મૌખિક પરંપરાથી લખાતા ઈતિહાસનો નમૂનારૂપ ગ્રંથ 'કોઈનો લાડકવાયો:જોરીયો પરમેશ્વર'

ગુજરાત યુનિ.ના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અરૂણ વાઘેલા આદિવાસી સમાજ પરના તેમના સંશોધનને કારણે જાણીતા છે. હાલમાં જ તેમનું આદિવાસી મહાનાયક જોરીયા પરમેશ્વર પરનું પુસ્તક પ્રકાશિત થયું છે. ઈતિહાસ પર આધારિત હોવા છતાં જે જરાય બોર નથી કરતું તેવા આ પુસ્તકનો પરિચય અહીં પ્રસ્તુત છે.

મૌખિક પરંપરાથી લખાતા ઈતિહાસનો નમૂનારૂપ ગ્રંથ 'કોઈનો લાડકવાયો:જોરીયો પરમેશ્વર'

લેખક - પ્રથમ પરમાર

ઇ.એચ.કારે લખ્યું છે કે, "ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અવિરતપણે ચાલતો સંવાદ એટલે ઈતિહાસ” ઈતિહાસ એક એવો વિષય છે જેને ભૂતકાળ સાથે સંબંધ છે પરંતુ શુષ્ક હકીકતો નહીં પરંતુ બનેલી ઘટના કે પ્રસંગનું યોગ્ય મૂલ્યાંકન કરીને તેમાંથી બોધપાઠ લેવો એ ઈતિહાસનું મુખ્ય કાર્ય છે. ઈતિહાસની નિસ્બત ભૂતકાળ સાથે હોવા છતાં તેનો સીધો નાતો બદલાતા જતા વર્તમાન સાથે છે અને એટલે જેમ જેમ વર્તમાન બદલાતો જાય તેમ તેમ વર્તમાનની જરૂરિયાત બદલાતી જાય અને એમ ભૂતકાળ તરફ જોવાની માનવીની દ્રષ્ટિ પણ બદલાતી જાય છે. પ્રાચીન સમયમાં ઈતિહાસ રાજા મહારાજાની યશગાથા અને વીરપૂજામાં જ ઈતિહાસ સીમિત હતો, મધ્યકાળમાં મુસ્લિમ તવારીખકારોએ શાસક તરફી દ્રષ્ટિબિંદુથી ઈતિહાસ લખ્યો અને આજે સાંપ્રત સમયમાં સર્વાંગી દ્રષ્ટિકોણથી ઈતિહાસને મૂલવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ આ સમગ્ર ઈતિહાસલેખન પરંપરા દરમિયાન એક મર્યાદા એ રહી કે તેમાં ક્યાંય વંચિત વર્ગ એટલે કે સ્ત્રીઓ, દલિતો, આદિવાસીઓ, મજૂરો વગેરેની વાત નહોતી એટલે આ વર્ગના પ્રદાનની નોંધ જ્યાં સુધી ઈતિહાસમાં ન લેવામાં આવે ત્યાં સુધી ભારતીય ઈતિહાસ તો શું. કોઈપણ દેશનો ઈતિહાસ અધુરો ગણાય. આથી આ બધાનું ઈતિહાસ ઘડતરમાં પ્રદાન નોંધવા માટે ‘વંચિતલક્ષી ઈતિહાસલેખન' નો ઉદ્દભવ થયો.

