ખોખરામાં આરોપીઓનું સરઘસ નીકળ્યું, બાબાસાહેબની નવી પ્રતિમા સ્થાપિત કરાઈ
અમદાવાદના ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનાર આરોપીઓને પોલીસે જાહેરમાં ફેરવી માફી મગાવી હતી. જ્યારે ખંડિત પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમાનું અનાવરણ કરાયું.

અમદાવાદના ખોખરામાં જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. એ પછી ખોખરા પોલીસે બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને માફી મગાવી હતી. ખોખરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. એ દરમિયાન બાબાસાહેબની પ્રતિમાનું નાક તોડનારા બંને આરોપીઓ કાન પકડી વાંકા વળીને માફી માગતા જોવા મળ્યા હતા. હજુ આ કેસના ત્રણ આરોપીઓ ફરાર છે અને પોલીસે તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ડો.આંબેડકરની ખંડિત થયેલી પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. એ પછી છેલ્લાં બે દિવસથી ચાલતાં દલિત-બહુજન સમાજના ધરણાં પર સમાપ્ત થયા હતા.
સ્થાનિકોએ આ મામલે જણાવ્યું હતું કે, પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, પરંતુ હજુ ત્રણ આરોપીની ધરપકડ કરવાની બાકી છે. આ આરોપીઓની પોલીસે જલ્દીથી જલ્દી ધરપકડ કરવી જોઇએ. પોલીસ પોઇન્ટ અને સીસીટીવી કેમેરા મુકવાની પણ અમારી માગ છે, જેને જલ્દીથી પૂર્ણ કરવામાં આવે.
બાબાસાહેબની પ્રતિમા પાસે પોલીસ પોઈન્ટ અને CCTV લગાવવા માગ
જે રીતે દેશભરમાં સુનિયોજિત રીતે ડો.આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી રહી છે તે જોતા ખોખરામાં સ્થાપિત નવી પ્રતિમા પાસે સીસીટીવી કેમેરા અને પોલીસ પોઈન્ટ મૂકવાની સ્થાનિકોએ માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે, ડો. બાબાસાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જેથી આંદોલન આજે પૂર્ણ કર્યું છે.
પરંતુ હજી ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે, તેમની વહેલીતકે ધરપકડ થવી જોઈએ. સાથે જ બાબાસાહેબની પ્રતિમા પાસે સીસીટીવી કેમેરા લગાવવા અને પોલીસ પોઇન્ટ મૂકવા જોઈએ જેથી આવી ઘટના ફરી ન બને. જે રીતે દેશભરમાં બંધારણના ઘડવૈયાની પ્રતિમાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, તે જોતા પોલીસે આટલું તો કરવું જ જોઈએ, જેથી તોફાની તત્વોની કારી ફાવે નહીં.
ઘટના શું હતી?
અમિત શાહના નિવેદન બાદ દેશભરમાં દલિતોમાં આક્રોશ હતો ત્યારે રવિવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ ખોખરામાં જયંતિ વકીલની ચાલી બહાર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થરો મારીને તોડી નાખી હતી. જેની જાણ થતાં સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં અને ખંડિત પ્રતિમા પાસે ધરણાં પર બેસી ગયા હતા. દલિત સંગઠનોએ જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરી તેમનું સરઘસ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાં પર બેસી રહેવાની જાહેરાત કરી હતી. ગઈકાલે સાંજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મૂર્તિ ખંડિત કરનાર બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
નવી પ્રતિમાનું અનાવરણ કરાતા ધરણાં સમાપ્ત કરાયા
બીજી તરફ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લેતા સ્થાનિકોએ આજે સવારે ધરણાં પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. જયંતિ વકીલની ચાલીની બહાર જે પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી તેને દૂર કરીને ત્યાં નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આજે સવારે સ્થાનિકો અને દલિત આગેવાનોએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને ધરણાં પૂર્ણ કર્યા હતા. ખોખરા પોલીસે આજે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમનું સરઘસ કાઢીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. એ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. એ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓએ જૂની અદાવતનો બદલો લેવા માટે બાબાસાહેબની પ્રતિમાને ટાર્ગેટ કરી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: ખોખરામાં ડૉ.આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા ઝડપાયા