાગલા પડી ગયા હતા ત્યારે રાજકીય વિરોધીઓ એવું માનતા હતા કે, આદિવાસી સમાજના આ કદાવર નેતા અને આદિવાસી પોલિટિક્સ બંનેનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. જો કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા તેમના નાના દીકરા દિલીપ વસાવાએ આદિવાસી નેતાઓ સાથે ભારતીય આદિવાસી પાર્ટી(BAP)ની સ્થાપના કરી હતી. અને ખરેખર આ પાર્ટી બાપ સાબિત થઈ હતી. કેમ કે તેણે રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક સીટ જીતીને ફરી એકવાર આદિવાસી રાજનીતિમાં પોતે બીજા બધાંના બાપ હોવાનું સાબિત કરી દીધું છે.

AAP કરતા પણ આગળ નીકળી ગઈ BAP

ગુજરાત જ નહીં દિલ્હી સુધી BAPની રાજનીતિની ચર્ચા થઈ રહી છે. રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે વિધાનસભા ચૂંટણી વખતે મોટા દીકરા મહેશ વસાવા સાથે મતભેદો હોવાનું અને અપક્ષ ચૂંટણી લડવી એ આ પિતા-પુત્રની રાજનીતિનો એક ભાગ હતો. આ પ્રકારનું રાજકારણ શરદ પવાર પછી એકમાત્ર છોટુભાઈ વસાવાએ કર્યું છે. હવે તેમના નાના દીકરા દિલીપ વસાવાએ નવી પાર્ટી બનાવીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં 4 સીટો આંચકી લીધી છે. એક રીતે જોવા જઈએ તો પંજાબ અને દિલ્હીમાં સરકાર ચલાવી રહેલી AAP કરતા પણ સાવ નવી BAP આગળ નીકળી ગઈ. આપને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એકેય સીટ મળી નથી. જ્યારે BAPને ચાર સીટો મળી છે. આ પક્ષના કર્તાહર્તા તરીકે છોટુભાઈ વસાવાના દીકરા દિલીપ વસાવા છે જેઓ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ છે અને તેના અધ્યક્ષ તરીકે મોહનલાલ રોત છે. 

BAP એ કઈ સીટો જીતી?

BAP એ રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી લડી હતી. બાપને પહેલી જ ચૂંટણીમાં 4 સીટો મળી છે, જે કોઈ નાનસૂની સફળતા નથી. રાજસ્થાનમાં પાર્ટીએ ચૌરાસી, આસપુર અને ધારિયાવાડ સીટો પર જીત મેળવી છે. જ્યારે મધ્યપ્રદેશની સલાણા બેઠક પર જીતનો ઝંડો લહેરાવીને તેણે વિધાનસભામાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી દીધી છે. BAP ને ચૂંટણી પંચે હોકી અને દડાનું ચૂંટણી ચિહ્ન આપ્યું હતું અને આ ચિહ્ને ખરેખર વિરોધીઓને તેમની સફળતાથી દડાની જેમ ફરતા કરી દીધાં છે. ચાર સીટો પર જીત મેળવ્યા બાદ BAP ના રાષ્ટ્રીય મહાસચિવ દિલીપ વસાવાએ પક્ષના વિજેતા ઉમેદવારોને અભિનંદન આપતા લખ્યું હતું કે, “ભારતીય આદિવાસી પાર્ટી(BAP) ના ત્રણ ભીલ આદિવાસી યુવાનો વિજેતા થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં એક સીટ પર જીત મળી છે. જય આદિવાસી, જય જોહાર. શુભેચ્છાઓ.”

આ પણ વાંચો : 2013 પછીથી દલિત, આદિવાસીઓ સામેના ગુનાઓમાં 46% અને 48%નો વધારો થયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.