વંચિતોના દ્રષ્ટિકોણથી ઈતિહાસલેખન કરવાનો અભિગમ છેલ્લા ચારેક દાયકાથી કાર્યરત છે. તેમના મતે સમાજના માત્ર મુખ્યધારાના વર્ગો જ ઈતિહાસ નિર્માણમાં ભૂમિકા ભજવે એ બાબત ખોટી છે, આથી સમાજનો જે તરછોડાયેલો વર્ગ છે એમનું ઈતિહાસ નિર્માણમાં પ્રદાન પણ નોંધાવું જોઈએ એ ખ્યાલ આ ઈતિહાસલેખન પદ્ધતિના કેન્દ્રમાં હતો. આ ઈતિહાસલેખન માટે 'Subaltern' શબ્દ વપરાય છે જેનો પહેલો પ્રયોગ આંતોનીઓ ગ્રામસીએ કરેલો અને પછી 1980માં રણજીત ગુહાએ આ શબ્દનો ઉપયોગ ઈતિહાસના સંદર્ભે કર્યો. આ ઈતિહાસલેખન પદ્ધતિના સાધનો કે સ્રોતો પણ સામાન્ય રીતે ઈતિહાસલેખનમાં વપરાતા સાધનો કરતા જુદા પ્રકારના હોય છે. No Document, No History એ વિધાન આ ઈતિહાસલેખન પદ્ધતિમાં લાગુ પાડી શકાય એમ નથી. આપદ્ધતિમાં લેખિત દસ્તાવેજોની સાથે સાથે દંતકથા, સર્વહારા વર્ગનું સાહિત્ય અને ખાસ તો મૌખિક પરંપરાને ખાસ મહત્વ આપવામાં આવે છે. કારણ કે સરકારી દસ્તાવેજો માત્ર શાસકોની જ વાત કરે છે એટલે વંચિતોના ઈતિહાસ નિર્માણની પ્રક્રિયા સમજવા માટે ખુદ વંચિતોમાંથી જ સર્જાયેલા સ્રોતો મહત્વના બને છે. આવી સમજ સાથે તાજેતરમાં ડો.અરુણ વાઘેલા દ્વારા 'કોઈનો લાડકવાયો: જોરીયો પરમેશ્વર' પુસ્તક લખાયું છે તેની સમીક્ષા કરવાનો અત્રે ઉદ્દેશ છે.

અગાઉ કહ્યું તેમ વંચિતોમાં ભારતીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આદિવાસીઓ અંદાજે 10 કરોડ જેટલી વસ્તી ધરાવે છે તેને ધ્યાનમાં લઈ વંચિતલક્ષી ઈતિહાસલેખન અંતર્ગત આદિવાસીઓના પ્રદાન વિશે કેટલાક ઈતિહાસકારોએ ગ્રંથો આપ્યા છે જેમાં કે.એસ. સિંધ દ્વારા 'Birsa Munda and his movements', રણજીત ગુહા દ્વારા 'Subaltern Studies ગ્રંથ શ્રેણી, ડેવિડ હાર્ડીમેન દ્વારા 'C Devi', सुरेश मिश्रा द्वा२। 19वी सदी में भारत में आदिवासी विद्रोह' वगेरे ठेवा ग्रंथोनी 2/7 થાય છે. લેખના કેન્દ્રમાં જે પુસ્તક છે એવા જ ચરિત્રો આ પૂર્વે પણ લખાયા છે અને ઈતિહાસલેખનમાં એક નોખી રીત શરૂ કરી ચૂક્યા છે.

આદિવાસીઓના ઈતિહાસ અને સ્વતંત્રતા આંદોલનમાં તેમના પ્રદાન વિશે પૂરતા ખંત અને મહેનતથી સંશોધન કરનાર નિષ્ઠાવાન સંશોધક અને અધ્યાપક એટલે અરુણ વાઘેલા. તેમના PHDનો વિષય પણ આદિવાસી ઈતિહાસ જ રહ્યો છે અને હાલ તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં ઈતિહાસ વિભાગના અધ્યક્ષ અને અધ્યાપક તરીકે કાર્યરત છે. ચંદ્રકો, પુસ્તકોને મળેલા ઈનામો જેવી ઔપચારિક બાબતોને બાજુ પર મૂકીએ તો અરુણ વાઘેલાનું સૌથી મહત્વનું પ્રદાન એ ગણાય કે તેમણે માત્ર આદિવાસીઓના ઈતિહાસનું સંશોધન કરવાનું દુષ્કર કાર્ય નથી કર્યું, પરંતુ એની સાથે સાથે આદિવાસીઓના ઈતિહાસમાં અન્ય સંશોધકો રસ લેતા થાય એવો પ્રયાસ પણ હરહમેંશ માટે કર્યો છે. એક સાચો ઈતિહાસકાર માત્ર ઇતિહાસનું સંશોધન કરતો નથી પણ ઈતિહાસ સંશોધન કરી શકે એવા શિષ્યોની એક આખી પરંપરાનું સર્જન કરે છે અને પ્રોફેસર અરુણ વાઘેલા માટે આ બાબત એકદમ સાચી સાબિત થઈ છે. તેમની નિષ્ઠા અને સંશોધન સૂઝનો પરિચય એમના આ પુસ્તક પરથી સુપેરે મળી રહે છે. એમના ઔપચારિક પરિચયમાં વધુ જગ્યા ન રોકતા એમના દ્વારા રચાયેલ જોરીયો પરમેશ્વર પુસ્તકમાં પ્રવેશીએ તો એમની વિદ્વત્તા અને કાર્યદક્ષતાનો વધુ પરિચય મેળવી શકાશે.

