ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ દબાવેલી 300 વીઘા જમીન દલિતોને મળશે

કચ્છના ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ 40 વર્ષથી દબાવીને રાખેલી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓની 300 વીઘાથી વધુ જમીનના કબ્જાનો માર્ગ મોકળો થયો છે.

ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ દબાવેલી 300 વીઘા જમીન દલિતોને મળશે
image credit - khabarantar.com

ધર્મ અને આસ્થાની આડમાં સાધુ-બાવાઓ દ્વારા મંદિરો કે અન્ય કોઈ ધાર્મિક જગ્યા ઉભી કરીને સરકારી જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવી લેવાની ચાલાકી સદીઓ જૂની છે. ગુજરાતમાં આ રીતે દલિતો, આદિવાસીઓના હકની સેંકડો જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ બન્યાં છે. આવો એક કિસ્સો ભૂજમાં પણ નોંધાયો છે.

મામલો શું છે?

અહીંના ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને 40 વર્ષ પહેલા ફાળવવામાં આવેલી 300 વીઘા જેટલી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો છે. ધર્મ અને આસ્થાની આડમાં આ ટ્રસ્ટે આટલી મોટી ગેરરીતિ આચરી હોવા છતાં સરકાર આટલા વર્ષોથી તેમને છાવરતી આવી છે. જો કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આ મુદ્દો હાથમાં લીધો હતો અને મેકરણ દાદા ટ્રસ્ટના કારનામાઓને કોર્ટમાં પડકાર્યા હતા. આ મામલે કચ્છ કલેક્ટર અને મહેસૂલ સચિવે મેકરણદાદા અખાડાની રિવિઝન અરજીને ફગાવી દેતા હવે આ 300 વીઘા જેટલી જમીન તેના અસલી માલિકો એવા અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને મળવાનો માર્ગ મોકળો થયો છે. 

મેકરણદાદાના નામે દલિતોની જમીનો પચાવી પાડી

ભુજ તાલુકાના ધ્રંગ ગામે શ્રી ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીને વર્ષ-૧૯૮૩ માં ટોચ-મર્યાદા તળે ફાજલ જમીનોની ફાળવણી કરવામાં આવી હતી. જેના પર ધ્રંગમાં આવેલા મેકરણદાદા અખાડાએ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. આજકાલ કરતા 40 વર્ષથી તેઓ આ જમીનો ભોગવી રહ્યાં છે અને તેના અસલી માલિકો એવા દલિતોને તેનો કબ્જો મળતો નહોતો. હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આખો કેસ હાથમાં લેતા આ જમીનની ફાળવણીને મેકરણદાદાના અખાડાના મહંત દ્વારા કલેક્ટર કચ્છ સમક્ષ પડકારવામાં આવી હતી. જેને કલેકટર કચ્છ દ્વારા ગ્રાહ્ય ન રખાતા ખાસ સચિવ મહેસૂલ વિભાગ, અમદાવાદ (SSRD) સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વર્ષ-૨૦૧૯થી યથાસ્થિતિ (status-quo) જાળવી રાખવાનો હુકમ કરવામાં આવેલ હતો. અર્થાત અખાડાએ કરેલા માલિકી હકના દાવાઓને કલેક્ટર અને મહેસૂલ સચિવ બંનેએ ફગાવી દીધાં છે.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મુદ્દો ઉઠાવ્યો

મંડળી તરફથી હાજર રહેલા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ(RDAM)ના એડવોકેટ સુબોધ કુમુદની લેખિત અને મૌખિક દલીલોને પગલે SSRD, અમદાવાદ દ્વારા તા. ૧૬/૧૦/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ હુકમથી અરજદાર મેકરણદાદાના અખાડાના મહંત દ્વારા દાખલ કરેલ રિવિઝન અરજી નામંજુર કરવાનો અને કેસ રજિસ્ટરેથી કમી કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ સાથે આ તમામ જમીનોમાં આપવામાં આવેલ યથાસ્થિતિ જાળવી રાખવાનો સ્ટે પણ હટી ગયેલ છે. જેથી મંડળીને આ જમીનોનો કબજો લેવાનો માર્ગ હવે આસાન બન્યો છે.

અખાડા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ જમીનો ખોટી રીતે ફાજલ કરવામાં આવેલી છે જેથી દલિત મંડળીને કરવામાં આવેલી આ જમીનોની ફાળવણી પણ ગેરકાયદેસર છે અને આ ટ્રસ્ટને ટોચ-મર્યાદાનો કાયદો લાગુ પડતો નથી.

જેના જવાબમાં મંડળી વતી એડવોકેટ સુબોધ કુમુદે આ દલીલો ટકવાપાત્ર નથી તેમ જણાવી હકુમતનો અને સમયમર્યાદાનો બાધ ઉઠાવવામાં આવ્યો હતો. જેના પગલે SSRD દ્વારા અરજદાર મહંતની અરજી નામંજુર કરવાનો હુકમ કરવામાં આવેલ છે. 

કચ્છમાં હજારો એકર જમીન દલિતોને મળી શકી નથી

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર કચ્છ જિલ્લામાં આ પ્રકારે દલિતોને મંડળીઓને અને વ્યક્તિગત કિસ્સાઓમાં પણ ટોચમર્યાદા તાલે ફાજલ થયેલી હજારો એકર સરકારી પડતર જમીનોની ફાળવણી કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી મોટાભાગના કિસ્સાઓમાં આ જમીનોનો કબજો તેના મૂળ લાભાર્થીઓ મેળવી શક્યા નથી. જે મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) દ્વારા સતત રસ્તા પરની લડત ચલાવવામાં આવી અહીં છે.

