બહુજનો આક્રમક બન્યા, 500 કિમીની પદયાત્રા યોજી હકોની માંગ કરશે

500 કિમીની આ પદયાત્રામાં બહુજન સમાજ જાતિ ગણતરીની સાથે ખાનગી સેક્ટરમાં અનામતની માંગ કરવા જઈ રહ્યો છે.

બહુજનો આક્રમક બન્યા, 500 કિમીની પદયાત્રા યોજી હકોની માંગ કરશે
image credit - Google images

ગુજરાતમાં હાલમાં જ પુરી થયેલી અનામત બચાવો સંકલ્પ યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે અને તેની અસર હવે પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પડતી દેખાઈ રહી છે. ગુજરાતમાં બહુજન સમાજે ચાંદખેડાથી સંકલ્પ ભૂમિ વડોદરા સુધી 7 દિવસની જંગી અનામત બચાવો સંકલ્પ યાત્રા યોજી હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં બહુજન સમાજ ઉમટી પડ્યો હતો. આ જ તર્જ પર હવે મધ્યપ્રદેશમાં આવતા મહિનાથી જાતિ ગણતરી અને ખાનગી સેક્ટરમાં અનામત દાખલ કરવા સહિતની પોતાની માંગોને લઈને 500 કિમીની પદયાત્રા યોજાવા જઈ રહી છે.

25 નવેમ્બરથી 20 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાનારી આ પદયાત્રામાં જ્ઞાતિની વસ્તી ગણતરી અને ખાનગી ક્ષેત્રમાં અનામતના અમલીકરણની માગણી કરવામાં આવશે. તેના માટે 500 કિલોમીટર લાંબી સંકલ્પ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા દતિયા જિલ્લાના સેવઢા સંકુવા ધામથી શરૂ થશે અને પાટનગર ભોપાલમાં પૂર્ણ થશે. આઝાદ સમાજ પાર્ટીના બહુજન નેતા દામોદર સિંહ યાદવ આ યાત્રાનું સંકલન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મધરાતે શહેરમાંથી આવીને ઘરે જઈ રહેલા દલિત યુવકને સવર્ણોએ ચોર સમજી બાંધીને ફટકાર્યો

દામોદર યાદવના જણાવ્યા પ્રમાણે, આ કૂચનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં જાતિ ગણતરી હાથ ધરવા અને ખાનગી ક્ષેત્રમાં અનામત લાગુ કરવા જેવી મહત્વની માંગણીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો સુધી પહોંચાડવાનો છે. આ માંગણીઓને વિવિધ બહુજન સંગઠનો અને નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. આ યાત્રાના સમાપન સમારોહમાં ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

દામોદર રાવ વધુમાં જણાવે છે કે, આ યાત્રા સમાજના એ વંચિત અને પછાત વર્ગોનો અવાજ ઉઠાવશે, જેમના હકોની અવગણના કરવામાં આવી રહી છે. જાતિની વસ્તી ગણતરીની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે જેથી દેશમાં સાચા આંકડાઓના આધારે સામાજિક-આર્થિક યોજનાઓ બનાવી શકાય. સાથે જ આ યાત્રાના કેન્દ્રમાં અનામતનો અમલ કરવાની માંગ પણ છે, જેથી સમાજના પછાત અને નબળા વર્ગને રોજગારીની તકો મળી શકે.

આ યાત્રાને બહુજન સંગઠનોનો ટેકો
આ પદયાત્રાનું નેતૃત્વ બહુજન આંદોલન સાથે સંકળાયેલા અગ્રણી નેતાઓ કરી રહ્યા છે, જેઓ સામાજિક ન્યાય અને સમાનતાની માંગને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ યાત્રા માત્ર મધ્યપ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાતિ ગણતરી અને ખાનગી ક્ષેત્રમાં અનામતને લઈને નવી ચર્ચાને જન્મ આપી શકે છે. આ યાત્રાને ભીમ આર્મી, આઝાદ સમાજ પાર્ટી અને અન્ય બહુજન સંગઠનોનું સમર્થન મળી રહ્યું છે.

યાત્રાની પૂર્ણાહુતિમાં ચંદ્રશેખર આઝાદ હાજર રહેશે
આ પદયાત્રાનું સમાપન ભોપાલમાં એક વિશાળ જનસભા વચ્ચે થશે, જેમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ચંદ્રશેખર આઝાદ તેમના આક્રમક નિવેદનો અને સામાજિક ન્યાય માટેના સતત સંઘર્ષ માટે જાણીતા છે.

પદયાત્રામાં સેંકડો બહુજનો જોડાશે
સંકલ્પ યાત્રાને સફળ બનાવવા સામાન્ય જનતાને સહકાર અને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સભાઓ અને સંવાદ કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં બહુજન સમાજના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. સમાજના દરેક વર્ગને આ યાત્રામાં જોડાવા વિનંતી કરવામાં આવી છે, જેથી આ માંગણીઓ સરકાર સુધી પહોંચાડી શકાય.

આ પણ વાંચોઃ સંકલ્પ ભૂમિ પર અઢી લાખ બહુજનોએ સાથે મળી શું સંકલ્પ લીધો?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.