અંગ્રેજોની વિરુદ્ધ સશસ્ત્ર ચળવળની વાત આવે ત્યારે મોટાભાગની પ્રજા અને ઈતિહાસના અભ્યાસીઓના મોઢે પણ અમુક ગણ્યા ગાંઠ્યા જ નામ આવતા હતા ત્યારે જેના સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય આથમતો નથી એવી બ્રિટિશ સરકારને ૧૮૬૮માં ચૌદ દિવસમાં હંફાવી દેનાર નાયકીરાજ આંદોલનના પ્રણેતા જોરીયા નાયકની અલિપ્ત રહેલી ગાથા લઈને લેખકે આ પુસ્તક લખ્યું છે. જોરીયા નાયક અને રૂપસિંહ નાયક દ્વારા અંગ્રેજોની વિરુદ્ધમાં ચલાવેલ આંદોલનનો આ ઈતિહાસગ્રંથ ઈતિહાસ મટીને એક નવલકથા રસ ઊભો કરે એવો રોમાંચક છે. પુસ્તકના જુદા જુદા પ્રકરણોનો સંક્ષેપ અને એ રીતે રજૂ થયેલી ગાથાની આછેરી ઝલક અહીં અસ્થાને નહીં ગણાય.

પંચમહાલના જંગલમાં રખડનાર એક નાયક આદિવાસી યુવાનમાં આવી મોટી બ્રિટિશ સરકાર સામે નાયકીરાજ આંદોલન ચલાવી એના પાયા હચમચવવાની હિંમત ક્યાંથી આવી? એ સમજશક્તિના વિકાસનો ઉપક્રમ કેવો રહ્યો હશે? જોરીયા નાયકનો ઉછેર, બાળપણ, મસૂરી નાયકણ સાથેની પ્રેમકથા, આદિવાસીઓ પર અંગ્રેજ અમલદારો અને દેશી રાજ્યો દ્વારા થતા અત્યાચારને જોઈને જોરીયા નાયકનું ઘડાયેલું માનસ અને જોરીયા નાયકમાંથી 'જોરીયા પરમેશ્વર' બનવાની તેમની યાત્રાને સમજવાનો પ્રયાસ તથા ઘટનાનો સિલસિલાબંધ ચિતાર લેખકે આ પ્રકરણમાં આપ્યો છે. આ પ્રકરણ જીવનચરિત્રાત્મક ન બનતા, વ્યક્તિત્વ ઘડતરની પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ છે.

અંગ્રેજો અને કાળા અંગ્રેજો એટલે કે અંગ્રેજોનો સાથ દેતા ભારતીયો દ્વારા આદિવાસીઓ પર મુખ્યત્વે ત્રણ બાબતમાં અત્યાચાર થતો હતો: પહેલું -જંગલોમાંથી વૃક્ષો કાપવા, તેને ઠેકાણે પાડવા મજૂર તરીકે ઉપયોગ કરતા. બીજું - બ્રિટિશ અધિકારીઓ નાટકીય ઢબે વનયજીવોનો બેફામ શિકાર કરતા હતા અને પરિણામે જંગલ તથા વન્યસૃષ્ટિ સાફ થઈ રહી હતી. ત્રીજું - આદિવાસીઓ પાસે સળંગ બે કે ત્રણ દિવસ સુધી વેઠ કરાવતા હતા. આ બધું જોરીયો નાયક જોતો અને એના પરિણામે એના મનમાં કઈ રીતે નાયકીરાજ સ્થાપવાની ઈચ્છા ઘડાવા માંડી અને જોરીયા નાયકના સાથીદાર જાગીરદાર રૂપસિંહ નાયકનું મિલન એનો ચિતાર લેખકે આ પ્રકરણમાં આપ્યો છે.

