અમદાવાદમાં દલિત આગેવાનોનું આંદોલન સફળ, ડો. આંબેડકરની પ્રતિમા આસપાસ સુરક્ષા, સફાઈની પોલીસે ખાતરી આપી

અમદાવાદના સાળંગપુરમાં આવેલી ડો. આંબેડકરની પ્રતિમા આસપાસ ગંદકી, અસામાજિક પ્રવૃત્તિઓ સામે દલિત આગેવાનોએ આંદોલન શરૂ કર્યું, જેનો સુખદ અંત આવ્યો છે. વાંચો આ અહેવાલ

અમદાવાદમાં દલિત આગેવાનોનું આંદોલન સફળ, ડો. આંબેડકરની પ્રતિમા આસપાસ સુરક્ષા, સફાઈની પોલીસે ખાતરી આપી

અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં આવેલી ડો. આંબેડકરની પ્રતિમા અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાતભરના બહુજનો માટે સ્વાભિમાન અને ક્રાંતિનું પ્રતિક બની રહી છે. જો કે છેલ્લાં કેટલાક સમયથી અહીં જુગાર, દારૂ, ગંદકી સહિતના પ્રશ્નો ઉભા થયા હતા. જે દલિત આગેવાનોના ધ્યાનમાં આવતા તેમણે આ મામલે આંદોલન શરૂ કર્યું હતું. તેના માટે આગેવાનોએ તા. 10 નવેમ્બર 2023ના રોજ કાલુપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પણ પોલીસ દ્વારા કોઈ પગલાં ન ભરાતા આખરે આગેવાનોએ ધરણાં સહિતના કાર્યક્રમો યોજ્યા હતા. ગત તા. 15 ડિસેમ્બરના રોજ આગેવાનોએ મિટીંગ કરી દેખાવો યોજ્યાં હતાં અને પોતાની માગણીઓ રજૂ કરી હતી.

અગાઉ યોજાયેલી મિટીંગમાં ડો. બાબા સાહેબની પ્રતિમા જ્યાં આવેલ છે તે બગીચામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ અટકે, ઉંદરોએ કરેલા દર પુરવામાં આવે, સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા કરાય, પ્રતિમા આસપાસની જગ્યાના વિકાસ માટે બજેટ ફાળવાય, ફૂલછોડ સહિતના રોપાં રોપાય, પ્રતિમા પાછળની જર્જરિત ટાંકી તોડી પડાય, નિયમિત સાફ-સફાઈ થાય, બગીચાની જાળવણી માટે માળીની નિમણૂંક કરાય, ઝાડની ડાળીઓને કારણે પ્રતિમા ઢંકાઈ જતી હોવાથી ડાળીઓ દૂર કરાય સહિતની માંગો નક્કી કરાઈ હતી.

આ તમામ માગણીઓને લઈને પછી ધરણાં સહિતના કાર્યક્રમો યોજવામાં આવતા પોલીસ સહિતનું તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક સાળંગપુર ડો. આંબેડકરની પ્રતિમા સ્થળે દોડી આવ્યું હતું. દલિત આગેવાનોએ યોજેલા ધરણાંની અસર એટલી મોટી હતી કે એકસાથે ત્રણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ ઘરણાં સ્થળે દોડી આવ્યા હતા. એ પછી એક જ કલાકમાં સ્થાનિક ડીસીપી દ્વારા આગેવાનોની માંગણીઓ પૂર્ણ કરવા અને જરૂરી તમામ પગલાં ભરવાની ખાતરી આપવામાં આવતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.

આ આંદોલનને સફળ બનાવવામાં અમદાવાદ શહેરના સામાજિક કાર્યકરો કલ્પેશ પરમાર, જયેશ પરમાર, દેવલબેન રાઠોડ, પ્રિયકાંત કલાપી, કરશનભાઈ રાઠોડ, જે. કે. સાહેબ, કાંતિલાલ પરમાર, હિતેન્દ્ર ડોરિયા સહિત 80થી વધુ આગેવાનોનો સિંહફાળો રહ્યો હતો.

આ પણ વાંચો : Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.