મણિપુર હાઈકોર્ટને પ્રથમ મહિલા આદિવાસી જજ મળ્યાં; નાગા આદિવાસી સમાજમાંથી આવે છે જસ્ટિસ ગોલમેઈ ગૈફુલ્શિલુ કાબુઈ

મણિપુર હાઈકોર્ટને પ્રથમ મહિલા આદિવાસી જજ મળ્યાં; નાગા આદિવાસી સમાજમાંથી આવે છે જસ્ટિસ ગોલમેઈ ગૈફુલ્શિલુ કાબુઈ

દેશમાં સંસદ, કારોબારીથી લઈને ન્યાયતંત્ર સુદ્ધામાં કથિત સવર્ણ જાતિઓના લોકોનું એકહથ્થુ શાસન છે ત્યારે છેલ્લાં 5 મહિના કરતા વધુ સમયથી સળગી રહેલા મણિપુરમાં એક ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે.

મળતી વિગતો પ્રમાણે મણિપુર હાઈકોર્ટને તેના પ્રથમ મહિલા આદિવાસી જજ મળ્યાં છે. ન્યાયિક અધિકારી ગોલમેઈ ગૈફુલ્શિલુ કાબુઈ મણિપુર હાઈકોર્ટમાં ન્યાયધીશ તરીકે નિયુક્ત થનાર પહેલા આદિવાસી મહિલા બની ગયા છે. તેમની નિયુક્તિ કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રાલયે દ્વારા કરવામાં આવી છે. કાબુઈ મણિપુરના નાગા આદિવાસી સમાજમાંથી આવે છે. ભારે સંઘર્ષ કરીને આ પદ સુધી પહોંચીને તેમણે મણિપુરની અનેક આદિવાસી મહિલાઓને પ્રેરણા પુરી પાડી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક ઓફિશ્યિલ પત્રમાં કહ્યું છે કે, તેમને ગોલમેઈ ગૈફુલ્શિલુ કાબુઈને મણિપુર હાઈકોર્ટની ન્યાયધીશ નિયુક્ત કરતા અત્યંત આનંદની લાગણી થઈ રહી છે.

કેન્દ્ર સરકારે 13 ઓક્ટોબરે મદ્રાસ અને મણિપુરની હાઈકોર્ટમાં ત્રણ જજોની નિમણૂક માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આમાં એક ન્યાયિક અધિકારીનો પણ સમાવેશ થાય છે જે મણિપુર હાઈકોર્ટમાં જજ બનનાર અનુસૂચિત જનજાતિમાંથી પ્રથમ મહિલા બનશે. કેન્દ્ર દ્વારા સ્વીકૃત અન્ય બે નામો અનુસૂચિત જાતિ અને ઓબીસી સમુદાયના છે.

 

આ ભલામણ 10 જાન્યુઆરીથી મંજૂરી માટે રાહ જોઈ રહી હતી

મણિપુર હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ન્યાયિક અધિકારી ગોલમેઈ ગૈફુલશિલુ કાબુઈની નિમણૂક કરવામાં આવી હતી. નોટિફિકેશન 10 જાન્યુઆરીથી પેન્ડિંગ હતું. બે એડવોકેટ એન સેંથિલકુમાર અને જી અરુલ મુરુગનને મદ્રાસ હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બનેલી સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે જુલાઈમાં તેમના નામની ભલામણ કરી હતી.

સેન્થિલકુમાર પાસે કેટલો અનુભવ છે?

તેના ઠરાવમાં કોલેજિયમે જણાવ્યું હતું કે સેંથિલકુમારને બારમાં 28 વર્ષથી વધુનો અનુભવ છે અને તેમની પાસે મદ્રાસ હાઈકોર્ટ તેમજ સેશન્સ કોર્ટમાં હાજર રહેવાનો અનુભવ છે. આ સિવાય તેઓ બંધારણીય, ફોજદારી, સેવા અને સિવિલ બાબતોમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

 

મુરૂગન અંગે, કોલેજિયમે કહ્યું કે તેમની પાસે બારમાં 24 વર્ષનો અનુભવ છે અને તે સિવિલ, ફોજદારી અને રિટ બાબતોમાં નિષ્ણાત છે. તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે. કોલેજિયમે કહ્યું કે ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક OBC માટે વધુ પ્રતિનિધિત્વની સુવિધા આપશે. આ સાથે જ હવે હાઈકોર્ટમાં ઓબીસી જજોની સંખ્યા 67 થઈ જશે.

 

આ ત્રણ નામો આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી નવ ભલામણોના બેચનો ભાગ છે પરંતુ કેન્દ્ર દ્વારા હજુ સુધી સૂચિત કરવામાં આવ્યા નથી. સૌથી જૂની ભલામણ જાન્યુઆરીથી પેન્ડિંગ હતી. 

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.