જોરીયા નાયક અને રૂપસિંહ નાયકને અંગ્રેજો સાથે સંઘર્ષ થયો એ પહેલા નારૂકોટના શાસક જગતા બારીયા સાથે સંઘર્ષ થાય છે. ત્યારબાદ છોટાઉદેપુરના રાજા જીતસિંહ સાથે લડાઈ થઈ અને નાયક આદિવાસીઓએ જાંબુઘોડા થાણા પર આક્રમણ કરી દેશી રાજ્યો તથા અંગ્રેજો સામે ખુલ્લો પડકાર ફેંક્યો. અંગ્રેજો સુધી પહોંચ્યા એ પહેલા નાયક આદિવાસીઓએ દેશી રાજ્યો સાથે જે દિલધડક સંઘર્ષ કર્યો એની વાત આ પ્રકરણમાં છે. આ પ્રકરણમાં ગલાલ નાયક નામનો આદિવાસી યુવાન શિવલાલ મહેતા નામના સરકારી કર્મચારીને જે રીતે મારી નાખે છે તેનો ઉત્તમ ચિતાર આ પ્રકરણનો વિશેષ છે.

માત્ર 30 વર્ષના જોરીયા પરમેશ્વર નામના યુવાને 1868ના વર્ષમાં આદિવાસી સમસ્યાને લઈ શરૂ કરેલી લડતથી સ્થાનિક બ્રિટિશ તંત્રની ઊંઘ હરામ કરી નાખી હતી. અંગ્રેજ સરકારને જોરીયા પરમેશ્વરે ચિંતામાં મૂકી દીધા હતા અને તેથી બ્રિટિશ સરકારે આ આદિવાસી વિદ્રોહને દબાવી દેવાની વ્યૂહરચના ઘડવા માંડી હતી. અંગ્રેજોને સાથ આપનાર ભારતીયોના અનેક દાખલા આ પ્રકરણમાં આપણને મળી આવે છે. કલેકટર પ્રોપર્ટ અને મેજર બાર્ટન તથા સામે પક્ષે જોરીયા પરમેશ્વર, રૂપસિંહ નાયક અને તેમની ટુકડીઓએ યુદ્ધની જોરદાર તૈયારીઓ કરવા માંડી હતી. જોરા સકાઉ જેવા ડુપ્લીકેટ જોરીયાને ઊભો કરવાનો આધુનિક ખ્યાલ, જંગલમાં આદિવાસીઓને કોઈ હરાવી ન શકે તેથી મેદાનમાં ખેંચી લાવવાની અંગ્રેજોની રણનીતિ અને છેક વડેક સળગાવી મૂકી નાયકીરાજના આંદોલનના અંત સુધીની રોમાંચક ઘટનાનું વર્ણન આ પ્રકરણમાં છે. સાથે નાયક આદિવાસી પછાત હોવા છતાં કેવી કુનેહપૂર્વક લડત લડતા હતા તેનું પણ બારીક વર્ણન પણ મળે છે.

ભારતીયોએ કરેલ દગાબાજીના પરિણામ સ્વરૂપ જોરીયા પરમેશ્વર, રૂપસિંહ નાયક, ગલાલ નાયક, બાબર નાયક અને રાવજી બારીયા પકડાયા અને તેમને ફાંસી થઈ. અન્ય ૧૭ જેટલા નાયક આદિવાસીઓને કેદની સજા ફરમાવી. આ બધી સજાઓ કરતા પણ એક મોટું કલંક અંગ્રેજોએ આદિવાસીઓને માથે એ થોપી બેસાડયું કે આદિવાસીઓના આ પ્રચંડ વિદ્રોહને ઈતિહાસમાંથી ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો અને આદિવાસીઓને ગુનેગાર જાતિ ગણાવી, ઈતિહાસમાંથી વિસરાયેલા આ પાત્રની કરુણા આ અંતિમ પ્રકરણમાં લેખકે વર્ણવી છે.