દલિતોની જમીનોને વિવાદિત બનાવી દઈ પચાવી પાડવાનો કારસો

મંડળીના પ્રમુખ વિજયભાઈ કાંગી આ મામલે એક અખબારી યાદીમાં ખબરઅંતર.કોમને જણાવ્યું છે કે, "કચ્છ જિલ્લામાં ફાળવેલી જમીનોનો કબજો મંડળી ના લઈ શકે એ હેતુથી જે શખ્સોની જમીન ફાજલ કરવાં આવેલી એ જમીનોમાં કોર્ટ કેસ દાખલ કરીને આ જમીનો વિવાદિત બનાવી દેવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે, જેથી આ જમીનોનો કબજો લઈ શકાય નહીં અને લાંબી તથા ખર્ચાળ કાયદાકીય પ્રક્રિયાના લીધે નિરાશ થઈને દલિતો આવી જમીનોનો કબજો મેળવવાના પ્રયત્નો કરવાનું છોડી દે અને આ શખ્સો પોતાનું દબાણ ચાલુ રાખી શકે."

દલિત અધિકાર મંચ લડી લેવા તૈયાર

વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, "આ મોડસ ઓપરેન્ડીથી આ જમીનો જે હેતુ માટે ફાળવવામાં આવી હતી એ હેતુ પાર પડતો નથી અને દલિતોના આર્થિક ઉત્થાનનો એક રસ્તો બંધ જાય છે. પરંતુ, ભુજ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક સહકારી મંડળીને ફાળવવામાં આવેલી અને કોર્ટમાં પેન્ડીંગ કેસોના લીધે આવી જમીનોનો કબજો લેવામાં અડચણ આવી શકે તેમ હોય એવી તમામ જમીનોમાં કાનૂની રહે પણ લડત ચલાવવામાં આવશે અને ટૂંક સમયમાં આવી તમામ જમીનોનો કબજો લેવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે."

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની સરાહનીય કામગીરી

ઉલ્લેખનીય છે કે, કચ્છ સહિત ગુજરાતભરમાં અનેક ગામોમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોને કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પર માથાભારે તત્વો ગેરકાયદે કબ્જો જમાવીને બેસી ગયા છે. આવી સેંકડો એકર જમીનો આજે પણ લુખ્ખા તત્વોના કબ્જામાં છે. આ જમીનો તેમના કબ્જામાંથી છોડાવી તેના મૂળ માલિક એવા દલિતોને અપાવવા માટે વગડામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નેતૃત્વ હેઠળનું સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વર્ષોથી જમીની સ્તરે લડત ચલાવી રહ્યું છે. અત્યાર સુધીમાં આ સંગઠને આવા અનેક કેસોમાં દલિતોને તેમના હકની જમીનો માથાભારે તત્વોના કબ્જામાંથી છોડાવીને પરત અપાવી છે. હવે મેકરણદાદા અખાડાએ પચાવી પાડેલી જમીનો પણ છોડાવીને તેમના મૂળ માલિકો એવી દલિત મંડળીઓને પરત કરાશે. આ માટે એડવોકેટ સુબોધ કુમુદ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આખી ટીમ દિવસ-રાત જોયા વિના મહેનત કરતી રહે છે.

આ મેટરમાં વધુ કોઈપણ જાણકારી માટે વિજયભાઈ કાંગી, પ્રમુખ, શ્રી ભુજ અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.નો ૯૬૩૮૮૭૦૯૯૫ પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: કચ્છમાં 50 એકર જમીનનો પ્રત્યક્ષ કબજો અનુસૂચિત જાતિની મંડળીઓને સોંપાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Nilesh sengal
    Nilesh sengal
    Nice work teem R D A M
    22 days ago
  • D B solanki Rtd civil engineer
    D B solanki Rtd civil engineer
    મારા પુત્ર મેહુલ સોલંકી દિવ્યાંગ છે સરકારી પડતર જમીન વૃક્ષ ઉછેર માટે 17 9 2013 ના રોજ માગણી કરે અને ઘરે રહેતી માગણી કરેલ હતી કલેકટરે નામંજૂર કરતા સતીશ્રી વિવાદમાં કપિલ અરજી દાખલ કરતા મેહુલ સોલંકી ના તરફેણમાં જમીન ફાળવવા પુના કાર્યવાહી કરવા આદેશ કરે જમીન ફાળવેલ નથી આગે મુખ્યમંત્રી ને મુખ્યમંત્રીશ્રીને માનનીય વડાપ્રધાન થઈને રજૂઆત કરે છે તો કોઈ નિર્ણય આવતો નથી માતા ભારે સેક્સ દબાણ કરીને પોતાના પિતાશ્રીનું મંદિર ઊભો કરી દે છે મામલતદારને કલેક્ટર શ્રી મુક્તક બને છે શું કરવું મેવાણી ને પણ જાણ કરેલ છે તેમને પણ કલેક્ટરશ્રીને યોગ્ય કરવા પત્ર લખેલ છે પરંતુ 2022 ની સચિવ વિભાગના હુકમો ન સુધી જમીન ફાળવવામાં આવેલ નથી
    23 days ago
  • Mahesh
    Mahesh
    ખુબજ સરસ કાર્ય ????
    23 days ago