RSS માં જોડાવાની ના પાડતા દલિત પ્રોફેસર પર અનેક હુમલા કરાયા
ત્રણ અજાણ્યા શખ્સોએ દલિત પ્રોફેસરને બાથરૂમમાં પુરી દીધાં, રસ્તો રોકી જાનથી મારી નાખવાની ધમકી આપી. પ્રોફેસરે હાઈકોર્ટમાં અરજી કરી.

મધ્યપ્રદેશના સિધીની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એક દલિત વિઝીટીંગ ફેકલ્ટી RSS માં ન જોડાતા તેમના પર હુમલો કરવામાં આવ્યો. પ્રોફેસરે સંઘની મીટિંગમાં આવવાની ના પાડી દેતા સંઘ સાથે જોડાયેલા પ્રોફેસરે તેમને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં પ્રોફેસરને બાથરૂમમાં પુરી દીધા હતા અને ઘરે જતી વખતે રસ્તો રોકીને તેમના પર હુમલો કરી સંઘની મિટીંગોમાં હાજર રહેવા ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં પ્રોફેસરના આરોપો બાદ હાઈકોર્ટે સુનાવણી કરી તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
ઘટના શું છે?
મામલો મધ્યપ્રદેશના સિધીનો છે અને ઘટના 12 સપ્ટેમ્બર, 2024ની છે. અહીંની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એક વિઝિટીંગ ફેકલ્ટીને છેલ્લાં ઘણાં સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ન જોડાતા હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેમના પર અનેક વખત હુમલા થયા છે. ડૉ. રામજસ ચૌધરી કૉલેજથી ઘરે જતા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. એ પછી જ્યારે તેમણે પોલીસમાં ફરિયાદ કરી તો કાર્યવાહી કરવાને બદલે તેને વધુ હેરાન કરવામાં આવ્યા. હવે આ મામલાને લઈને હાઈકોર્ટે સિધીના એસપી રવિન્દ્ર વર્મા અને મઝગવાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દીપક સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કોલેજના પ્રિન્સિપાલ અને ઉચ્ચ શિક્ષણ વિભાગને પણ નોટિસ જારી કરી છે અને આ મામલે આગામી સુનાવણી 5 જાન્યુઆરી, 2025ના રોજ નક્કી કરી છે.
પ્રોફેસર રામજસ ચૌધરીએ જણાવ્યું કે 12 સપ્ટેમ્બર, 2024ના રોજ જ્યારે તેઓ કોલેજથી ઘરે જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ત્રણ લોકો હથિયારો લઈને તેમની પાસે આવ્યા અને માર માર્યો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એ દરમિયાન પોલીસે આરોપીઓના નામજોગ ફરિયાદ નોંધવાને બદલે ‘અજ્ઞાત’ શબ્દનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધી હતી.
RSS માં જોડાવાનું દબાણ હતું
પીડિત પ્રોફેસર ડો. રામજસ ચૌધરીએ જણાવ્યું કે ઓક્ટોબર 2023માં કોલેજના શિક્ષક ડો. સુરેશ કુમાર તિવારીએ તેમના પર આરએસએસની બેઠકમાં ભાગ લેવા માટે દબાણ કર્યું હતું. ડો.ચૌધરીએ તેનો વિરોધ કરીને બેઠકમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. એ પછી તેમને સતત ધમકીઓ મળવા લાગી હતી.
તેમનું કહેવું છે કે ફેબ્રુઆરી 2024માં તેમને કોલેજના બાથરૂમમાં અડધા કલાક સુધી બંધ દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મે 2024 માં બીજી ધમકી આપવામાં આવી હતી કે, "અબ આગે આગે દેખો ક્યા હોતા હૈ.."
ડો. ચૌધરીના જણાવ્યા અનુસાર, જુલાઈ 2024માં છ લોકોએ કોલેજના પ્રિન્સિપાલની કેબિનમાં ઘૂસી જઈ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રામજસ ચૌધરીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે મજગવાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દીપક સિંહનો સંપર્ક કર્યો તો મદદ કરવાને બદલે તેમણે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમને ચાર કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા.
એ પછી ઓગસ્ટ 2024 માં જ્યારે તેમણે સીધીના એસપી રવિન્દ્ર વર્માને ફરિયાદ કરી, ત્યારે તેમણે અરજી ફાડી નાખી અને ધમકી આપી કે, જો ફરીથી ફરિયાદ લઈને આવશો તો જેલમાં પુરી દઈશ. પ્રોફેસર ચૌધરીએ આ સમયગાળા દરમિયાન 10 વખત અરજી કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.
ડો.રામજસ ચૌધરીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતાં જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ તેમની ફરિયાદ પર કોઈ પગલાં લીધાં નહોતા, એટલું જ નહીં બીજા જ દિવસે કૉલેજના પ્રિન્સિપાલે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ બરતરફી સામે તેમણે હાઈકોર્ટમાં અરજી કરતાં કોર્ટે કોલેજ તંત્ર અને ઉચ્ચ શિક્ષણ વિભાગને નોટિસ ફટકારી છે.
હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને સિધીના એસપી અને મજગવાં ટીઆઈ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું છે કે કોલેજના પ્રિન્સિપાલ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સામે કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવે અને પીડિતને ન્યાય અપાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે.
પીડિત ડો. રામજસ ચૌધરીએ કોર્ટમાં પોતાની ઇજાઓના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે, જે સાબિત કરે છે કે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને કોલેજ તંત્રે તેમની ફરિયાદો પર ઇરાદાપૂર્વક નિષ્ક્રિયતા દાખવી હતી, જેના કારણે તેમને વધુને વધુ ધમકીઓ મળવા લાગી હતી. તેમણે કહ્યું કે જો પોલીસ અને કોલેજ પ્રશાસને સમયસર પગલાં લીધા હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત.
આ પણ વાંચો: RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?