સંશોધકની નિષ્ઠા અને મહેનત એમના લેખનમાં ઝળકી ઉઠે છે. ત્રણ પરિશિષ્ટ, ચિત્રસૂચિ અને સમગ્ર લેખનકાર્ય દરમિયાન લેવાયેલ ઝીણામાં ઝીણી માહિતીની નોંધ એ સંશોધકે આ જોરીયા પરમેશ્વરના ઈતિહાસલેખન માટે લીધેલી મહેનતનો જીવંત પુરાવો છે. દરેક પ્રકરણને અંતે આપેલી પાદટીપ અને અઢાર જેટલા આધારગ્રંથો સંશોધકની સંશોધનવૃત્તિનો વ્યાપ બતાવે છે. ઉપરાંત માત્ર ગેઝેટીયર કે લાયબ્રેરીમાં બેસીને પુરોગામી ઈતિહાસકારોના પુસ્તકોનું અધ્યયન કરવાને બદલે લેખકે અનેક લોકોનો સાક્ષાત્કાર કર્યો છે અને એ રીતે ક્ષેત્રકાર્ય પણ કર્યું છે. Field Visit જેવા મહત્વના મુદ્દાને સંશોધકે પુરી નિષ્ઠા સાથે કરી બતાવ્યો છે એ એમના સ્થળના વર્ણનમાં સ્પષ્ટ દેખાય આવે છે. એટલે એ રીતે સંશોધકના સંશોધનનો વ્યાપ સૂક્ષ્મ કક્ષા સુધી વિસ્તર્યો છે. ગીતો, સંવાદો દ્વારા ઈતિહાસનો એક અલગ મિજાજ પણ અહીં પ્રગટ થાય છે.

સામાન્ય શિરસ્તો એવો હોય છે કે આધારસામગ્રી વિના કશું લખવું નહીં પરંતુ આદિવાસીઓ અથવા તો વંચિતોના ઈતિહાસલેખન બાબતમાં બહુધા આ યુરોપિયન ખ્યાલ અપૂરતો લાગે છે. જોરીયા પરમેશ્વરને અને તેના જેવા અનેક આદિવાસી ક્રાંતિકારીને યુરોપિયન દસ્તાવેજોમાં તો ” લૂંટારા તરીકે જ યીતરવામાં આવ્યા છે પરંતુ ખરેખર તે એક ક્રાંતિકારી નેતા હતો. અ બાબતમાં સત્યની શોધ દસ્તાવેજોથી નહિ પરંતુ મૌખિક પરંપરામાં સચવાયેલા લો 4/7 દંતકથા અને વ્યક્તિગત સાક્ષાત્કારથી થાય છે. યુરોપિયન ખ્યાલ No Document, No History કે નામૂલં સ્વિતે કૃિષિત એ અહીં ખોટું તો નહીં પણ અધૂરું સાબિત થાય છે. આથી આ પુસ્તક એ યુરોપિયન ઈતિહાસલેખન વિદ્યા જે બહુધા સામ્રાજ્યવાદી અને અંગ્રેજ અમલદારો દ્વારા નોંધાયેલ વિગત પર જ આધારિત છે એના માટે એક મોટો પડકાર છે.

ઈતિહાસ સંશોધન એ એક વિજ્ઞાન છે તેમ થયેલ સંશોધનની રસપ્રદ રજૂઆત એ એક કળા છે. પુસ્તકના લેખક સંશોધક તરીકે જેટલા ખીલ્યા છે એના કરતાં પણ વધારે તેઓ ઉત્તમ રીતે પોતાની વાતને રજૂ કરી શક્યા છે. એક સાહિત્યકારને શોભે એવી ભાષામાં, કલ્પનાના રંગ ઉમેરી એમને સત્યને પ્રગટ કર્યું છે અને એને લીધે વાચક માટે આ ઈતિહાસગ્રંથનું વાચન કઠિન નથી. રસાળ શૈલીને લીધે વાચકોનું આકર્ષણ ખેંચી શકવાની ક્ષમતા આ પુસ્તકમાં છે અને એટલે જ આ પુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં પ્રકાશિત થયું છે. લેખકની આકર્ષક શૈલીના કેટલાક નમૂના:

"આદિવાસીઓ અને જંગલ વચ્ચે તો નવજાત શિશુ અને પ્રસુતા જેવો સંબંધ હતો, જેને જંગલ કાયદા થકી વિખુટા પાડવાનું કારસ્તાન શરૂ થયું." ( પૃષ્ઠ નંબર : 31)

"ભારતીય પ્રજામાં પગ વિનાની અફવાઓ અણિયાળા હથિયારો કરતાં વધુ અસરકારક ઢબે લડાયક જુસ્સાનો ખાત્મો બોલાવી દે છે." ( પૃષ્ઠ નંબર : 66)

"પાઘડીમાં તાંસળી ઘાલી, છાતી પર ગેંડાનાં ચામડાનાં સુરક્ષા કવચ અને બંને હાથમાં તલવાર ધારણ કરેલો ખભે કામઠી પીઠે તીરનો ભાથો ભરાવી અને તાંડવ નૃત્ય કરતો જોરીયો!" (પૃષ્ઠ નંબર :76)

"જોરીયા અને નાયકીરાજનો ઇતિહાસ સંસ્થાનવાદી-સામંતશાહીની કાવતરાખોરી વચ્ચે પણ નાયકાઓની પરંપરામાં અણનમ ઊભો છે. કારણ, જોરીયા અને નાયકાઓના ઇતિહાસે 'આવજો' નહોતું કહ્યું, 'ફરી મળીશું' કહ્યું હતું." (પૃષ્ઠ નંબર : 95) આવા તો અનેક વિધાનો કે ફકરાથી પ્રસ્તુત જીવનચરિત્ર રસાળ અને વાંચનક્ષમ બન્યું છે.

વંચિતલક્ષી ઈતિહાસલેખનના સાધન તરીકે લેખકે અંગ્રેજ સરકારના ગેઝેટીયર, અન્ય દસ્તાવેજોનો અને વ્યક્તિગત મુલાકાતનો ઉપયોગ કર્યો છે પણ આદિવાસીઓની બાબત જાણવાનો મોટો સ્ત્રોત ગણાતા એમના સાહિત્યનો ઉપયોગ પણ લેખક ચૂક્યા નથી. આદિવાસીઓના મુખે શોભતા એમના લોકગીતો, ભજનો વગેરેમાંથી એમના દ્રષ્ટિબિંદુથી ઘટનાને સમજવાનો અવસર આપણને પ્રાપ્ત થાય છે. આ પુસ્તકમાં આદિવાસી ભાષામાં જ મુકાયેલ સંવાદો, જરૂર લાગે ત્યાં મૂકેલ એમના લોકગીતો, એમની પરંપરાની આછી ઝાંખી આ બધું પુસ્તકને વધારે આધારભૂત બનાવે છે અને સંશોધક આદિવાસી સમાજને સમજવા કેટલા ઊંડા જઈ શક્યા છે એનો પણ ખ્યાલ આવે છે. ઉપરાંત ખાસ નોંધપાત્ર બાબત તો એ છે કે લેખકે આદિવાસી ભાષાની શબ્દસૂચિ પણ આપી છે જે ગુજરાતીમાં છેલ્લે મેઘાણીએ લોકસાહિત્યની બાબતમાં કરેલું. મેઘાણીએ જેમ ખૂણે ખૂણે વળીને લોકસાહિત્યની ચેતનાને જીવંત રાખી હતી એ જ રીતે લેખકે આદિવાસી સમાજના ઈતિહાસને જીવંત કરવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે એમ કહેવામાં કોઈ બાધ નથી. પુસ્તકમાં જોરીયા નાયક અને તેમની પ્રેમિકા મસુરી નાયકણ વચ્ચેની પ્રણયકથા બતાવતા બે આદિવાસી

ગીતોનો નમૂનો:
(જોરીયાએ મસુરી માટે ગાયેલું) 
"તારા પાડા (ભેંસના બચ્ચા) મારાં રેડાં (વાછરડા) રે, મસુરી નાયકણ આપું ભેળાં કરી સારહું રે, મસુરી નાયકણ, તારા ડોળિયા મારાં મહુડાં રે, મસુરી નાયકણ આપું ભેળાં કરી ખાહું રે, મસુરી નાયકણ"
(મસુરીએ પ્રતિસાદ આપતા ગાયેલું) 
"જોરીયો સાકળિયા સોરાંનો નાઈક રે, જોરીથો બડો સોબીતો, જોરીયા તારે ને મારે માયા લાગી, જોરીયો બડો સોબીતો જોરીયા તારો ને મારો જીવ ઇક, જોરીયો બડો સોબીતો"

આજે જ્યારે ગુજરાતમાં લાગવગ વિના સારા પુસ્તકનું અને એમાંય ખાસ કરીને શુષ્ક અને નીરસ ગણાતા ઈતિહાસ વિષયના પુસ્તકનું પ્રકાશન કરવું દુષ્કર છે ત્યારે આવા એક અજાણ આદિવાસી નાયકની ગાથાને ઉજાગર કરવા પાર્શ્વ પ્રકાશને આ પુસ્તક છાપ્યું એ પણ પ્રસંશનીય પગલું છે અન્યથા આવી શૌર્યભરી ગાથા આપણા સુધી ક્યારેય ન પહોંચી શકી હોત.
આમ તો આ 104 પન્નામાં પથરાયેલા ગ્રંથમાં સંશોધક તરીકે લેખકે પોતાની જાતને બરાબર સાબિત કરી આપી છે તેમ છતાં ઈતિહાસનું કોઈ સંશોધન અંતિમ સત્ય હોતું નથી. જોરીયો નાયક ભલે ભણેલો નહોતો છતાં નાયકીરાજ સ્થાપવાના સ્વપ્ન સેવવા એ કંઈ જેવીતેવી વાત નહોતી આથી તેના રાજકીય, સામાજિક અને ધાર્મિક વિચારો કેવા હશે? મસૂર નાયકણ સાથેની તેની પ્રેમકથા અહીં છે, તો જોરીયા નાયકના સ્ત્રીઓ વિશેના વિચારો કેવા હશે? યુદ્ધની વ્યૂહરચના વિસ્તૃત રીતે બતાવી એ દિશામાં ચિંતન રજૂ થયું હોત તો આ ગ્રંથનું જે મૂલ્ય છે તેમાં ચોક્કસપણે વધારો થાય. અત્યારે ગુણવત્તા ન હોય પરંતુ બાહ્ય રૂપરંગ દ્વારા પુસ્તકોને સજવવાની પ્રવૃતિઓ જોરશોરથી ખીલી છે પરંતુ અહીં આટલું સુંદર વિષયવસ્તુ હોવા છતાં Production ના ક્ષેત્રમાં લેખક અને પ્રકાશક થોડા ઉણા ઉતર્યા છે. અલબત્ત, વિષયવસ્તુથી મોટો વિશેષ બીજો કોઈ હોય ન શકે. ઉપરાંત દરેક લેખકને લાગતું હોય છે એમ સંશોધકને હજુ ઘણું કહેવાનું છે પણ હજુ રહી જાય છે એ બાબત પુસ્તકના આસ્વાદ પછી સ્પષ્ટ રીતે સમજી શકાય છે.

ભારતની આઝાદીની ચળવળના ઈતિહાસનું આટલું ઉત્તમ પ્રકરણ આપણે વીસરી ચૂક્યા હતા અને એ પણ અંગ્રેજોની ચાલને લીધે તે અફસોસની વાત છે. પ્રોફેસર અરુણ વાઘેલા અત્યંત મહેનત અને ખંતથી આ વિસ્મૃત પ્રકરણ ઝળહળી ઉઠ્યું છે. એ બદલ તેઓ અભિનંદનના અધિકારી છે. ખરેખર તો જોરીયા પરમેશ્વરનું ચરિત્ર જેવી અદભુત કથા પર ઉત્તમ ફિલ્મ બની શકે તેમ છે. જો આવી કોઈ ઘટના દક્ષિણ ભારતમાં બની હોત તો તેના પર ક્યારની ફિલ્મ બની ગઈ હોત અને ભારતના જન જન સુધી આ વાત પહોંચી ગઈ હોત પણ આપણે એ બાબતે કમનસીબ છીએ એટલે ભવિષ્યમાં કોઈ નિર્માતા આ પુસ્તકના આધારે આદિવાસી નાયકીરાજ આંદોલનને ફિલ્મમાં મઢે એવી આશા વ્યક્ત કરીએ.

(અરુણ વાઘેલા, ‘કોઈનો લાડકવાયો: જોરીયો પરમેશ્વર’, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 2023, કિંમત ₹ 135)

આ પણ વાંચો : અમદાવાદમાં દલિત આગેવાનોનું આંદોલન સફળ, ડો. આંબેડકરની પ્રતિમા આસપાસ સુરક્ષા, સફાઈની પોલીસે ખાતરી આપી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.